કૅમેરામાં ઑડિયો અને વિડિયો રેકૉર્ડ કરવાની સુવિધાથી ટ્રાફિક-નિયમનમાં અને કોઈ ઘટના બને તો લાઇવ રેકૉર્ડિંગ કરવામાં સરળતા રહેશે
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના કમિશનર મધુકર પાંડેએ ગઈ કાલે ટ્રાફિક-વિભાગના પોલીસને ૨૦ બૉડી વૉર્ન-કૅમેરાનું વિતરણ કર્યું હતું.
મુંબઈ અને થાણેની જેમ હવે મીરા-ભાઈંદર વસઈ-વિરાર (MBVV) પોલીસે પણ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને કામને સરળ કરવા માટેનું પગલું ભર્યું છે. ટ્રાફિક-પોલીસ માટે વરદી પર લગાવી શકાય એવા ૨૦૦ બૉડી-વૉર્ન કૅમેરા વસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાંથી ૨૦ કૅમેરા ગઈ કાલે ટ્રાફિક-પોલીસને સોંપવામાં આવ્યા હતા.
મીરા ભાઈંદર વસઈ વિરાર પોલીસના કમિશનર મધુકર પાંડેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ટ્રાફિકનું નિયમન કરવાની સાથે રસ્તામાં કોઈ ઘટના બને તો ઘટનાસ્થળે હાજર પોલીસ-કર્મચારી વિડિયો કે ઑડિયો રેકૉર્ડિંગ કરીને કન્ટ્રોલ રૂમ કે ઉપરી અધિકારીને તાત્કાલિક માહિતી પહોંચાડી શકે એ માટે બૉડી વૉર્ન કૅમેરા વસાવવામાં આવ્યા છે. ટ્રાફિક-પોલીસના કર્મચારીના છાતી, ખભા કે કમરમાં લટકાવવામાં આવેલા કૅમેરામાં વિડિયોની સાથે ઑડિયો રેકૉર્ડ કરી શકાશે. આથી ઘટનાસ્થળે ટ્રાફિક-પોલીસ સાથે લોકોની રકઝક સહિતની તમામ બાબતો કૅમેરામાં કેદ થઈ જશે. ટ્રાફિક-પોલીસના કર્મચારી ફરજ પર જશે ત્યારે તેમણે આ કૅમેરા ફરજિયાત સાથે રાખવા પડશે. આનો ફાયદો ટ્રાફિક-પોલીસની સાથે સામાન્ય નાગરિકોને પણ થશે. અત્યારે આવા ૨૦ કૅમેરા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ટૂંકમાં ૨૦૦ વધુ કૅમેરા પણ ટ્રાફિક-પોલીસને આપવામાં આવશે.’

