મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ ફરી ચગ્યો- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૈયાજી જોશીના નિવેદનને પગલે રાજકીય ગરમાટો
ભૈયાજી જોશી, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે
ઘાટકોપરની ભાષા ગુજરાતી છે અને મુંબઈ આવનારી દરેક વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જરૂરી નથી એવું બોલનારા RSSના ભૂતપૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જોશી પર વિરોધીઓ તૂટી પડ્યા : રાજ્યનાં બન્ને ગૃહમાં મચી ગયો હોબાળો : રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી માણૂસ આ વાક્ય ક્યારેય નહીં ભૂલે: ઉદ્ધવ ઠાકરેએ અાને RSS- BJPનો છૂપો એજન્ડા ગણાવ્યો
રાજ્યના ટૂરિઝમ અને સ્કિલ ડેવલપમેન્ટ ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ બુધવારે વિદ્યાવિહારમાં રાખેલા એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ કરેલા વિધાનને લીધે જબરદસ્ત વિવાદ ઊભો થયો છે. ગઈ કાલે આ મામલો રાજ્ય વિધાનસભા અને વિધાન પરિષદમાં પણ ગાજ્યો હતો. વિરોધ પક્ષોએ ભૈયાજી જોશીના સ્ટેટમેન્ટને લઈને તીવ્ર પ્રતિક્રિયા પણ આપી હતી. વિધાનસભામાં ઉદ્ધવસેનાએ આ મામલાને લઈને કરેલા હુમલાનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી નિતેશ રાણે અને રામ કદમે આપ્યો હતો.
ADVERTISEMENT
મહારાષ્ટ્રની પહેલી ભાષા મરાઠી જ છે, મહારાષ્ટ્રમાં આવનારાએ મરાઠી શીખવી જ જોઈએ : દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૈયાજી જોશીના સ્ટેટમેન્ટના સંદર્ભમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની પહેલી ભાષા મરાઠી જ છે. મહારાષ્ટ્રમાં આવનારાએ મરાઠી શીખવી જ જોઈએ. મેં ભૈયાજી જોશીનું વક્તવ્ય સાંભળ્યું ન હોવાથી એ સાંભળ્યા બાદ એના પર બોલીશ, પણ અમારી સરકારની ભૂમિકા મુંબઈ, મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર શાસનની ભાષા મરાઠી હોવાની છે. મહારાષ્ટ્રમાં રહેનારી દરેક વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જોઈએ, દરેક વ્યક્તિને મરાઠી બોલતાં આવડવું જોઈએ અને મારી આ ભૂમિકા બાબતે ભૈયાજી જોશીનો અલગ મત હશે એવું પણ મને નથી લાગતું.’
જે લોકો રાજકારણ કરી રહ્યા છે તેમણે એ બંધ કરવું જોઈએ : એકનાથ શિંદે
ભૈયાજી જોશીના વિધાનને લઈને જે ઊહાપોહ થયો છે એના વિશે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘અમુક લોકો જે રાજકારણ કરી રહ્યા છે તેમણે એ બંધ કરવું જોઈએ. ભૈયાજી જોશીએ પોતાના વક્તવ્યનું સ્પષ્ટીકરણ આપી દીધું છે. મહારાષ્ટ્ર અને મુંબઈ માટે મરાઠી ભાષા જ મહત્ત્વની છે એવું તેમણે કહ્યું છે. આ સિવાય પહેલી ભાષા પણ મરાઠી હોવાનું તેમનું કહેવું છે. અહીં બધા સમાજના લોકો એકસાથે રહે છે એવું તેમણે કહ્યું છે. તેમના આ કહેવાનો મતલબ મરાઠી ભાષાનું અપમાન કર્યું એવો નથી થતો. તેમણે મરાઠી ભાષાને બીજા દરજ્જાની ક્યારેય નથી સમજી.’
ભૈયાજી જોશી જે બોલ્યા છે એ યોગ્ય જ છે : જાણીતા વકીલ ગુણરત્ન સદાવર્તે
જાણીતા વકીલ અને હંમેશાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સપોર્ટમાં ઊભા રહેતા ગુણરત્ન સદાવર્તેએ ભૈયાજી જોશીનો વિરોધ કરી રહેલા બધા નેતાઓને ફટકારતાં કહ્યું હતું કે ‘ઋષિતુલ્ય ભૈયાજી જોશી જે બોલ્યા છે એ યોગ્ય જ છે. મુંબઈમાં ભાષાને લઈને જબરદસ્તી કરવી શક્ય નથી. મરાઠીમાં બોલવાનું કહીને તમે કોઈ પર જોર-જબરદસ્તી ન કરી શકો. મુંબઈની કોઈ એક ભાષા નથી, મુંબઈમાં અનેક ભાષા છે. મુંબઈમાં દરેક વ્યક્તિને પોતપોતાની ભાષા બોલવાનો અધિકાર છે. ગુજરાતી, ભોજપુરી, હિન્દી એ બધાની ભાષા છે. જે નેતાઓ અત્યારે ટીકા કરી રહ્યા છે તેમણે કહેવું જોઈએ કે તેમનું અને તેમનાં બાળકોનું શિક્ષણ કયા માધ્યમની સ્કૂલમાં થયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે લોકોને આ મુદ્દા પર ઉત્તેજિત કરવા માગે છે.’
