બાળકોનાં સપનાંઓને રંગોથી ભરી દેતાં મલાડનાં ડ્રૉઇંગ-ટીચર છાયા પંચાલને તાજેતરમાં નૅશનલ કલા દર્પણ આર્ટ ઍકૅડેમી દ્વારા ધ ગ્રેટ રાજા રવિ વર્મા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું હતું, બાળકો સાથે ક્લાસમાં
બાળકોનાં સપનાંઓને રંગોથી ભરી દેતાં મલાડનાં ડ્રૉઇંગ-ટીચર છાયા પંચાલને તાજેતરમાં નૅશનલ કલા દર્પણ આર્ટ ઍકૅડેમી દ્વારા ધ ગ્રેટ રાજા રવિ વર્મા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૨૦થી વધુ અવૉર્ડ જીતનાર આ આર્ટ-ટીચર કલાના ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા વિદ્યાર્થીઓનાં પથદર્શક અને પ્રેરણાસ્રોત છે...
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અવૉર્ડની સેન્ચુરી ફટકારી ચૂકેલાં મલાડનાં ૫૧ વર્ષનાં ડ્રૉઇંગનાં શિક્ષક છાયા પંચાલને તાજેતરમાં પુણે સ્થિત કલા દર્પણ ઍકૅડેમી દ્વારા રાજા રવિ વર્મા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ પહેલાં તેઓ નૅશનલ આર્ટ ઑલિમ્પિયાડ અવૉર્ડ જીત્યાં છે. તેમણે પોતાની કળાને ભારતમાં જ નહીં પરંતુ વિદેશની ધરતી પર પણ પ્રસ્તુત કરી છે. દુબઈ આર્ટ ફેસ્ટિવલમાં અને કૅનેડાના ઓટાવામાં યોજાયેલા વર્લ્ડ મલ્ટી-કલ્ચરલ શોમાં તેમણે હાજરી આપી હતી. એક જ દિવસમાં ૧૦૦ ચિત્રો દોરવાનો અનોખો રેકૉર્ડ પણ તેમના નામે બોલાય છે જે તેમની સતત મહેનત અને કળા પ્રત્યેના પ્રેમનો પુરાવો છે.
પુરસ્કારની ભરમાર
અંદાજે ૩૫ વર્ષથી ડ્રૉઇંગનાં ટીચર તરીકે કાર્યરત છાયાબહેને વિવિધ મંચ પર પોતાની કળા રજૂ કરીને આગવી છાપ ઊભી કરી છે. તાજેતરમાં મળેલા સન્માન વિશે તેઓ કહે છે, ‘મને મળેલો પુરસ્કાર કેરલમ સરકાર દ્વારા આપવામાં આવતા રાજા રવિ વર્મા પુરસ્કારમ્ કરતાં અલગ છે. પુણેમાં આપવામાં આવતો આ અવૉર્ડ રાષ્ટ્રીય સ્તરની કલા સ્પર્ધા કલા દર્પણ સાથે સંકળાયેલો છે જેમાં વિદ્યાર્થીઓ અને કલાકારોને ‘ધ ગ્રેટ રાજા રવિ વર્મા અવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવે છે. કલાકારોની કૃતિઓનું પ્રદર્શન પણ હોય છે. ૨૫ માર્ચે પુણેમાં આયોજિત કાર્યક્રમમાં શ્રેષ્ઠ ડ્રૉઇંગ–ટીચરના શિક્ષકની શ્રેણીમાં મારી પસંદગી થઈ હતી. પ્રદર્શનમાં મારા વિદ્યાર્થીઓનાં ચિત્રો મુકાયાં હતાં. ૧ માર્ચે ઑલિમ્પિયાડ કમિટી દ્વારા ઊટીમાં આયોજિત કાર્યક્રમમાં મોસ્ટ ઍક્ટિવ પ્રિન્સિપાલ અવૉર્ડ એનાયત થયો હતો. જોકે અંગત કારણસર હું રૂબરૂ હાજરી નહોતી આપી શકી.’
છાયાબહેનને સૌથી પહેલો પુરસ્કાર ૨૦ વર્ષ પહેલાં મળ્યો હતો. કલા પ્રતિષ્ઠાન તરફથી રાજ્ય કક્ષાનાં સૌથી સક્રિય ડ્રૉઇંગ-ટીચર તરીકે તેમને ઇનામ મળ્યું હતું. અત્યાર સુધીમાં તેમને ૧૨૦ અવૉર્ડ મળ્યા છે. ૨૦૨૦માં તેમણે એક અનોખો રેકૉર્ડ બનાવ્યો હતો. એક જ દિવસમાં તેમણે ૧૦૦ ચિત્રો દોરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમની આ સિદ્ધિની ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા નોંધ લેવાઈ હતી.
