કૅબિનેટની બેઠકમાં આ ઉપરાંત એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા સહિતના ૧૧ નિર્ણય લેવામાં આવ્યા
ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ગઈ કાલે રાજ્યના કૅબિનેટ પ્રધાનોની બેઠક મળી હતી જેમાં નરીમાન પૉઇન્ટ ખાતે આવેલી ઍર ઇન્ડિયા ઇમારતને તાબામાં લેવા માટેની તૈયારીને મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય આ બેઠકમાં રાજ્યમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટેની નીતિ મંજૂર કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ મહિનામાં નરીમાન પૉઇન્ટ ખાતે આવેલું ઍર ઇન્ડિયાનું ઐતિહાસિક બિલ્ડિંગ ૧,૬૦૦ કરોડ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય લીધો હતો. મંત્રાલયની ઇમારતમાં અત્યારે જગ્યા ઓછી પડી રહી છે એટલે સરકારે આ નિર્ણય લીધો હતો. હવે વહેલી તકે ઍર ઇન્ડિયાના આ બિલ્ડિંગનું પઝેશન લેવાનો નિર્ણય કૅબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
અજિત પવારને ‘પૉલિટિકલ’ ડેન્ગી?
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારને ડેન્ગી થયો હોવાથી છેલ્લા ઘણા દિવસથી તેઓ આરામ કરી રહ્યા છે. દિવાળીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તેમણે ગઈ કાલે એક મેસેજ મોકલ્યો હતો, જે પ્રમાણે તેઓ હજી ડેન્ગીના તાવમાંથી સંપૂર્ણ રીતે બહાર નથી આવ્યા. આથી ડૉક્ટરોએ હજી થોડા દિવસ જાહેરમાં ન જવાની અને માસ્ક પહેરવાની સલાહ આપી છે. આવી સ્થિતિ તેમના માટે ત્રાસદાયક છે. આથી તેમણે નાછૂટકે દિવાળીમાં બધાથી દૂર રહેવું પડશે. સામાન્ય રીતે ડેન્ગીના તાવમાંથી ચાર-પાંચ દિવસમાં રિકવર થઈ જવાય, પણ અજિત પવાર અઠવાડિયા કરતાં વધુ સમયથી સારવાર હેઠળ છે અને હજી થોડા દિવસ તેઓ જાહેરમાં નહીં આવી શકે એમ તેમણે મેસેજમાં કહ્યું છે. આથી ક્યાંક તેમને પૉલિટિકલ ડેન્ગી તો નથી થયોને એવો સવાલ પુછાઈ રહ્યો છે.
આરક્ષણની ભૂમિકા સ્પષ્ટ કરો
મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે રાજ્ય સરકાર મથામણ કરી રહી છે ત્યારે ઓબીસી આરક્ષણનો ફરીથી સર્વે કરવામાં ન આવે ત્યાં સુધી ૧૯૯૪થી આપવામાં આવેલું આરક્ષણ સ્થગિત કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીની ગઈ કાલે પહેલી સુનાવણી થઈ ત્યારે કોર્ટે રાજ્ય સરકારને આ બાબતે ભૂમિકા સ્પષ્ટ કરવા કહ્યું હતું. રાજ્ય સરકારે ૧૦ ડિસેમ્બર સુધીમાં પોતાનો મત જાહેર કરવાનું કોર્ટમાં કહ્યું હતું. બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ત્રીજી જાન્યુઆરી સુધી સુનાવણી મોકૂફ રાખી હતી.
૧૯૯૪માં રાજ્ય સરકારે ઓબીસી આરક્ષણમાં ૧૬ ટકાનો વધારો કરવાનો જીઆર કાઢ્યો હતો. સરકારનો આ નિર્ણય યોગ્ય ન હોવાનો દાવો કરતી અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં મરાઠા સમાજના બાળાસાહેબ સરાટેએ દાખલ કરી છે.
મરાઠા આરક્ષણની મથામણ વચ્ચે મરાઠા સમાજને ઓબીસી આરક્ષણમાંથી જ કુણબીનાં પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યાં છે એનો વિરોધ સરકારમાં સામેલ છગન ભુજબળ કરી રહ્યા છે. આથી આ મામલે રાજ્ય સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
બાળકોએ પૉલ્યુશન-ફ્રી દિવાળી મનાવવી જોઈએ
મુંબઈ સહિત રાજ્યના કેટલાક ભાગમાં હવાની ક્વૉલિટી ખરાબ થઈ ગઈ છે ત્યારે પર્યાવરણમાં સુધારો કરવા માટેના પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે એ વિશે ગઈ કાલે બોલતી વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘મુંબઈ સહિત રાજ્યમાં પર્યાવરણની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે ત્યારે બાળકોએ પૉલ્યુશન-ફ્રી દિવાળી મનાવવી જોઈએ. વાલીઓ બાળકોનું અનુકરણ કરશે એટલે કંઈક સુધારો થશે. આ સિવાય રાજ્યમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણની જાગૃતિ લાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મુંબઈમાં ડસ્ટની સમસ્યા ઊભી કરનારા ૧૦૦ કૉન્ટ્રૅક્ટરોને નોટિસ મોકલવામાં આવી છે. રિયલ એસ્ટેટના બાંધકામ-સ્થળે નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.’