રાજદ્રોહનો ગુનો દાખલ કરો : ઉદ્ધવ ઠાકરે
ભૈયાજી જોશીના સ્ટેટમેન્ટ પર ઉદ્ધવ ઠાકરે બરાબરના બગડ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘આપણે ત્યાં ભાષાના આધારે પ્રાંતની રચના થઈ છે. હવે ગલી મુજબ પ્રાંતની રચના કરવાનો ઇરાદો લાગે છે. શિવાજી મહારાજ વિશે અપમાનજનક બોલનારા પ્રશાંત કોરટકરને મુખ્ય પ્રધાને ચિલ્લર માણસ કહ્યા હતા. હવે ભૈયાજી જોશી પણ ચિલ્લર માણસ છે એવું દેવેન્દ્ર ફડણવીસે જાહેર કરવું જોઈશે, નહીંતર તેમના પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈશે. દરેક વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જરૂરી નથી એવું કહેનારા સામે તેમણે કાર્યવાહી કરી બતાવવી જોઈએ. નહીં તો તેમણે માન્ય કરવું જોઈએ કે આ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સંઘનો છૂપો એજન્ડા છે.’
આ શું ચાલી રહ્યું છે એ ન સમજાય એટલા નાદાન મરાઠી માણસો નથી : રાજ ઠાકરે
RSSના ભૂતપૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જોશીએ મુંબઈમાં રહેતા પ્રત્યેક જણને મરાઠી આવડવું જરૂરી નથી એવું વિધાન કર્યું હોવાનું મેં સાંભળ્યું છે. કાયમ મહારાષ્ટ્ર અને મરાઠીઓ માટે જ આવું વિધાન કરવાનું કારણ શું? ભૈયાજી જોશીએ આવું જ વિધાન બૅન્ગલોર કે ચેન્નઈમાં કરી બતાવવું જોઈએ. તેમના આ બયાન સાથે શું BJP સહમત છે? કાલે સમજો કે આવું જ વિધાન RSSને બદલે બીજી કોઈ જવાબદાર વ્યક્તિએ અન્ય કોઈ રાજ્યમાં કર્યું હોત તો બધા પક્ષોએ એનો વિરોધ કર્યો હોત. BJP મહારાષ્ટ્રની અસ્મિતાને પ્રાધાન્ય આપીને વિરોધ નોંધાવશે? અત્યારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ચાલી રહેલાં વિકાસનાં કામ અને એની પાછળનો રાજકીય હેતુ ભૈયાજી જોશીના વક્તવ્ય પરથી દેખાઈ આવે છે. આ શું ચાલી રહ્યું છે એ ન સમજાય એટલા નાદાન મરાઠી માણસો નથી એ ભૈયાજીએ ધ્યાનમાં રાખવું જોઈએ. રાજકારણ કરતી વખતે પોતે મરાઠી છે એનું ભાન પણ ભૈયાજી ભૂલી ગયા? હમણાં જ કોલ્ડપ્લે નામનું ગ્રુપ મુંબઈ આવી ગયું. એનો મેઇન સિંગર ક્રિસ માર્ટિન પણ મુંબઈ આવીને મરાઠી બોલવા માંડ્યો હતો. બ્રિટિશરને પણ મુંબઈમાં કઈ ભાષા ચાલે છે અને મુંબઈ કોની છે એ સમજાય છે તો પછી જોશીબુવાને એ કેમ નથી સમજાતું? આવી રીતે કાંડી લગાવીને (રાજકીય હેતુ સિવાય આ થવું શક્ય નથી) નવો સંઘર્ષ ઊભો કરવાની આ તૈયારી છે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. બાકી વિસ્તારપૂર્વક ગુઢીપાડવાના દિવસે બોલીશ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ વિધાનનો વિરોધ નોંધાવે છે અને મરાઠી માણૂસ આ વાક્ય ક્યારેય નહીં ભૂલે એ જોશીબુવાએ ધ્યાનમાં રાખવાની જરૂર છે.’

