ઘાટકોપરમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના મશીનમાં આવી નોટો જમા કરાવનારને બૅન્કે ઓળખી કાઢ્યો, પોલીસે ફરિયાદ નોંધી
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટની ભાવેશ્વર લેનમાં આવેલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ના કૅશ ડિપોઝિટરી મશીનમાં ૫૦૦ રૂપિયાની સાત ખોટી નોટો જમા કરાવી જનાર સાયનના એક ગુજરાતી સામે પંતનગર પોલીસે શુક્રવારે ફરિયાદ નોંધી હતી. બૅન્કના કૅશ ડિપોઝિટરી મશીનમાં ખોટી નોટ મળી આવતાં બૅન્ક દ્વારા આંતરિક તપાસ કરવામાં આવી હતી અને મશીન નજીક લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા તપાસવામાં આવ્યા હતા. એમાં તે વ્યક્તિએ પોતાના જ ખાતામાં ખોટી નોટો જમા કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.
બૅન્કના કૅશ ડિપોઝિટરી મશીનમાં લાગેલા સેન્સરમાં પણ ખોટી નોટો પકડાઈ નહોતી, પણ બૅન્ક દ્વારા એકસાથે બહાર કાઢવામાં આવેલા પૈસાની ગણતરી કરતી વખતે ખોટી નોટો પકડાઈ જવાથી વિગતવાર તપાસ કરવામાં આવી હતી એમ જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘SBIના ચીફ અસોસિએટ મારિયા ડિસિલ્વાની ફરિયાદ પર અમે એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. ૩ ડિસેમ્બરે ભાવેશ્વર લેનમાં આવેલા SBIના કૅશ ડિપોઝિટરી મશીનમાંથી આશરે ૬૫ લાખ રૂપિયાની રોકડ કાઢવામાં આવી હતી. એની ગણતરી કરતી વખતે સાત નોટ ખોટી હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ બૅન્કના મૅનેજરને જાણ કરીને આંતરિક તપાસ કરવામાં આવતાં કૅશ ડિપોઝિટરી મશીનનો સર્વર રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. એમાં સાયનમાં રહેતા એક જણે આ પૈસા બૅન્કના ખાતામાં ભર્યા હોવાની માહિતી મળી હતી. અંતે બૅન્ક દ્વારા આ ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં હાલમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. આ નોટો અશોક પાસે કેવી રીતે આવી એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’


