સોશ્યલ મીડિયા પર સમાચાર વાઇરલ થતાં આરોપીનું એન્કાઉન્ટર કરવાની માગણી ઊઠી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણેના નૌપાડામાં આવેલા વીર બાજીપ્રભુ દેશપાંડે રોડ પરની એક કન્સ્ટ્રક્શન-સાઇટ પર સોમવારે સાંજે ૭ વર્ષની બાળકીના શારીરિક શોષણના આરોપસર નૌપાડા પોલીસે ૪૫ વર્ષના રામલડ્ડુ યાદવની ધરપકડ કરી છે. બાળકી કન્સ્ટ્રક્શન-સાઇટ પર કામ કરતા એક મજૂરની દીકરી છે. સોમવારે રાતે ૮ વાગ્યે આરોપીએ બાળકીને બિલ્ડિંગના ત્રીજા માળે લઈ જઈ અંધારામાં તેનું શારીરિક શોષણ કર્યું હતું. લગભગ એક કલાક બાદ જ્યારે બાળકી તેની મમ્મી પાસે આવી ત્યારે તેને થતા દુખાવા વિશે જણાવ્યું હતું. ગઈ કાલે આ ઘટના થાણે અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની હતી અને સોશ્યલ મીડિયા પર સમાચાર વાઇરલ થતાં આરોપીનું એન્કાઉન્ટર કરવાની માગણી ઊઠી છે.
શું બન્યું હતું?
ADVERTISEMENT
નૌપાડાના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૭ વર્ષની બાળકી તેનાં મમ્મી-પપ્પા સાથે કન્સ્ટ્રક્શન-સાઇટ પર રહે છે. આરોપી રામલડ્ડુ પણ ત્યાં જ રહેતો હોવાથી બાળકી તેને ઓળખતી હતી અને અવારનવાર તેની સાથે વાતો પણ કરતી હતી. સોમવારે રાતે ૮ વાગ્યે જ્યારે કન્સ્ટ્રક્શન-સાઇટ પર કામ પૂરું થયા બાદ મજૂરો પોતાની રૂમમાં જમવાની તૈયારી કરતા હતા ત્યારે આરોપી બાળકીને બિલ્ડિંગના ત્રીજા માળે લઈ ગયો હતો અને ત્યાં તેણે તેનું શારીરિક શોષણ કર્યું હતું. એ ઉપરાંત કોઈને કશું ન કહેવાની ધમકી પણ આપી હતી. લગભગ એક કલાક બાદ જ્યારે બાળકીએ તેની મમ્મી પાસે પહોંચીને તેને થતા દુખાવાની વાત કરી. એ પછી મમ્મીએ પૂછપરછ કરતાં શરૂઆતમાં તો તેણે કશું કહ્યું નહીં પણ સખતાઈથી પૂછતાં તેણે આખી ઘટના મમ્મીને જણાવી દીધી હતી. એ પછી બાળકીના પપ્પા આરોપીને પૂછવા ગયા હતા પણ એ પહેલાં જ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. બાળકીને થતા દુખાવાને કારણે તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે સોમવારે મોડી રાતે થાણેથી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.’
