નરેન્દ્ર મોદી હવે મહારાષ્ટ્રનો શાપ જોશે એવા ઉદ્ધવ ઠાકરેના નિવેદન વિશે ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું...
ફાઇલ તસવીર
નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી મહારાષ્ટ્રનો પ્રેમ જોયો છે, હવે શાપ કેવો હોય એનો અનુભવ થશે એવી ચીમકી ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે તેમના પક્ષના મુખપત્ર ‘સામના’માં આપેલા ઇન્ટરવ્યુમાં ઉચ્ચારી છે. આ વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરેને પાંચ સવાલના જવાબ આપવાનો પડકાર ફેંક્યો છે. ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ મીડિયાના તંત્રીઓને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે તો ઉદ્ધવ ઠાકરે તેમના કર્મચારી સંજય રાઉતને મુલાકાત આપે છે. આ ઇન્ટરવ્યુ એટલે કાળુ બાળુનો તમાશો. ઉદ્ધવ ઠાકરે આતંકવાદી કસબનું સમર્થન કરનારી કૉન્ગ્રેસની ભૂમિકા બદલ બોલે, ૧૯૯૩ના બૉમ્બધડાકાના ગુનેગારને પ્રચારમાં સામેલ કરવા વિશે બોલે, સત્તામાં આવશે તો હિન્દુઓની સંપત્તિ મુસલમાનોને વહેંચી દેવાના કૉન્ગ્રેસના ઇરાદા વિશે બોલે, રાહુલ ગાંધી વારંવાર સ્વતંત્રતાવીર સાવરકરનું અપમાન કરે છે એનો જવાબ આપે અને તામિલનાડુના મુખ્ય પ્રધાન ઉદયનિધિ સ્ટૅલિન હિન્દુ ધર્મને ખતમ કરવાની ધમકી આપે છે એની સાથે તમે કેમ હાથ મિલાવ્યા છે?’