મંદિરોને દાનમાં મળેલી જમીન હસ્તગત કરવા કાયદો લાવવાની તૈયારી કરતી મહારાષ્ટ્ર સરકાર સામે રણશિંગું ફૂંકાયું પુણેથી
હડપસર ખાતે મંદિરના ટ્રસ્ટીઓની બેઠકમાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને મહાનુભાવો.
જો દેવસ્થાનોની જમીનો બચશે તો જ મંદિરો અને આપણું ધર્મકાર્ય સુરક્ષિત રહેશે એટલે સરકારે આ જમીનો સંપાદિત કરવાનું કામ તરત રોકવું જોઈએ એવી મક્કમ અને સ્પષ્ટ ચેતવણી આપીને ભીમાશંકર જ્યોતિર્લિંગ દેવસ્થાન અને અષ્ટવિનાયક સમિતિ સહિતના પુણે અને એની આસપાસનાં સેંકડો અગ્રણી દેવસ્થાનોએ મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ નિર્મૂલન (પ્રારૂપ) અધિનિયમ ૨૦૨૬ વિરુદ્ધ પુણેથી સીધું રણશિંગું ફૂંક્યું છે. આ અન્યાયી કાયદાનો સખત વિરોધ કરવા અને સરકારને સમયસર પગલાં લેવાની ચેતવણી આપવા માટે મંદિર મહાસંઘ વતી પુણેમાં મહત્ત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આ કાયદાની વિરુદ્ધ આગામી પચીસ દિવસમાં લાખો કાયદાકીય વાંધાઓ નોંધાવવાની સાથે સમગ્ર રાજ્યમાં સિગ્નેચર કૅમ્પેન, પ્રત્યેક મંદિરમાં મહાઆરતી, આગામી ચોમાસુ સત્ર દરમ્યાન વિધાનભવન પર ઘંટનાદ આંદોલન અને જો આવશ્યકતા પડે તો મુંબઈના આઝાદ મેદાન પર મહાઆંદોલન છેડવાનો તેમ જ ટૂંક સમયમાં રાજ્ય સ્તરીય દેવસ્થાન ભૂમિ સંરક્ષક પરિષદ આયોજિત કરવાનો સર્વાનુમતે સંકલ્પ કરીને મંદિરના ટ્રસ્ટીઓએ મેદાનમાં ઊતરવાની ઘોષણા કરી છે.
પુણેના શ્રી સિદ્ધિવિનાયક મંદિર (સારસબાગ), ખંડોબા મંદિર (આકુર્ડી) અને શ્રી સિયારામ મંદિર, ગૌશાળા (હડપસર) ખાતે યોજાયેલી આ બેઠકોમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી એસ. કે. જૈને સ્પષ્ટ કર્યું કે દેવસ્થાનોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એમની જમીનો સુરક્ષિત રહેવી અત્યંત આવશ્યક છે. ભૂતપૂર્વ ચૅરિટી કમિશનર દિલીપ દેશમુખે જણાવ્યું હતું કે આ કાયદા પાછળનો સરકારનો હેતુ શંકાસ્પદ જણાય છે અને તેમણે ટ્રસ્ટીઓને વધુમાં વધુ વાંધાઓ નોંધાવવાની અપીલ કરી હતી. આ સાથે જ રાંજણગાંવ મહાગણપતિ દેવસ્થાનના ટ્રસ્ટી ડૉ. તુષાર પાટીલ પાચુંદકરે અષ્ટવિનાયક મંદિરો વતી આ કાયદાનો તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો, જ્યારે ભીમાશંકર દેવસ્થાનના ધારાશાસ્ત્રી સુરેશ કૌદરેએ સેવાધારીઓના હકોનું રક્ષણ કરવાની માગણી કરી હતી. મંદિર મહાસંઘના રાષ્ટ્રીય સંગઠક સુનીલ ઘનવટે જણાવ્યું હતું કે આ લડાઈ મંદિરોની અસ્મિતાની છે અને બીજી જૂને વિભાગીય કમિશનરને આવેદનપત્ર આપીને સમગ્ર રાજ્યમાં આંદોલનના શ્રીગણેશ કરવામાં આવશે એવી ચેતવણી સરકારને આપી હતી.
