Mid-air scare in IndiGo: નાગપુરથી કલકત્તા જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઇટ ઉડાન દરમિયાન પક્ષી સાથે અથડાઈ હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિગો (IndiGo)ની ફ્લાઈટમાં હવામાં એક પક્ષી સાથે વિમાન અથડાતાં હંગામો (Mid-air scare in IndiGo) મચી ગયો હતો અને ૨૭૨ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)થી કલકત્તા (Kolkata) જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટ ઉડાન દરમિયાન પક્ષી સાથે અથડાઈ ગઈ. પક્ષીઓ સાથેની ટક્કર એટલી ગંભીર હતી કે ફ્લાઇટને યુ-ટર્ન લઈને નાગપુર પરત ફરવું પડ્યું અને ફ્લાઇટને ફરીથી નાગપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી.
ઇન્ડિયોનું વિમાન 6E812 ઉડાન ભરતાની સાથે જ એક પક્ષી હવામાં આવીને એન્જિન સાથે અથડાયું. વિમાન ધ્રુજવા લાગ્યું અને તેમાં ખામી સર્જાઈ. જોકે, વિમાનનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાન મુસાફરોથી ભરેલું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી મળી છે.
ADVERTISEMENT
ઇન્ડિગોના વિમાને સવારે નાગપુર એરપોર્ટથી ૨૭૨ મુસાફરો સાથે ઉડાન ભરી હતી. વિમાન એરપોર્ટથી ઉડાન ભરતાની સાથે જ એક પક્ષી સામે આવ્યું. પક્ષી વિમાનના આગળના ભાગ સાથે અથડાયું અને ફ્લાઇટના આગળના ભાગને મોટા પ્રમાણમાં નુકસાન થયું. આ દરમિયાન, વિમાન ધ્રુજી ઉઠ્યું. મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો. જોકે, ફ્લાઇટ ક્રુ દ્વારા તેમને શાંત રહેવાનું કહેવામાં આવ્યું.
અધિકારીઓના જનાવ્યા અનુસાર બધા જ મુસાફરો સુરક્ષિત છે.
નાગપુર એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આજે સવારે આ ઘટનાની માહિતી આપી હતી. અકસ્માત પછી, ફ્લાઇટને ફરીથી નાગપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. બાદમાં, આ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
પક્ષી અથડાવાની અસર અને વિમાનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઇન્ડિગોના એન્જિનિયરો વિમાનનું નિરીક્ષણ કરી રહ્યા છે.
નાગપુર સિનિયર એરપોર્ટ ડિરેક્ટર આબિદ રૂહીએ જણાવ્યું હતું કે, અમે ખરેખર શું બન્યું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એરપોર્ટ અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. નિરીક્ષણ પૂર્ણ થયા પછી નિવેદન જારી કરવામાં આવશે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કોઈપણ કારણસર ફ્લાઇટ્સ કેન્સલ થવાની ઘટનાઓમાં વધારો થયો છે.
૯ જૂનના રોજ, દિલ્હી (Delhi)થી લેહ (Leh) જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2006નું ટેકનિકલ કારણોસર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઇન્ડિગો ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ ૧૮૦ લોકો સવાર હતા. ફ્લાઇટે દિલ્હીથી લેહ માટે ઉડાન ભરી હતી, પરંતુ લેહ પહોંચવાના થોડા સમય પહેલા જ ટેકનિકલ ખામી જોવા મળી હતી. લેહ પહોંચ્યા પછી તરત જ વિમાન પાછું આવ્યું અને દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું.
અગાઉ, ૨ જૂનના રોજ ઇન્ડિગોનું એક વિમાન રાંચી (Ranchi)માં એક ગીધ સાથે અથડાયું હતું, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પટના (Patna)થી કલકત્તા થઈને રાંચી જતી ફ્લાઇટ લગભગ ત્રણ-ચાર હજાર ફૂટની ઊંચાઈ પર હતી. તે જ ક્ષણે એક ગીધ તેની સાથે અથડાયું. આ ઇન્ડિગો ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ સહિત ૧૭૫ મુસાફરો સવાર હતા.


