મહારાષ્ટ્રના નાંદેડ સરકારી હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો છે. આ મામલે વિપક્ષ સરકાર પર સવાલો ઉઠાવી રહી છે.

પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં રિલીઝ થયેલી `જવાન` ફિલ્મ ખુબ જ ચર્ચામાં છે. જે ફિલ્મ અલગ અલગ સ્ટોરી રજૂ કરવામાં આવી છે. જેમાં એક સરકારી હોસ્પિટલની ખરાબ સ્થિતિ દર્શાવતી ઘટના છે. એવા જ પ્રકારની ઘટના મહારાષ્ટ્રના નાંદેડમાં સામે આવી છે. નાંદેડ સરકારી હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર મૃત્યુ પામનારાઓમાં 12 નવજાત શિશુ પણ સામેલ છે. આ ઘટનાને કારણે મહારાષ્ટ્રનું આરોગ્ય તંત્ર પ્રશ્નના ઘેરામાં આવ્યું છે. લોકો આ માટે નબળા સરકારી તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે. અગાઉ થાણેની હોસ્પિટલમાં એક જ દિવસમાં 18 દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો હતો.
નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલના ડીને જણાવ્યું હતું કે "છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 24 મૃત્યુમાંથી, 12 પુખ્ત વયના લોકોના મોત વિવિધ રોગોના કારણે હતા અને મોટાભાગે સાપના કરડવાથી થયા હતા." તેમણે કહ્યું "છેલ્લા 24 કલાકમાં 12 શિશુઓના પણ મોત થયા છે. જેમાંથી 6 છોકરાઓ અને 6 છોકરીઓ છે. અલગ-અલગ સ્ટાફની બદલીને કારણે અમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો."
ADVERTISEMENT
ડીને કહ્યું, "અમારું તૃતીય સ્તરનું આરોગ્ય કેન્દ્ર છે. 70 થી 80 કિલોમીટરની ત્રિજ્યામાં માત્ર એક જ હોસ્પિટલ છે. તેથી દર્દીઓ દૂર દૂરથી સારવાર માટે આવે છે. થોડા દિવસોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેને કારણે પણ સમસ્યાઓ ઊભી થઈ છે." ડીને વધુમાં કહ્યું, "હાફકિન નામની એક સંસ્થા છે. અમે તેમની પાસેથી દવાઓ ખરીદવાના હતા, પરંતુ તે પણ બન્યું નહીં. પરંતુ અમે સ્થાનિક રીતે દવાઓ ખરીદી અને દર્દીઓને પૂરી પાડી."
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મૃત્યુને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા છે. તેમણે મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં શું થયું તે અંગે વધુ માહિતી માંગવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં વિપક્ષે રાજ્યની એકનાથ શિંદે સરકાર પર આકરા પ્રહારો શરૂ કરતાં કહ્યું કે,ટ્રિપલ એન્જિન સરકાર (ભાજપ, એકનાથ શિંદે સેના અને એનસીપીના અજિત પવાર જૂથની) જવાબદારી લેવી જોઈએ. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે હોસ્પિટલની મુલાકાત લીધા બાદ કહ્યું સરકારે આ બાબતને ગંભીરતાથી જોવી જોઈએ અને પરિસ્થિતિને નિયંત્રિત કરવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું, "કુલ 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. 70ની હાલત હજુ પણ ગંભીર છે. તબીબી સુવિધાઓ અને સ્ટાફની અછત છે. ઘણી નર્સોની બદલી કરવામાં આવી છે. ઘણી મશીનો કામ કરી રહી નથી. હોસ્પિટલો ક્ષમતા 500 છે, પરંતુ 1200 દર્દીઓ દાખલ છે હું આ વિશે અજિત પવાર સાથે વાત કરીશ.

