Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

BMC બજેટ: જાણી લો A to Z

Published : 26 February, 2026 07:16 AM | Modified : 26 February, 2026 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઐતિહાસિક અંદાજપત્રમાં પહેલી વાર ૮૦,૯૫૨.૫૬ કરોડ રૂપિયાની જોગવાઈ : પાણી પુરવઠા વિભાગને બજેટનો સૌથી મોટો ૧૬ ટકા હિસ્સો, કોસ્ટલ રોડ અને આરોગ્યને ધ્યાનમાં રખાયાં

ગઈ કાલે BMCના હેડક્વૉર્ટર ખાતે નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ માટેનું બજેટ મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેને રજૂ કર્યું હતું.

ગઈ કાલે BMCના હેડક્વૉર્ટર ખાતે નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ માટેનું બજેટ મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેને રજૂ કર્યું હતું.


નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ માટેનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું બજેટ મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ ગઈ કાલે સત્તાવાર રીતે સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેને રજૂ કર્યું હતું. BMCનું બજેટ પહેલી વાર ૮૦,૯૫૨.૫૬ કરોડ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. ગયા વર્ષના ૭૪,૪૨૭.૪૧ કરોડ રૂપિયાના બજેટની તુલનામાં આ વર્ષનું બજેટ ૬૫૨૫ કરોડ રૂપિયા વધારે છે. ૨૦૨૬ની ૩૧ જાન્યુઆરી સુધીમાં વિવિધ વિભાગોનાં કુલ બાકી લેણાં, જેમાં ગ્રાન્ટ-ઇન-એઇડ અને પ્રૉપર્ટી ટૅક્સનો સમાવેશ થાય છે, એ વધીને ૧૦,૯૪૮.૫૮ કરોડ થઈ ગયા છે. ૨૦૨૬-’૨૭ માટે બજેટના ૬૦ ટકા ૪૮,૧૬૪.૨૮ કરોડના મૂડીખર્ચનો પ્રસ્તાવ મૂક્યો છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને લાંબા ગાળાના શહેરી પ્રોજેક્ટ્સ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે. જ્યારે બાકીના ૪૦ ટકા ૩૨,૭૮૮.૨૮ કરોડ રૂપિયા મહેસૂલ ખર્ચ માટે અલગ રાખવામાં આવ્યા છે જેમાં વિવિધ સિટિઝન સર્વિસ માટે પગાર, મેઇન્ટેનન્સ અને સંચાલન ખર્ચનો સમાવેશ થાય છે.

આ વર્ષે બજેટમાં ૨૦૨૫-’૨૬ની સરખામણીમાં ૮.૭૭ ટકાનો વધારો થયો છે. આ વખતે બજેટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કુલ ૮૧,૪૪૯.૩૨ કરોડ રૂપિયાની થાપણ બાકી છે. આમાંથી કૉર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ્સ માટે ૩૬,૬૨૩. ૦૯ કરોડનો ઉપયોગ કરવામાં આવશે અને ૪૪,૮૨૬. ૨૩ કરોડ અનામત રાખવામાં આવ્યા છે.



કયા કામ માટે કેટલું બજેટ?


મુંબઈમાં કુલ ૧૦૧ પુલનાં કામ હાથ ધરવામાં આવ્યાં છે. એમાંથી ૨૪ કામ પૂર્ણ થયાં છે અને ૨૩ કામ ૨૦૨૬ના માર્ચ સુધીમાં પૂર્ણ થશે. ૩૧ કામ ૨૦૨૬-’૨૭માં પૂર્ણ થશે. ૨૦૨૮-’૨૯માં ૨૩ પુલનું કામ પૂર્ણ થવાની શક્યતા છે. નવા પુલના નિર્માણ માટે બ્રિજ ડિપાર્ટમેન્ટમાં કુલ ૯૬૫૦ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આમાં કોસ્ટલ રોડનો છઠ્ઠા તબક્કાના કામનો પણ સમાવેશ થાય છે.

વર્સોવા-દહિસરના કોસ્ટલ રોડ માટે કુલ ૪૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.


ગોરેગામ- મુલુંડ લિન્ક રોડ માટે ૨૬૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં
આવી છે.

મુંબઈની વિવિધ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની વિવિધ હૉસ્પિટલો માટે ૧૦૬૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમાં સાયન હૉસ્પિટલ, રાજાવાડી હૉસ્પિટલ, નાયર હૉસ્પિટલ, બાંદરા કૅન્સર હૉસ્પિટલ અને અન્ય હૉસ્પિટલોનો સમાવેશ
થાય છે.