બાળકો જ દુનિયા
છાયાબહેન સેલ્ફ-લર્નર આર્ટિસ્ટ છે. શાળાજીવનથી ચિત્રકળામાં રુચિ હતી. નકામી વસ્તુમાંથી ક્રીએટિવ આઇટમ બનાવે છે. ડ્રૉઇંગ ક્લાસ કર્યા વગર એલિમેન્ટરી પરીક્ષાઓ આપી. દસમા ધોરણમાં હતાં ત્યારે ચોથા-પાંચમા ધોરણનાં બાળકોને ડ્રૉઇંગ શીખવતાં. અંધેરીની MVLU કૉલેજમાંથી સોશ્યોલૉજીમાં MAનો અભ્યાસ કર્યો. બાળકો સાથે તેમને મજા આવતી એથી અભ્યાસ દરમ્યાન ડ્રૉઇંગ ક્લાસ ચાલુ રાખ્યા. કારકિર્દી બનાવવાનો સમય આવ્યો ત્યારે ફીલ થયું કે બાળકો મારો શ્વાસ છે એમ જણાવતાં છાયાબહેન કહે છે, ‘માછલી જેમ જળ વગર જીવી નથી શકતી એમ હું બાળકો વિનાની દુનિયા કલ્પી જ નથી શકતી. કોઈ બીજી નોકરી કરવાની જગ્યાએ શરૂઆતમાં ૨૦૦૫માં મલાડ-ઈસ્ટની મહિન્દ્ર ઍકૅડેમી સ્કૂલ અને ૨૦૦૭માં કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં આવેલી સેન્ટ જ્યૉર્જ હાઈ સ્કૂલમાં ડ્રૉઇંગ-ટીચર તરીકે કામ કર્યું. ત્યાર બાદ પોતાના ક્લાસિસ શરૂ કર્યા. દરેક એજ-ગ્રુપ માટે ક્લાસ ખુલ્લા છે પણ મારી પ્રાયોરિટી સ્કૂલનાં બાળકો છે. નર્સરીથી લઈને આઠમા ધોરણમાં બાળકો વધુ આવે છે. દરેક બાળકની અંદર એક કલાકાર છુપાયેલો છે. હેડથી નહીં પણ હાર્ટથી શીખવો તો તેમની ટૅલન્ટ બહાર આવે. બાળકનાં સપનાંઓમાં રંગ પૂરવા એ મારું સ્વપ્ન બની ગયું છે. ફી ન આપી શકે એવા બાળકને ક્રીએટિવ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ દ્વારા પ્લૅટફૉર્મ આપવાનો પ્રયાસ કરું છું. છાયામિસનો ક્લાસ એટલે સ્ટ્રેસ-બસ્ટર... આવું સાંભળવા મળે એ સૌથી મોટો અવૉર્ડ છે. અત્યાર સુધીમાં ૫૦૦૦ જેટલાં બાળકોને ચિત્રો દોરતાં શીખવ્યું છે અને આ સિલસિલો છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહેશે.’
ક્રીએટિવ ઇવેન્ટ્સ
ડ્રૉઇંગ ઉપરાંત છાયાબહેન શાળાના પ્રોજેક્ટ, કૅલિગ્રાફી, રેઝિન આર્ટ, આલ્કોહોલ ઇન્ક ક્લૉક મેકિંગ, ક્લે આર્ટ, ક્રાફ્ટના ક્લાસ પણ લે છે. બર્થ-ડે પાર્ટી અને ફન-ઍક્ટિવિટીઝમાં તેઓ બાળકોને રસપ્રદ આર્ટ પ્રવૃત્તિઓ શીખવે છે. હૅન્ડમેડ રિટર્ન ગિફ્ટ બનાવડાવવાની તેમની અનોખી રીત બાળકોમાં સર્જનાત્મકતા અને સહકારની ભાવના વિકસાવે છે. આર્ટ-પાર્ટી કન્સેપ્ટમાં બાળકો પોતાના નામની નેમપ્લેટ બનાવે, જ્યુટ બૅગ પર ચિત્રો દોરે, ઇન્કને સ્ટ્રૉથી બ્લો કરી ઑબ્સ્ટ્રૅક્ટ ઇમ્પૅક્ટ સાથે ક્લૉક બનાવે અને ઘરે લઈ જાય. ગણેશોત્સવ અને દિવાળીના તહેવારોમાં રેસિડેન્શિયલ સોસાયટીમાં વર્કશૉપનું આયોજન કરે છે. તેઓ વન-વુમન આર્મી છે. આટલીબધી પ્રવૃત્તિઓ છતાં કોઈ સ્ટાફ કે અસિસ્ટન્ટ નથી. દરેક વિદ્યાર્થીની કૃતિ લોકો સુધી પહોંચે એ માટે દર વર્ષે ઍરપોર્ટ પાસે આવેલી કોહિનૂર કૉન્ટિનેન્ટલ હોટેલ ખાતે સંસ્કૃતિ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરે છે. તેઓ સાદગીપ્રિય અને પ્રકૃતિપ્રેમી છે. માઇન્ડ ડીટૉક્સ માટે વર્ષમાં એક વાર વિપશ્યના મેડિટેશન માટે બોરીવલીના પગોડામાં જાય છે. પાલિતાણામાં બુકિંગ મળે તો ત્યાં પણ જઈ આવે. દરરોજ ગ્રેટિટ્યુડ નોટ લખે છે અને બાળકોને જુદી-જુદી કહેવત લખવા પ્રોત્સાહિત કરે. ફુરસદના સમયે કવિતા લખે છે. તેમની સેલ્ફ-કમ્પોઝ્ડ પોએટ્રીને પણ ઇનામ મળ્યાં છે. આર્ટ-ટીચર તરીકેની તેમની સફરમાં મમ્મી અને સાસુનો ખૂબ સહકાર મળ્યો. પતિ સંજયભાઈ ફિઝિયોથેરપિસ્ટ છે અને દીકરો આદિત્ય અભ્યાસ કરે છે.
