G20ની ત્રીજી એન્વાયર્નમેન્ટ ઍન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપની બેઠકના ભાગરૂપે મુંબઈના જુહુ બીચ પર ક્લીન-અપ ડ્રાઇવમાં ભાગ લીધા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી

એકનાથ શિંદે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે તમામ નાગરિકોએ પર્યાવરણ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ માટે દરરોજ એક મિનિટ ફાળવવી જોઈએ. તેમણે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. G20ની ત્રીજી એન્વાયર્નમેન્ટ ઍન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપની બેઠકના ભાગરૂપે મુંબઈના જુહુ બીચ પર ક્લીન-અપ ડ્રાઇવમાં ભાગ લીધા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
પ્રોટેક્ટિવ હૅન્ડ-ગ્લવ્ઝ પહેરીને G20 દેશોના પ્રતિનિધિઓએ પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનપ્રધાન ભૂપેન્દ્ર યાદવ સાથે જુહુ ચોપાટી ખાતે બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ભાગ લીધો હતો.
રાજ્યપાલ રમેશ બૈસે આમંત્રિતોને બીચની સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી, જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અભિયાનને સફળ બનાવવા માટે જનભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે જો તમામ નાગરિકો તેમની દિનચર્યામાંથી એક મિનિટ પણ પર્યાવરણ અને સ્વચ્છતા માટે ફાળવે તો ક્લાઇમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોનો સામનો કરવામાં મદદ કરશે.
રવિવારે દેશમાં એકસાથે ૩૫ સ્થળોએ બીચ ક્લીન-અપ ડ્રાઇવ યોજવામાં આવી હતી. કેન્દ્રીય પર્યાવરણ અને વન રાજ્યપ્રધાન અશ્વિનીકુમાર ચૌબે, મહારાષ્ટ્રના પર્યટન અને કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલ પ્રભાત લોઢા, કેન્દ્રીય પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સચિવ લીના નંદન, મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ, પોલીસ કમિશનર વિવેક ફણસળકર, પર્યાવરણ અને આબોહવાના અગ્ર સચિવ પ્રવીણ દરાડે સહિત સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.