બાળલગ્નની પ્રથા બંધ કરવા નવો કાયદો અમલમાં લાવવાની તૈયારી હોવાની વિધાનસભામાં માહિતી અપાઈ
અદિતિ તટકરે
બાળલગ્નનું દૂષણ નાથવા માટે મહારાષ્ટ્ર સરકાર વેડિંગ કાર્ડ પર હવેથી વર અને કન્યાની બર્થ-ડેટ લખવાનું ફરજિયાત કરવા માટે નવો કાયદો લાવવા વિચારી રહી છે એવી માહિતી રાજ્યના મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન અદિતિ તટકરેએ બુધવારે વિધાનસભાના મૉન્સૂન સેશન દરમ્યાન આપી હતી.
આ ઉપરાંત આવતાં પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં થતાં બાળલગ્નની ટકાવારી ૧૦ ટકાની અંદર લાવવા માટે તૈયારી હોવાનું પણ અદિતિ તટકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. જોકે આવો કાયદો લાવવો શક્ય છે કે નહીં એ માટે લૉ ઍન્ડ જુડિશ્યરી ડિપાર્ટમેન્ટની તથા ગ્રામીણ વિકાસ ખાતાની સલાહ લઈને આગળ પગલાં લેવામાં આવશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ૨૦૧૯-’૨૧માં થયેલા સર્વેક્ષણ મુજબ મહારાષ્ટ્રમાં બાળલગ્નનું પ્રમાણ ૨૧.૯ ટકા હતું, જે ૨૦૨૩-’૨૪માં થયેલા સર્વેક્ષણમાં ઘટીને ૧૯.૦૬ ટકા થયું હતું. અદિતિ તટકરેએ જણાવ્યા મુજબ સરકાર બાળલગ્ન રોકવા માટે બધા જ પ્રયાસો કરી રહી છે. ૨૦૨૫-’૨૬માં ૧૪૩૪ બાળલગ્નો રોકવામાં આવ્યાં હતાં અને આ મામલે ૧૩૬ પોલીસ-ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે ૨૦૨૩-’૨૪માં ૧૨૫૩ બાળલગ્નોની ઘટના વિશે ૧૦૮ પોલીસ-ફરિયાદ નોંધાઈ હતી.
આ બધા જ મામલાઓમાં આવાં લગ્ન કરાવનારાઓનાં માતા-પિતા જ નહીં પરંતુ તેમના કાર્યક્રમોમાં સામેલ થનારા મ્યુઝિશ્યન્સ, પંડિતો અને અન્યો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી અદિતિ તટકરેએ આપી હતી.
