રાત્રે ઉંદરો ફ્રૂટ્સ ખરાબ ન કરે એટલે એના પર રૅટોલ લગાડતા મલાડના ફળવિક્રેતાઓ પકડાયા : કેટલાક જાગૃત નાગરિકોએ પોતાની નજરો સામે આ જોખમી પ્રવૃત્તિ જોઈને રંગેહાથ પકડ્યા અને એનો વિડિયો વાઇરલ કર્યો
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો વિડિયો, જેમાં એક ફળવિક્રેતા અને તેણે ફ્રૂટ પર ઉંદર મારવાની દવા લગાડેલી દેખાય છે.
મલાડમાં ફળવિક્રેતા ફળોમાં ઉંદર મારવાની દવા લગાડતા હોવાનો ચોંકાવનારો વિડિયો સોશ્યલ મીડિયા પર ગઈ કાલે વાઇરલ થયો હતો જેના આધારે મલાડ પોલીસે મનોજ કેસરવાની અને બિપિન કેસરવાની નામના બે ફળવિક્રેતાઓની ધરપકડ કરી હતી. બન્ને આરોપી સ્થાનિક બજારમાં ફળ વેચવાનો વર્ષોથી વ્યવસાય કરે છે. એક સ્થાનિક રહેવાસીએ આરોપી ફળો પર ઝેરી દવા રૅટોલ લગાવતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું કે રાત્રે ઉંદરોથી થતા નુકસાનથી બચવા માટે તેઓ સફરજન અને દાડમ જેવાં ફળો પર રૅટોલ લગાવતા હતા. રૅટોલમાં રહેલું યલો ફૉસ્ફરસ માનવશરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
પોલીસ-પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ રાતના સમયે ઉંદરોથી ફળોને થતું નુકસાન અટકાવવા માટે ઉંદર મારવાની દવા રૅટોલ ફળોની સપાટી પર લગાવતા હતા. મંગળવારે રાતે કેટલાક જાગૃત નાગરિકોએ આરોપીને ફળો પર પીળાશ પડતી ક્રીમ જેવી વસ્તુ લગાવતાં રંગેહાથ પકડી લીધા હતા. શરૂઆતમાં આરોપીઓએ ટાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કડક પૂછપરછ બાદ કબૂલાત કરી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ખુલ્લા બજારમાં વેચાતાં ફળોની સલામતી વિશે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.
ADVERTISEMENT
જાણકારોના જણાવ્યા મુજબ રૅટોલમાં યલો ફૉસ્ફરસ જેવાં અત્યંત ઝેરી રસાયણો હોય છે જે માનવશરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઝેર શરીરમાં પ્રવેશતાં જ રક્તપ્રવાહમાં ભળીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. વિશેષ ચિંતાનો વિષય એ છે કે આવા ઝેરી પદાર્થ ફળોની છાલમાં શોષાઈ જાય તો માત્ર પાણીથી ધોવાથી એનો પ્રભાવ સંપૂર્ણપણે દૂર થતો નથી. નાનાં બાળકો ઘણી વાર ફળોને સારી રીતે ધોયા વગર કે છાલ ઉતાર્યા વગર ખાઈ લેતાં હોય છે, જેથી જોખમ વધી જાય છે. આરોગ્યનિષ્ણાતોએ લોકોને ફળોને મીઠાવાળા હળવા ગરમ પાણીમાં ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી પલાળી રાખવાની અને શક્ય હોય તો છાલ ઉતારીને જ ખાવાની સલાહ આપી છે.
