Maharashtra Earthquake: ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6,3.6 અને 3.9ની નોંધાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર હિંગોલી જિલ્લાના બાસમત તાલુકામાં શિરલી ગામ નજીક હતું
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં હાલ વરસાદને કારણે તારાજી સર્જાઇ છે ત્યાં હવે બીજી કુદરતી આફત આવી છે. આજે ગુરુવારે વહેલી સવારે મહારાષ્ટ્રના હિંગોલી, નાંદેડ અને પરભણી જિલ્લામાં માઈલ્ડ ભૂકંપ (Maharashtra Earthquake) આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મરાઠવાડા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી. ડિસ્ટ્રિક્ટ ઇમર્જન્સી ઓપરેશન્સ સેન્ટરે જણાવ્યું હતું કે મોડી રાત્રે 1:37થી 3:23ની વચ્ચે ભૂકંપના માઈલ્ડ આંચકા નોંધાયા હતા. જેના કારણે રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ હતી કારણ કે ટૂંકા ગાળામાં ઘણે ઠેકાણે ધરતી ધ્રૂજી હતી.
ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં શિરલી ગામ પાસે નોંધાયું
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં આજે આવેલ ભૂકંપ (Maharashtra Earthquake)ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6,3.6 અને 3.9ની નોંધાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર હિંગોલી જિલ્લાના બાસમત તાલુકામાં શિરલી ગામ નજીક હતું. ડિસ્ટ્રિક્ટ ઇમર્જન્સી ઓપરેશન્સ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રાથમિક મૂલ્યાંકનમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે કોઈ જાનહાનિ થઈ નથી અથવા મકાનો અને અન્ય માળખાને નુકસાન થયું નથી. મોડી રાત્રે જ્યારે લગભગ બધા લોકો નિંદ્રાધિન હતા તેવે સમયે ધરતી ધ્રુજી ઉઠી હતી.
નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરાઇ
પરિસ્થિતિ (Maharashtra Earthquake)ને જોતાં અધિકારીઓએ રહેવાસીઓને ગભરાઈ ન જવા અને ભૂકંપની સ્થિતિમાં જરૂરી સલામતીની સાવચેતીઓનું પાલન કરવાની અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર રાહુલ કાર્ડિલેએ લોકોને સલાહ આપી છે કે જો ભૂકંપના વધારે આંચકા જણાય તો તરત જ ખુલ્લા ભાગમાં જતું રહેવું. સાવચેતીના પગલા તરીકે હાલમાં હિંગોલી, નાંદેડ અને પરભણી જિલ્લાઓમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો, ફાયર સેવાઓ અને તબીબી યુનિટ્સને અલર્ટ રાખવામાં આવ્યાં છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જો કોઈ આફ્ટરશોક આવે તો જરૂરી પગલાં લેવાશે.
વરસાદનું જોર ઓસરે એવી શક્યતા
આ સાથે જ એક બીજા રાહતના સમાચાર રાજ્ય માટે એર છે કે આજથી મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનું જોર ઘટવાની અપેક્ષા છે. હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં કોઈ નવી મોન્સૂન સિસ્ટમ બનવાની સંભાવના નથી, જેથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર વરસાદની શક્યતા નથી. હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દેખરેખ વધારવામાં આવી છે.
IMDએ અનેક જિલ્લાઓમાં વરસાદની એલર્ટ આપી છે
ગુરુવારે સવારે જારી કરવામાં આવેલા વેધર અપડેટ (Maharashtra Earthquake) અનુસાર નાસિક, પાલઘર, રાયગઢ, પૂણે અને સતારા જિલ્લાઓને અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમઆ રાખીને રેડ એલર્ટ આપવામાં આવી છે. મુંબઈ ઉપનગરીય વિસ્તારો અને થાણેમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. આ સાથે જ ધૂળે, નંદુરબાર, જલગાંવ, કોલ્હાપુર, ચંદ્રપુર અને ગઢચિરોલી માટે યલો એલર્ટ જારી કરવામાં આવી છે. આજે ગાજવીજ, વીજકડાકા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
