સૌથી વધુ ૮,૩૯,૮૪૯ કેસ મુંબઈમાં પેન્ડિંગ છે : જજોની અછત સમસ્યામાં વધારો કરે છે

આરટીઆઇ અંતર્ગત બોમ્બે હાઇ કોર્ટે ૩૩ ડિસ્ટ્રીક્ટના પેન્ડિંગ કેસોની માહિતી આપી હતી (ફાઇલ તસવીર)
આરટીઆઇ અંતર્ગત માગવામાં આવેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં બહુ મોટા પ્રમાણમાં કેસનો ભરાવો થયો છે. ૩૧ જુલાઈ, ૨૦૨૩ મુજબ ૩૩ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કુલ ૫૦,૭૩,૭૨૬ કેસ પેન્ડિંગ છે. યંગ વ્હિસલબ્લોઅર્સ ફાઇન્ડેશન દ્વારા આ માહિતી માગવામાં આવી હતી જે ન્યાયતંત્રના ભારણને દર્શાવે છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કુલ ૪૩૧ જજ હોવા જોઈએ જે પૈકી ૪૭ જગ્યા ભરવાની બાકી છે. બાકી રહેલા કુલ કેસમાં ૩૪,૬૬,૪૭૭ ક્રિમિનલ તો ૧૬,૦૭,૨૪૯ સિવિલ કેસ છે.
મુંબઈ ટોચ પર
મુંબઈ શહેરમાં સૌથી વધુ ૮,૩૯,૮૪૯ કેસ બાકી છે, જેમાં ૫,૮૭,૮૮૫ ક્રિમિનલ અને ૨,૫૧,૯૬૪ સિવિલ કેસ બાકી છે. બીજો ક્રમાંક પુણેનો છે, જેમાં કુલ ૬,૨૧,૧૬૩ કેસ પેન્ડિંગ છે. થાણેમાં ત્રીજા ક્રમાંક સાથે ૪,૨૭,૪૫૨ કેસનો ઉકેલ મળ્યો નથી. આના કરતાં વિપરીત ગડચિરોલીમાં માત્ર ૧૭,૪૮૧ કેસ જ પેન્ડિંગ છે. ભૂતપૂર્વ ચીફ ઇન્ફર્મેશન કમિશનર અને આરટીઆઇ ઍક્ટિવિસ્ટ શૈલેશ ગાંધીએ કહ્યું હતું કે ‘આ ન્યાય નહીં, પણ અન્યાય છે. લોકોના કેસનો ઉકેલ ઝડપથી થાય એવી ઇચ્છા-શક્તિનો પણ અભાવ છે. શ્રીમંત લોકો, જેઓ સારા વકીલોને રોકી શકે તેમના કેસ નીચલી કોર્ટથી ઝડપથી ઉપરની કોર્ટમાં જાય છે; જ્યારે સામાન્ય લોકો તેમના કેસની સુનાવણીની રાહ જ જોયા કરે છે. ભારતમાં એક કેસના ઉકેલનો સરેરાશ સમય ૩૦ મહિનાનો છે તો યુરોપના દેશોમાં આ સમયગાળો માત્ર ૬ મહિનાનો છે.’
ન્યાય મેળવવામાં વિલંબ
ડિસ્ટ્રિક્ટ કોર્ટની વેબસાઇટ પર મૂકેલી માહિતી મુજબ ક્રિમિનલ કેસનો નિકાલ ૬ મહિનામાં, જ્યારે સિવિલ કેસનો નિકાલ ત્રણ વર્ષમાં આવવો જોઈએ; પરંતુ આવું થતું નથી. કેસ વર્ષો સુધી લંબાય છે. યંગ વ્હિસલબ્લોઅર્સ ફાઉન્ડેશનના ઍક્ટિવિસ્ટ જિતેન્દ્ર ઘાડગેએ કહ્યું હતું કે ‘કેટલાક લોકો વિરોધીઓને ડરાવવા માટે જ ન્યાયતંત્રનો ઉપયોગ કરે છે. કાનૂની કાર્યવાહીને લંબાવવાના એકમાત્ર હેતુથી ખોટા કેસ કે ઍફિડેવિટ દાખલ કરનાર વ્યક્તિઓને ભાગ્યે જ સજા મળે છે. ન્યાયતંત્ર આ વિશે જાણતું હોવા છતાં આ સડાને દૂર કરી શક્યું નથી.’