કંપનીનું LPG ટૅન્કર ફાટે તો ભારે ખાનાખરાબી થાય એથી સાવચેતી માટે ૧૫-૨૦ કિલોમીટર સુધીનાં ગામડાં ખાલી કરાવ્યાં : કંપનીમાં પાણી ઓછું હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે
જિન્દલ પૉલિફિલ્મ્સમાં લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોવા મળતા હતા.
મુંબઈ–નાશિક રોડ પર આવેલી જિન્દલ પૉલિફિલ્મ્સમાં મંગળવાર મધરાત બાદ ફાટી નીકળેલી આગ ગઈ કાલે બીજા દિવસે પણ આખો દિવસ ભભૂકતી રહી હતી. નાશિક, થાણે, મુંબઈ અને માલેગાવ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાંથી ૩૦-૪૦ ફાયર-એન્જિન આગ ઓલવવાના સખત પ્રયાસ કરી રહ્યાં હતાં, પણ કંપનીમાં જ્વલનશીલ મટીરિયલનો મોટા પ્રમાણમાં સ્ટૉક હોવાથી સતત પાણી અને ફોમનો મારો ચલાવ્યા બાદ પણ આગ પર કાબૂ મેળવવાનું મુશ્કેલ બની રહ્યું હતું. એમાં સૌથી વધુ જોખમી બાબત એ છે કે કંપનીની લિક્વિડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની મોટી ટૅન્કને સુરક્ષિત રાખવી પડશે. જો એમાં બ્લાસ્ટ થશે તો એની અસર પંદરથી ૨૦ કિલોમીટરના વિસ્તારમાં થઈ શકે એમ હોવાથી આગને એનાથી દૂર રાખવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે.
બીજી બાજુ જિલ્લા પ્રશાસને સાવચેતી રાખીને આસપાસનાં ગામડાં ખાલી કરાવડાવ્યાં હતાં અને લોકોને સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતું. એક અન્ય બાબત એ જાણવા મળી હતી કે કંપનીમાં આગ ઓલવવા માટે પૂરતા પ્રમાણમાં પાણી ન હોવાથી અન્ય કંપનીઓમાંથી પાણી લાવીને આગ બુઝાવાના પ્રયાસ થઈ રહ્યા હતા.


