માટુંગાનાં ૭૩ વર્ષનાં જયા પારેખ કાર-ડ્રાઇવરની ગંભીર ભૂલનો ભોગ બન્યાં
અકસ્માતમાં મૃત્યુ પામેલાં જયા પારેખ.
બ્રેકને બદલે ઍક્સેલરેટર દબાઈ જતાં બેફામ બનેલી કારની અડફેટે આવી જતાં માંટુગા-ઈસ્ટના ભાઉદાજી રોડ પર હબ ટાઉન હાર્મની સોસાયટીમાં રહેતાં ૭૩ વર્ષનાં જયા પારેખનું બુધવારે બપોરે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ મામલે માટુંગા પોલીસે કાર-ડ્રાઇવર મનોહર તુડક સામે ફરિયાદ નોંધીને તેની કાર જપ્ત કરી છે. જયાબહેન નજીકમાં રહેતી તેમની બહેનપણીના ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે મનોહર એ જ વિસ્તારમાં કાર પાર્ક કરવાની કોશિશ કરી રહ્યો હતો. એ દરમ્યાન કારને પાર્કિંગની જગ્યામાં લઈ જઈને બ્રેક મારવાને બદલે મનોહરથી ઍક્સેલરેટર દબાઈ ગયું હોવાનું નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું હતું.
જયાબહેનના પુત્ર મનોજ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી દરરોજ બપોરે સમય પસાર કરવા નજીકમાં રહેતી તેમની ફ્રેન્ડના ઘરે જતાં હતાં. બુધવારે બપોરે તેઓ ત્રણ વાગ્યે ઘરેથી નીકળ્યાં એ પછી પોણાચાર વાગ્યે મને જાણ થઈ કે મમ્મીનો અમારા ઘર નીચે જ ઍક્સિડન્ટ થયો છે અને તેમને સાયન હૉસ્પિટલ લઈ જવાયાં છે. હું તાત્કાલિક સાયન હૉસ્પિટલ પહોંચ્યો હતો. તેમની સારવાર ચાલતી હતી એ દરમ્યાન દોઢેક કલાક બાદ તેમનું મૃત્યુ થયું હતું. મને જાણ થઈ કે મમ્મી ઘરેથી નીકળ્યાં એ પછી કાર-પાર્કિંગ કરવા દરમ્યાન તેમને એક કારે અડફેટે લીધાં હતાં જેમાં કારનું ટાયર તેમના શરીર પર ફરી વળ્યું હતું. ગઈ કાલે બપોરે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.’
ADVERTISEMENT
માંટુગાનાં પોલીસ-ઇન્સ્પેક્ટર નિકિતા નારળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે ઘટનાસ્થળના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં કાર ચલાવનાર પાર્ક કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે કારને આગળ લઈને રસ્તાની એક તરફ દબાવવા જતાં તેનાથી બ્રેકને બદલે ઍક્સેલરેટર દબાઈ ગયું હતું જેમાં કાર પરથી કન્ટ્રોલ જતાં તે અકસ્માત કરી બેઠો હતો. એ કેસમાં કાર જપ્ત કરીને ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે.’

