ટોરેસ કંપનીનું કૌભાંડ બહાર આવ્યા બાદ સરકાર પૉન્ઝી સ્કીમ દ્વારા સેંકડો નિર્દોષ રોકાણકારોને ફસાવનારી આ કંપનીઓને રોકવા માટે ઍક્શનમાં આવી છે.
યોગેશ કદમ
ટોરેસ કંપનીનું કૌભાંડ બહાર આવ્યા બાદ સરકાર પૉન્ઝી સ્કીમ દ્વારા સેંકડો નિર્દોષ રોકાણકારોને ફસાવનારી આ કંપનીઓને રોકવા માટે ઍક્શનમાં આવી છે. અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે આવી બોગસ કંપનીઓ છેતરપિંડી કરીને ભાગી જાય ત્યાર બાદ કોઈ ફરિયાદ કરે ત્યારે જ પોલીસ ઍક્શનમાં આવે છે, પણ ત્યાં સુધી આરોપીઓએ પૈસા સગેવગે કરી નાખ્યા હોય છે અને તેઓ ભાગી પણ ગયા હોય છે.
હવે એવું ન થાય એ માટે સરકારે હવે આવી કંપનીઓની ગતિવિધિ પર નજર રાખવા માટે એક ઇન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે આની જાહેરાત રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન યોગેશ કદમે વિધાનપરિષદમાં કરી હતી. અત્યાર સુધીમાં આવી પૉન્ઝી કંપનીઓ રોકાણકારોના હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી ગઈ છે. ટોરેસના કેસમાં પણ આ કંપનીના જ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે ગયા વર્ષના જુલાઈમાં પોલીસને કંઈ ગરબડ હોવાની જાણ કરી હતી, પણ ફરિયાદ ન હોવાથી પોલીસે એના પર ધ્યાન નહોતું આપ્યું.
ADVERTISEMENT
ટોરેસ કૌભાંડની માહિતી આપતાં યોગેશ કદમે કહ્યું હતું કે ‘આ કેસમાં અત્યાર સુધીમાં ૭ જણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને ૧૬,૭૮૬ રોકાણકારોએ અઢી હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસે ૪૯ કરોડની માલમતા હસ્તગત કરી છે જે કોર્ટના નિર્દેશ અનુસાર રોકાણકારોને આપવામાં આવશે.’

