દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને ચંદ્રશેખર બાવનકુળેને કારણે મરાઠાઓને કુણબી સમાજનું સર્ટિફિકેટ નથી મળતું એમ કહીને મનોજ જરાંગેએ સાધ્યું BJP પર નિશાન
મનોજ જરાંગે
મરાઠા સમાજના લોકોને કુણબી જાતિનું સર્ટિફિકેટ આપવાની અનેક અરજીઓ રદ કરવામાં આવી છે એ બાબતે મરાઠા સમાજના ચળવળકાર મનોજ જરાંગેએ ગઈ કાલે પંઢરપુરમાં એક સભાને સંબોધતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ચંદ્રશેખર બાવનકુળેને જવાબદાર ઠેરવ્યા હતા.
પશ્ચિમ મહારાષ્ટ્રના પ્રવાસે નીકળેલા મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘ચંદ્રશેખર બાવનકુળેની એક ભૂલને કારણે આખો મરાઠા સમાજ નારાજ છે. કુણબી સર્ટિફિકેટને તે બોગસ કહે છે. આ પ્રધાન જ બોગસ છે. મરાઠાઓમાં એટલા માટે નારાજગી ફેલાયેલી છે. મરાઠા સમાજના અન્નમાં ધૂળ ભેળવનારા કોઈને પણ આ સમાજ માફ નહીં કરે. સરકાર મારો જીવ લેવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ જો હું આમરણ ઉપવાસ કરીને જીવ આપી શકું છું તો જીવ લઈ પણ શકું છું. હું સરકારને છોડીશ નહીં.’
હમણાં જ તો પ્રશંસા કરી, ૨૪ કલાકમાં શું થઈ ગયું? : પ્રતાપ સરનાઈકનો પ્રશ્ન
મનોજ જરાંગેએ એકનાથ શિંદે સહિતના પ્રધાનોની ટીકા કરી એ બાબતે પ્રતિક્રિયા આપતાં મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ‘હજી શનિવારે જ મનોજ જરાંગે સાથે વાતચીત થઈ હતી અને ત્યારે તેમણે એકનાથ શિંદેની કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી. જોકે હવે ૨૪ કલાકમાં શું બદલાઈ ગયું એનો ખ્યાલ નથી આવતો.’
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસ હવે પહેલાં જેવા નથી રહ્યા : મનોજ જરાંગે
મુખ્ય પ્રધાનની ટીકા કરતાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસ હવે પહેલાં જેવા નથી રહ્યા. છેલ્લા એક વર્ષથી મેં તેમની વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. તેઓ અધર બૅકવર્ડ ક્લાસ (OBC)નું લોહી હોવાનો દાવો કરે છે જેનો અર્થ એ થાય છે કે તેઓ OBC મુખ્ય પ્રધાન છે છતાં મરાઠા સમુદાય પર અન્યાય કેમ કરે છે? ચંદ્રશેખર બાવનકુળેને કારણે દેવેન્દ્ર ફડણવીસ પણ મુશ્કેલીમાં મુકાય છે તો એવા લોકોને કેમ સંભાળીને રાખવા જોઈએ.’
