સીએમે જૂસ પીવડાવીને પારણાં કરાવ્યા બાદ આમરણ અનશન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે આવું કહ્યું

મનોજ જરાંગે
જાલના જિલ્લાના અંતરવાલી તાલુકાના સરાટી ગામમાં છેલ્લા ૧૭ દિવસથી મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી સાથે આમરણ ઉપવાસ કરી રહેલા મનોજ જરાંગે પાટીલે રાજ્ય સરકારે કોઈ પણ ભોગે આરક્ષણ આપવાની તૈયારી દાખવ્યા બાદ ગઈ કાલે સવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હાથે જૂસ પીને અનશન તોડ્યું હતું. આ સમયે મનોજ જરાંગે કહ્યું કે ‘અમારા સમાજને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી હું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો પીછો નહીં છોડું. સરકારે એક મહિનાનો સમય માગ્યો છે, એમાં હું વધુ ૧૦ દિવસ આપું છું, પણ આરક્ષણ મેળવીને જ જંપીશ.’
રાજ્યના મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી સાથે જાલનામાં મનોજ જરાંગે પાટીલ આમરણ ઉપવાસ પર ઊતર્યા બાદ તાજેતરમાં રાજ્ય સરકારે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મનોજ જરાંગે અનશન પાછું ખેંચે એવો કરવામાં આવેલો ઠરાવ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો હતો. આથી લાગતું હતું કે એકાદ દિવસમાં અનશન આટોપાઈ જશે. જોકે મનોજ જરાંગે સરકાર સામે શરત મૂકતાં મામલો અટવાઈ ગયો હતો.
ત્યાર બાદ રાજ્ય સરકારે જે-જે માગણીઓ સ્વીકારી હતી એના ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરીને મનોજ જરાંગેને આપ્યા હતા.
પારણાં બાદ મનોજ જરાંગે કહ્યું કે ‘રાજ્યના ઇતિહાસમાં પહેલી ઘટના છે, જેમાં મુખ્ય પ્રધાને પારણાં કરાવ્યાં હોય. અનશન શરૂ કર્યાના પહેલા દિવસથી જ મને વિશ્વાસ હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મરાઠા સમાજને ન્યાય અપાવશે. સરકારે આરક્ષણ આપવાનું આશ્વાસન આપ્યું છે એટલે અત્યારે મેં પારણાં કર્યાં છે.’
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે ‘અમારી સરકાર પર વિશ્વાસ રાખીને મનોજ જરાંગે અનશન પાછું ખેંચ્યાનો મને આનંદ છે. મનોજ જરાંગેના ૧૭ દિવસના અનશન દરમ્યાન આ સ્થળે ૧૭ લાખ લોકોએ મુલાકાત લીધી છે એના પરથી જણાઈ આવે છે કે મનોજ જરાંગે સમાજ માટે કેટલા પ્રામાણિક અને આરક્ષણ મેળવવા માટે કટિબદ્ધ છે. દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની અગાઉની સરકારે હાઈ કોર્ટમાં મંજૂર કરાવેલું ૧૩ ટકા મરાઠા આરક્ષણ સુપ્રીમ કોર્ટમાં પણ ટકે એ માટે અમે ફરી લડત ચલાવીશું. આ બાબતે એક સમિતિ બનાવવામાં આવી છે, જેની એક બેઠક થઈ ચૂકી છે અને આવતી કાલે બીજી બેઠક છે. આ સમિતિમાં મનોજ જરાંગે કે તેના પ્રતિનિધિએ સામેલ થવું જોઈશે, જેથી તેમને મરાઠા આરક્ષણ બાબતે શું ચાલી રહ્યું છે એની જાણ થઈ શકે.’