અજિત પવાર જૂથમાં સામેલ થયેલા પ્રફુલ પટેલે કાર્યકરોને શરદ પવારની ભંડારાની સભામાં ગિરદી કરવાનું કહ્યું : બીજી તરફ તેઓ ફરી એનડીએની સરકાર આવવાનો દાવો કરી રહ્યા છે
ફાઇલ તસવીર
એનસીપીમાં અત્યારે પડદા પાછળ કશુંક ચાલી રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે. અજિત પવાર જૂથમાં સામેલ થયેલા પ્રફુલ પટેલે શરદ પવારની ભંડારામાં થનારી સભામાં કાર્યકરોને ગિરદી કરવાનું તેમ જ શરદ પવાર ભંડારામાં આવશે તો પોતે સામે ચાલીને તેમનું સ્વાગત કરશે એવું કહ્યું છે. આથી એનસીપીના નેતાઓ અને કાર્યકરો મૂંઝવણમાં પડી ગયા છે કે પ્રફુલ પટેલે શા માટે આવું કહ્યું?
એનસીપીમાં ભાગલા પડ્યા બાદ અજિત પવાર જૂથમાં સામેલ થયેલા પ્રફુલ પટેલ બુધવારે પહેલી વખત તેમના ગઢ ભંડારા જિલ્લામાં પહોંચ્યા હતા, જ્યાં તેમના સત્કારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પ્રફુલ પટેલે આ સમયે એક તરફ શરદ પવારની ટીકા કરી હતી અને બીજી બાજુ અહીં શરદ પવારની સભા થશે તો તેઓ પોતે સામે ચાલીને તેમનું સ્વાગત કરશે એમ કહ્યું હતું. આ ઉપરાંત કાર્યકરોને પણ તેમની સભામાં ગિરદી કરવાનું કહ્યું હતું. પ્રફુલ પટેલની આ વાતથી બધાને આશ્ચર્ય થયું છે.
ADVERTISEMENT
અત્યારે એનસીપીના કાર્યકરો કઈ તરફ જવું એની મૂંઝવણમાં છે ત્યારે પ્રફુલ પટેલે કહ્યું હતું કે ‘એનસીપી આપણો જ પક્ષ છે. પક્ષમાં કોઈ જૂથ નથી. ઘડિયાળ આપણી જ હોવા વિશે કોઈના મનમાં શંકા ન હોવી જોઈએ. જીવનમાં ક્યારેક ને ક્યારેક મહત્ત્વનો નિર્ણય લેવો પડે છે. શરદ પવાર નેતા હતા, છે અને રહેશે. તેમના પ્રત્યેનો આદર ઓછો નહીં થાય. થોડો સમય નારાજગી હશે. અમે લીધેલો નિર્ણય એનસીપી તરીકે લીધો છે અને છેલ્લે સુધી એનસીપી સાથે રહીશું. રાજકીય પરિસ્થિતિ અને રાજ્યના વિકાસ માટે આ નિર્ણય લીધો છે. હવે અમે બાળક નથી.’
શિવસેનાનાં બંને જૂથના વિધાનસભ્યોની અપાત્રતાના મામલામાં રાજ્યની વિધાનસભાના સ્પીકર ઍડ્. રાહુલ નાર્વેકરે જવાબ નોંધાવવાની નોટિસ મોકલ્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યોએ જવાબ નોંધાવી દીધા હતા, પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના ૧૬ વિધાનસભ્યોએ વિધાનસભાનું સત્ર ચાલતું હતું એટલે જવાબ નોંધાવવાનો બાકી હતો. હવે જાણવા મળ્યું છે કે તેમણે છ હજાર પાનાંમાં તેમના જવાબ સ્પીકરને સોંપ્યા છે. શિવસેનાનાં બંને જૂથના તમામ ૫૪ વિધાનસભ્યોએ નોટિસનો જવાબ આપી દીધો છે એટલે હવે સ્પીકર રાહુલ નાર્વેકર આ મામલે વિધાનસભ્યોની સુનાવણી ક્યારે હાથ ધરે છે એના પર સૌની નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂન મહિનામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આથી શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસની મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડી હતી. બાદમાં એકનાથ શિંદે બીજેપીના સહયોગથી મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે બાદમાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેના પક્ષ, ચૂંટણીચિહ્ન અને વિધાનસભામાં વિધાનસભ્યોની પાત્રતા-અપાત્રતા બાબતે લાંબી લડત ચાલી હતી. ચૂંટણી પંચે બહુમતીના આધારે એકનાથ શિંદે જૂથને શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન ધનુષબાણ ફાળવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને વિધાનસભ્યોની પાત્રતા-અપાત્રતાનો નિર્ણય લેવાનું કહ્યું હતું.