ADVERTISEMENT
આ આંદોલનની વ્યૂહરચના નક્કી કરવા અને પ્રત્યેક મંદિરમાં જનજાગૃતિનાં બૅનરો લગાવીને વ્યાપક લોકચળવળ ઊભી કરવા માટે રાજ્યભરનાં અગ્રણી ટ્રસ્ટીઓ એકત્રિત થયાં છે. આ બેઠકોમાં ભીમાશંકર દેવસ્થાનના કાર્યાધ્યક્ષ મધુકર ગવાંદે, પ્રસાદ ગવાંદે, ગ્રામદૈવત કસબા ગણપતિનાં સંગીતાતાઈ ઠકાર, ભવાનીપેઠ પાલખી મંદિરના પ્રમોદ બેંગરૂટ, કાનિફનાથ મંદિરના જ્ઞાનોબા અને સુરેશ ફડતરે, શ્રીમંત સરદાર ખાનગીવાલે લિમયે, નીલેશ વાળાવે (શિરવળ), નિવૃત્તિ બડદે (કોડીત), અખિલ મંડઈ ગણેશોત્સવ મંડળના વાંજળે, જેજુરી માર્તંડ દેવસ્થાન અને દગડુશેઠ દત્ત મંદિરના ધારાશાસ્ત્રી થોરવે, આકુર્ડી ખંડોબા દેવસ્થાનના અધ્યક્ષ વિઠ્ઠલ કાળભોર અને ઉપાધ્યક્ષ પંઢરીનાથ કાળભોર તેમ જ ચતુઃશ્રૃગી દેવસ્થાનનાં ટ્રસ્ટી અને ધારાશાસ્ત્રી વૃષાલી દાતાર સહિત કાયદાકીય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
યંબકેશ્વર મંદિરમાં VVIP દર્શન શરૂ : એક જ દિવસમાં ૧૪ લાખ રૂપિયાની કમાણી
નાશિકના યંબકેશ્વર મંદિરમાં જ્યોતિર્લિંગનાં દર્શન માટે VVIP દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે જેના માટે શ્રદ્ધાળુઓ પાસેથી ૨૫૦૦ રૂપિયાની રકમ વસૂલવામાં આવી છે. મંદિર ટ્રસ્ટે જણાવ્યા અનુસાર શનિવારે ૫૦૦ લોકોએ VVIP દર્શનની સુવિધાનો લાભ લીધો હતો જેના કારણે એક જ દિવસમાં મંદિર ટ્રસ્ટને ૧૪ લાખ રૂપિયાની કમાણી થઈ હતી. ઉલ્લેખનીય છે કે VVIP દર્શનની યોજનાનો લોકોએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો. જોકે સુવિધા શરૂ થતાં લોકો ભગવાનના ફટાફટ અને આરામથી દર્શન થાય એ માટે VVIP સુવિધા મેળવવા પડાપડી કરી રહ્યા છે. આ પહેલાં ૨૦૦ રૂપિયા લઈને VIP દર્શનની સુવિધા શરૂ કરાઈ હતી જે હજી પણ છે.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં અધિક માસની પૂર્ણિમાએ ભારે ભીડ: શ્રદ્ધાળુઓની હાલત ખરાબ, દર્શન કર્યા વિના પાછા ગયા
વૃંદાવનમાં અધિક માસની પૂર્ણિમાના દિવસે રવિવારે ઠાકુર શ્રી બાંકે બિહારી મંદિરમાં ભારે ભીડને કારણે વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. તીવ્ર ગરમી અને અંધાધૂંધીને કારણે ઘણા ભક્તો બેભાન થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કર્યા વિના પાછા ફર્યા હતા. વૃંદાવનના રસ્તાઓ જૅમ થઈ ગયા હતા. દર ૩ વર્ષે આવતા પુરુષોત્તમ માસમાં દર્શન, પૂજા અને દાનનું મહત્ત્વ રહેલું છે. રવિવાર રજાનો દિવસ હોવાથી અને ઉનાળામાં શાળાઓમાં વેકેશન હોવાથી મંદિર તરફ જતા બધા રસ્તાઓ વહેલી સવારથી જ ભાવિકોથી ઊભરાતા હતા. ભક્તો દર્શન માટે એક કિલોમીટરથી વધુ લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા. મંદિરને જોડતી બધી સાંકડી ગલીઓ અને મુખ્ય રસ્તાઓ ભીડને કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયાં હતાં. શેરીઓમાં ફક્ત લોકોનાં માથાં જ દેખાતાં હતાં. ભીડને કારણે બાળકો અને વૃદ્ધો ચીસો પાડી રહ્યાં હતાં.
