ફાયર-બ્રિગેડનાં ૮ ફાયર એન્જિન, ૬ જમ્બો ટૅન્કર, એક હાઇરાઇઝ વૅન ઍમ્બ્યુલન્સ સહિત ઘટનાસ્થળે ધસી ગયાં હતાં
ગઈ કાલે ગ્રાન્ટ રોડના ધવલગિરિ બિલ્ડિંગના બારમા અને તેરમા માળે આવેલા ડુપ્લેક્સ ફ્લૅટમાં આગ લાગી હતી. સમીર માર્કન્ડે
મુંબઈ ઃ ગ્રાન્ટ રોડના ઑગસ્ટ ક્રાન્તિ મેદાન પાસે આવેલી પપનસ વાડી નજીકના એચ ઍન્ડ એમ મૉલ પાસેના બાવીસ માળના ધવલગિરિ બિલ્ડિંગમાં ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેની તરત જ ફાયર-બ્રિગેડને જાણ કરાઈ હતી. ૧૨૦૧ અને ૧૩૦૧ એમ ડુપ્લેક્સ ફ્લૅટમાં આગ લાગી હતી. જોતજોતામાં આગ પ્રસરી હતી અને ત્રણથી સાડાત્રણ કલાકે એના પર ફાયર-બ્રિગેડના જવાનો કાબૂ મેળવી શક્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં ૨૧મા માળના રહેવાસીઓ ટેરેસ પર ચાલ્યા ગયા હતા, જ્યારે ૧૫મા માળે સાત જેટલા રહેવાસીઓ ફસાઈ ગયા હતા. ફાયર-બ્રિગેડના જવાનોએ તેમનો સુખરૂપ બચાવ કર્યો હતો.
હાઇરાઇઝ બિલ્ડિંગના ૧૨મા માળે આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડનાં ૮ ફાયર એન્જિન, ૬ જમ્બો ટૅન્કર, એક હાઇરાઇઝ વૅન ઍમ્બ્યુલન્સ સહિત ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગ ૧૨મા અને ૧૩મા માળે આવેલા ડુપ્લેક્સ ફ્લૅટમાં લાગી હતી. આગનો વ્યાપ જોતાં સવારે ૧૦.૧૦ વાગ્યે એને લેવલ–ટૂની આગ જાહેર કરાઈ હતી. ફાયર-બ્રિગેડના ડિવિઝનલ ઑફિસર, અસિસ્ટન્ટ ડિવિઝનલ ઑફિસર અને બીએમસીના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. બીએમસીના જણાવ્યા અનુસાર ફાયર-બ્રિગેડના જવાનોએ બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી ફાયરફાઇટિંગ સિસ્ટમની બે સ્મૉલ હોઝ પાઇપ લાઇનથી આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાત ફાયર-બ્રિગેડે તેમના ફાયર એન્જિનથી પણ ફોર્સમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ કરી દીધા હતા. છેક ઉપરના ૨૧મા અને બાવીસમા માળે રહેતા રહેવાસીઓ આગ લાગ્યા બાદ ટેરેસ પર ચાલ્યા ગયા હતા, જ્યારે ૧૫મા માળે કેટલાક રહેવાસીઓ ફસાઈ ગયા હતા. ફાયર-બ્રિગેડના જવાનો તેમને સ્ટેરકેસ પરથી સુખરૂપ ટેરેસ પર લઈ ગયા હતા અને ઉગારી લીધા હતા.
આ આગમાં ઘરનું ફર્નિચર, વાયરિંગ, જિમમાં દોડવા માટે વપરાતી ટ્રેડમિલ, સ્પ્લિટ એસી, કપડાં, ગાદલાં વગેરે બધું બળીને ખાખ થઈ ગયું હતું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
સદભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈના જખમી થવાના પણ અહેવાલ નથી. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું. તપાસ બાદ એ વિશે જાણી શકાશે એમ ફાયર-બ્રિગેડ દ્વારા જણાવાયું હતું.


