માસ્ટરમાઇન્ડ સહિત પાંચ આરોપીની પોલીસે કરી ધરપકડ
થાણે ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરાખંડની MD ફૅક્ટરીમાંથી જપ્ત કરેલી સામગ્રી.
થાણેની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ પાંચની ટીમે ગયા અઠવાડિયે ઉત્તરાખંડના પિથૌરાગઢ વિસ્તારમાં ચાલતી મેફેડ્રોન (MD) બનાવીને વેચાણ કરતી એક ફૅક્ટરી પર રેઇડ પાડીને આશરે ૩૦ લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ મામલે પોલીસે કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ ઉત્તરાખંડમાંથી ડ્રગ્સ લાવીને મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં વેચતા હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી છે. આ કેસમાં પોલીસે મુંબઈ તેમ જ આસપાસના પરિસરમાં આરોપીઓ પાસેથી ડ્રગ્સ લેતા લોકોની તપાસ શરૂ કરી છે.
થાણે ક્રાઇમના ડેપ્યુટી પોલીસ-કમિશનર અમરસિંહ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ પાંચની ટીમે પહેલી જૂને થાણેના ઘોડબંદર રોડ પરથી ૧૦ ગ્રામ MD સાથે વિલાસ સિંહ અને મલ્લેશ યેવલાની ધરપકડ કરી હતી. તેમની વધુ તપાસ કરતાં આરોપીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢ વિસ્તારમાંથી ડ્રગ્સ લાવ્યા હોવાની માહિતી મળી હતી. એ મુજબ ગુપ્ત સૂત્રો પાસેથી ઉત્તરાખંડમાં તપાસ કરવામાં આવતાં ત્યાં MD બનાવતી ફૅક્ટરી હોવાની માહિતી અમારી ટીમને મળી હતી. એના આધારે સ્થાનિક પોલીસ સાથે મળીને ગયા અઠવાડિયાના અંતમાં પિથૌરાગઢ વિસ્તારની ફૅક્ટરી પર રેઇડ પાડવામાં આવી હતી, જ્યાંથી મોટા પ્રમાણમાં MD તૈયાર કરવા માટેનાં સાધનો તેમ જ કેમિકલ મળી આવ્યાં હતાં. દરમ્યાન ઘટનાસ્થળ પરથી નાસી ગયેલા ઓમ ગુપ્તા, ભીમ યાદવ અને અમનકુમાર કોહલીની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની મુંબઈ તેમ જ થાણેમાં મોટી સિન્ડિકેટ હોવાની માહિતી હાલની તપાસમાં સામે આવી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