મીઠી નદી પ્રોજેક્ટ માટે ૨૮૬.૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે

BMC સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ શરૂ કરશે. ઑન-સ્ટ્રીટ અને ઑફ-સ્ટ્રીટ પાર્કિંગ લૉટનું બાંધકામ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે કરવામાં આવશે. આ માટે મ્યુનિસિપલ બજેટમાં ૬૮૭૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

કોસ્ટલ રોડની બાજુમાં ગ્રીન બેલ્ટ બનાવશે અને લગભગ ૫૩ હેક્ટર વિસ્તારમાં પાર્ક અને બગીચાઓના વિકાસ માટે ૯૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા એન્ટરટેઇનમેન્ટ ટૅક્સમાં મુક્તિ ફક્ત ૩૦ સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. ત્યાર બાદ એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ વસૂલવાનું શરૂ થશે. મ્યુનિસિપલ કૉર્પોરેશને આ માટે મહારાષ્ટ્ર સરકારને દરખાસ્ત મોકલી છે.

મુંબઈમાં ફેરિયાઓ માટે ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ આધારિત સર્ટિફિકેટ્સ ફરજિયાત કરવામાં આવશે. QR કોડ બેઝ્ડ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. જોકે ગેરકાયદે બંગલાદેશી ફેરિયાઓ સામે ઝુંબેશ શરૂ થયા પછી જ અધિકૃત ફેરિયાઓને ઓળખવા માટે QR કોડ આધારિત પ્રમાણપત્રો આપવામાં આવશે. ગેરકાયદે ફેરિયાઓ સામે ઝુંબેશ વધુ તીવ્ર બનશે.

BMC આરોગ્ય વિભાગ માટે ૭૪૫૬ કરોડ રૂપિયાની જોગવાઈ

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) માટે ૧ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ

૪૦ બાય ૪૦થી મોટાં બિલબોર્ડ પર પ્રતિબંધ, ફુટપાથ અને ટેરેસ પર જાહેરાતો પર પણ પ્રતિબંધ

મુંબઈ ફાયરબ્રિગેડ માટે ૨૩૦.૯૦ કરોડ ફાળવ્યા જે ૨૦૨૫-’૨૬માં ૧૧૧.૬૮ કરોડના સુધારેલા અંદાજ કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગ માટે કુલ ૯૧.૭૭ કરોડ ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે. યોજનાના ભાગરૂપે શહેરમાં ૫૦૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) પર વિડિયો ઍનૅલિટિક્સ સૉફ્ટવેર મૂકવાનો અને નવા ૬૫૦ CCTV કૅમેરા મૂકવામાં આવશે.

શહેરના ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ને સુધારવા માટે ૧૫૯.૮૨ કરોડ ફાળવ્યા છે.

સામાજિક પહેલોમાં જાહેર યોગદાનને સરળ બનાવવા માટે ‘પાર્ટિસિપેટ મુંબઈ’ નામનું ડિજિટલ પ્લૅટફૉર્મ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

મુંબઈના ચાર મુખ્ય એન્ટ્રી પૉઇન્ટ્સ પર ‘ગ્રૅન્ડ એન્ટ્રન્સ અને ક્લૉક ટાવર’ના વિકાસનો પ્રસ્તાવ

ભાયખલા ઝૂ માટેનું બજેટ વધારીને ૧૩૬.૭૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે

BMCની વૉટર ફૉર ઑલ નીતિ હેઠળ ૨૪,૫૦૦થી વધુ નવાં જોડાણો

BMCની આવકનો નોંધપાત્ર હિસ્સો ક્યાંથી આવશે?

ઑક્ટ્રૉય

૧૫,૫૫૦.૦૨ કરોડ

ડેવલપમેન્ટ પ્લાનિંગ (DP) ફી અને પ્રીમિયમ

૧૨,૦૫૦.૦૦ કરોડ

પ્રૉપર્ટી ટૅક્સ

૭૦૦૦ કરોડ

રોકાણ પર વ્યાજ

૨,૫૭૨.૨૩ કરોડ

જાન્યુઆરી ૨૦૨૬ સુધી BMCને વિવિધ સ્રોતમાંથી કેટલી આવક થઈ?

ઑક્ટ્રૉય

૧૧,૯૮૧.૮૪ કરોડ

DP પ્રીમિયમ

૮૧૩૮.૨૬ કરોડ

 પ્રૉપર્ટી ટૅક્સ

૪૮૧૨.૩૪ કરોડ

રોકાણ પર વ્યાજ

૨૧૦૦.૫૬ કરોડ

ફાયરબ્રિગેડના ચાર્જથી

૫૮૭.૧૨ કરોડ મળ્યા

પાણી અને ગટરના ચાર્જથી

૧૩૩૩.૫૮ કરોડ મળ્યા

 

મુખ્ય વિકાસ કાર્યો માટે નાણાકીય જોગવાઈ (કરોડ રૂપિયામાં)

ડિપાર્ટમેન્ટ

જોગવાઈ

રૂપિયામાં હિસ્સો

પાણી પુરવઠો

૭૮૦૫

૧૬

રસ્તા

૬૮૭૫

૧૪

કોસ્ટલ રોડ (વર્સોવા- દહિસર, દહિસરથી ભાઈંદર)

