મ્હાડાના આ પગલાને કારણે હવે લોકો RTI ઍક્ટ હેઠળ અરજી ફાઇલ કર્યા વગર જ એ માહિતી ઑનલાઇન જોઈ શકશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પ્રશાસનમાં પારદર્શિતા લાવવા માટે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા)એ એના ૧૫ કરોડ જેટલા દસ્તાવેજો એની વેબસાઇટ https://mhada.gov.in પર મૂક્યા છે જે સામાન્ય લોકો પણ જોઈ શકશે. મ્હાડાના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંજીવ જાયસવાલે રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI)ની જોગવાઈ હેઠળ આ પગલું લીધું છે.
મ્હાડા તરફથી એની જાહેરાત એપ્રિલ ૨૦૨૫માં કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ સ્કૅન કરેલા ઑફિશ્યલ રેકૉર્ડ્સ તેમના પબ્લિક ડોમેન પર મૂકશે. મ્હાડાના આ પગલાને કારણે હવે લોકો RTI ઍક્ટ હેઠળ અરજી ફાઇલ કર્યા વગર જ એ માહિતી ઑનલાઇન જોઈ શકશે.
ADVERTISEMENT
આ દસ્તાવેજો ડિપાર્ટમેન્ટ-વાઇઝ અપલોડ કરવામાં આવ્યા છે જેમાં સર્ક્યુલર્સ, ટેન્ડર્સ, ઑફિસ ઑર્ડર, ઇન્ટર્નલ રિમાર્ક, અપ્રૂવલ અને અન્ય ઑફિશ્યલ દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેન્સિટિવ કે પછી ક્લાસિફાઇડ મૅટર જેવી કે લૉટરી-પ્રોસેસને પબ્લિક ઍક્સેસથી દૂર રાખવામાં આવી છે. આ બાબતે સંજીવ જાયસવાલે કહ્યું હતું કે જ્યાં ગુપ્તતા જરૂરી છે ત્યાં એ મૅટર કે દસ્તાવેજો સાથે કોઈ માણસ ચેડાં ન કરી શકે એ માટે એને પબ્લિક ઍક્સેસથી દૂર રાખવામાં આવ્યા છે.
મ્હાડાની વેબસાઇટ પર જઈ સિટિઝન કૉર્નર સેક્શનમાં જઈને દસ્તાવેજ જોઈ શકાશે. જોકે એ માટે પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે જેમાં નામ, મોબાઇલ-નંબર, જેન્ડર, ડેટ ઑફ બર્થ, યુઝર આઇડેન્ટિટી પાસવર્ડ અને એનાં ટર્મ્સ અને કન્ડિશન્સ ઍક્સેપ્ટ કરવાનાં રહેશે. આઇડેન્ટિટી વેરિફિકેશન આધાર કાર્ડ અને પૅન કાર્ડનો ઉપયોગ કરી વન ટાઇમ પાસ વર્ડ (OTP) મેળવી શકાશે. એ વેરિફાય થશે એ પછી દસ્તાવેજ ઓપન કરીને જોઈ શકાશે.
સેફ્ટી જાળવવા દસ્તાવેજ ડાઉનલોડ નહીં થઈ શકે કે એનો સ્ક્રીન-શૉટ પણ નહીં લઈ શકાશે. સિસ્ટમ પ્રોટેક્ટેડ છે અને એ સાઇબર સિક્યૉરિટી ઑડિટમાં પણ પાસ થઈ છે.


