પકડાયેલો દારૂ હરિયાણા અને દિલ્હીમાં બનાવવામાં આવ્યો હતો અને એને મહારાષ્ટ્રમાં વેચવાની પરવાનગી નહોતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે થાણે જિલ્લામાં ૩ જગ્યાએ રેઇડ પાડીને ૧૩ લાખ રૂપિયાનો ગેરકાયદે દારૂ પકડી પાડ્યો હતો. એમાં હાઈ ક્વૉલિટીના સ્કૉચનો પણ સમાવેશ થતો હતો. સ્ટેટ એક્સાઇઝના સુપરિન્ટેન્ડેન્ટ પ્રવીણ તાંબેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘કાર્યવાહી અંતર્ગત ૩ જણની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો દારૂ હરિયાણા અને દિલ્હીમાં બનાવવામાં આવ્યો હતો અને એને મહારાષ્ટ્રમાં વેચવાની પરવાનગી નહોતી.’
ખબરીએ આપેલી ચોક્કસ માહિતીના આધારે ઉલ્હાસનગરમાં બે અને અંબરનાથમાં એક એમ કુલ ૩ જગ્યાએ રેઇડ પાડવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત કુલ ૩૫૨ બૉટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને અરુણકુમાર રામચંદ્ર પોપટાણી, સૂરજ શ્રીકૌશલ શુક્લા અને દીપક રાજકુમાર નાનાકાનીની ધરપકડ કરવામાં આવી હતી.