૫૬૫૦

૧૨

ડ્રેનેજ

૫૬૯૦

૧૨

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ

૨૬૫૦

બ્રિજ

૨૩૦૦

આરોગ્ય

૨૨૧૯

પીવાના પાણીની પાઇપલાઇન

૧૮૦૦

 

શિક્ષણ બજેટ ૪૨૪૮.૦૮ કરોડ

 

લાઇબ્રેરી અને ડિજિટલ ક્લાસરૂમને પ્રોત્સાહન, AIનો ઉલ્લેખ નહીં

 

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બુધવારે નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ માટે તેનું ૪૨૪૮.૦૮ કરોડનું શિક્ષણ બજેટ રજૂ કરવામાં આવ્યું. જે ૨૦૨૫-’૨૬માં ફાળવવામાં આવેલા ૩૬૭૪ કરોડથી નોંધપાત્ર વધારો દર્શાવે છે. ૨૦૨૬-’૨૭ માટે મહેસૂલ ખર્ચ ૩૭૫૮.૦૮ કરોડ હોવાનો અંદાજ છે અને મૂડી ખર્ચ ૪૯૦ કરોડ અંદાજવામાં આવ્યો છે.

BMCના ઈસ્ટર્ન સબર્બના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. અવિનાશ ઢાકણેએ શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેશ્રી શિરવડકર સમક્ષ ગઈ કાલે શિક્ષણ વિભાગનું બજેટ રજૂ કર્યું હતું. ૨૦૨૫-’૨૬માં નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) 2020 હેઠળ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મિશન SAMPURNના અમલીકરણ પર આધાર રાખીને BMCએ આગામી શૈક્ષણિક વર્ષમાં મિશન SAFALના અમલીકરણની જાહેરાત કરી. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે કો-કરિક્યુલર ઍક્ટિવિટીને પ્રોત્સાહન આપશે.

કયા કામ માટે કેટલી જોગવાઈ?

ટીચર્સ ટ્રેઇનિંગ : ૨.૪૦ કરોડ

લાઇબ્રેરી અપગ્રેડેશન : ૫ કરોડ

મૅરિટોરિયસ સ્ટુડન્ટ અસિસ્ટન્સ : ૧૯ લાખ રૂપિયા, જેમાં CBSE, ICSE, IB અને કૅમ્બ્રિજ જેવા બોર્ડ સાથે જોડાયેલી BMC સ્કૂલના દસમા ધોરણમાં ૯૦ ટકાથી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને ૨૫,૦૦૦ રૂપિયા અથવા ટ્યુશન-ફી (જે વધારે હોય તે)ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

હાર્મોનિયમ, તબલા, કીબોર્ડ અને સાઉન્ડ સિસ્ટમ જેવા સંગીતનાં સાધનો ખરીદવા માટે (૧.૩૫ કરોડ રૂપિયાની જોગવાઈ).

રોડ-સેફ્ટી પૅટ્રોલ (RSP) કાર્યક્રમો અને ધોરણ ૬-૧૦ માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટ્રેઇનિંગ માટે ૧૭ લાખ ફાળવવામાં આવશે.

ઍસ્ટ્રોનૉમી લૅબ માટે ૩ કરોડ.

નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ૧૯,૩૧૭ ટૅબ્લેટનું વિતરણ.

ડિજિટલ ક્લાસરૂમ માટે ૨૪.૨૬ કરોડની ફાળવણી.

BMC એ સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૩૪૦ કરોડ ફાળવ્યા છે.

સ્કૂલમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) ઇન્સ્ટૉલેશન માટે ૪૨ કરોડની જોગવાઈ

મફત એજ્યુકેશન કિટ માટે ૧૫૦.૫૭ કરોડ.

મફત બેસ્ટ બસ સેવા માટે ૮.૭૦ કરોડ.

પગાર માટે ૪૫૦ કરોડ અને પેન્શન માટે ૨૪૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

કેટલી ગ્રાન્ટ મળવાની આશા છે?

રાજ્ય સરકાર તરફથી BMCને પ્રાથમિક શિક્ષણ માટે ૫૦ ટકા ગ્રાન્ટ તરીકે ૬૪૩.૮૦ કરોડ અને સેકન્ડરી માટે ૨૪૬.૦૮ કરોડની અપેક્ષા છે. આ ઉપરાંત BMCને રાજ્ય સરકાર તરફથી પ્રાથમિક શિક્ષણ ખર્ચ માટે કુલ ૭,૨૪૧.૩૮ કરોડ રૂપિયા અને સેકન્ડરી માટે ૫,૬૫૫.૩૦ કરોડ રૂપિયા હજી સુધી મળ્યા નથી, જેના માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ફૉલોઅપ શરૂ કર્યું છે.

 

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK