જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા પર્યટકોને મહારાષ્ટ્રમાં પરત લાવવા માટે સ્પેશ્યલ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે જેનો ખર્ચ રાજ્ય સરકાર જ ઉપાડશે
એકનાથ શિંદે
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં ફસાયેલા મહારાષ્ટ્રના પર્યટકો માટે સરકારે સ્પેશ્યલ ફ્લાઇટની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા પર્યટકોને મહારાષ્ટ્રમાં પરત લાવવા માટે સ્પેશ્યલ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે જેનો ખર્ચ રાજ્ય સરકાર જ ઉપાડશે.’
ADVERTISEMENT
મુંબઈ ઍરપોર્ટ પર વ્યવસ્થા જળવાય એની જવાબદારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા આશિષ શેલાર અને મંગળ પ્રભાત લોઢાને આપવામાં આવી છે તેમ જ શ્રીનગરમાં રાહતકાર્ય માટે BJPના મિનિસ્ટર ગિરીશ મહાજનને મોકલવામાં આવ્યા છે.
મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં જેમાંથી ૬ મહારાષ્ટ્રના રહેવાસી હતા.
ફસાયેલા પ્રવાસીઓને લાવવા એકનાથ શિંદે કાશ્મીર પહોંચ્યા
આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં મહારાષ્ટ્રના અસંખ્ય ટૂરિસ્ટો ફસાયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આથી આ પ્રવાસીઓને પાછા લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે કમર કસી છે. ગઈ કાલે સવારના શિવસેનાના નેતાઓની એક ટીમ કાશ્મીર પહોંચ્યા બાદ સાંજે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ શ્રીનગર પહોંચ્યા હતા. તેમણે રાત્રે જ કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓની માહિતી લીધી હતી અને તેમને વહેલી તકે મુંબઈ લાવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.

