Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઐસા ભી હો સકતા હૈ

01 February, 2023 08:31 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

બોરીવલીના કચ્છી પ્રવાસીને થયો સુખદ અનુભવ : લાંબા અંતરની ટ્રેનમાંથી ભૂલથી સહપ્રવાસી લઈ ગયેલો સામાન ત્રણ દિવસ પછી પાછો મળ્યો

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


મુંબઈ : બોરીવલી-ઈસ્ટમાં દત્તપાડા રોડ પર રાજેન્દ્રનગરમાં રહેતા અને બૅન્કમાં સીએ તરીકે કામ કરતા ૨૮ વર્ષના પ્રતીક વીરેન્દ્ર દેઢિયાનો લાંબા અંતરની ટ્રેનમાંથી ગુમ થયેલો સામાન છેક 
ત્રીજા દિવસે મળી આવતાં તે નવાઈ પામ્યો હતો. પોતાનો સામાન ફરી મળશે એવી આશા તેણે છોડી દીધી હતી, પરંતુ ‘કચ્છ જનજાગૃતિ અભિયાન’ની મદદથી અચાનક સામાન પાછો મળતાં તેને વિશ્વાસ બેસતો નહોતો.

બોરીવલી સ્ટેશનથી ૨૭ જાન્યુઆરીએ રાતે ૧૨ વાગ્યે એકતાનગર જવા પ્રતીક દેઢિયાએ પરિવાર સાથે એકતાનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ પકડી હતી. વડોદરા સ્ટેશન આવ્યું ત્યારે સામાનમાંથી એક બૅગ ગુમ થઈ ગઈ હોવાનું તેના ધ્યાનમાં આવ્યું હતું. પ્રતીક વડોદરા સ્ટેશને સવારે સાડાપાંચ વાગ્યે ઊતર્યો હતો, જ્યારે તેણે છેલ્લા સ્ટેશન એકતાનગર ઊતરવાનું હતું. બૅગ મળતી ન હોવાથી તેણે પરિવારજનોને આગળ પ્રવાસ ચાલુ રાખવાનું કહ્યું હતું અને પોતે બૅગ શોધવા માટે વડોદરા સ્ટેશને ઊતરી ગયો હતો.



બપોર સુધી બૅગ શોધી


મારી આગળની ટ્રિપ બુક થયેલી હતી અને બૅગ શોધવી પણ જરૂરી હતી એમ કહેતાં પ્રતીક દેઢિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું પરિવાર સાથે સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી અને આસપાસનાં સ્થળો જોવા જઈ રહ્ય હોતો. મારી એ બૅગમાં ચાર્જર અને નવાં કપડાં, પત્નીના કૉસ્મેટિક મળીને વીસેક હજાર રૂપિયાની વસ્તુઓ હતી અને એ બૅગ પણ નવી હતી. પ્રવાસમાં ઉપયોગમાં લેવાનાં કપડાં તો બૅગ સાથે જતાં રહ્યાં એટલે એ મેળવવાં જરૂરી હતાં. હું વડોદરા સ્ટેશને બેસી રહ્યો અને અડધા કલાક સુધી સ્ટેશનના સીસીટીવી કૅમેરાનું ફુટેજ જોતો રહ્યો હતો. કૅમેરા યોગ્ય રીતે મેઇન્ટેઇન કર્યા ન હોવાથી એ જોવાનો કશો અર્થ નહોતો. એફઆઇઆર નોંધાવવા ૨૪ કલાક થયા ન હોવાથી પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી હતી. બૅગ શોધતાં-શોધતાં મને સ્ટેશન પર જ બપોરના ૧૨ વાગી ગયા હતા. આગળની ટ્રિપનો સમય થઈ ગયો હોવાથી મારે પહોંચવું જરૂરી હતું એટલે મેં બૅગ મેળવવા ‘કચ્છ જનજાગૃતિ અભિયાન’ના પ્રતિનિધિ દિનેશ વિસરિયાનો સંપર્ક કર્યો હતો.’

મુંબઈથી બૅગ મળી


દિનેશભાઈએ મારી પાસે બૅગનો ફોટો મગાવ્યો હતો, પણ મારી પાસે એ નહોતો એમ જમાવીને પ્રતીકે કહ્યું હતું કે ‘મારાં માસી પાસે એવી જ બૅગ હોવાથી તેમની બૅગનો ફોટો મેં મોકલી આપ્યો હતો. તેમણે બૅગના ફોટો સાથે માહિતી સોશ્યલ મીડિયાથી લઈને અનેક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરી હતી. અમારી બૅગ ન હોવાથી અમદાવાદથી મારી સાળી એક જોડી કપડાં લઈને આવી હતી. જોકે એક જોડી કપડાં સાથે પ્રવાસ કરવો મુશ્કેલ હતો. બૅગ મળશે એવી આશા તો મેં છોડી જ દીધી હતી. મુંબઈ પહોંચ્યા ત્યારે દિનેશભાઈએ મને ફોન કર્યો કે તમારી બૅગ ભુલેશ્વરમાં રહેતા જિજ્ઞેશ શાહ પાસે ભૂલથી જતી રહી હતી અને એ મળી આવી છે. એથી મેં તેમની સાથે વાત કરી અને તેમણે કહ્યું કે અમે ૧૨ જણનું ગ્રુપ હોવાથી બૅગ ભૂલથી અમારી પાસે આવી ગઈ છે. ઘરે પહોંચ્યા ત્યારે અમારું એના પર ધ્યાન ગયું હતું. એ પછી ગ્રુપના એક જણને દિનેશભાઈનો મેસેજ મળતાં તેમનો સંપર્ક કર્યો હતો.’

‘કચ્છ જનજાગૃતિ અભિયાન’ના પ્રતિનિધિ દિનેશ વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સાથે પ્રતીક સતત ત્રણ દિવસ સુધી સંપર્કમાં રહ્યો હતો. અમે રેલવે પોલીસ, જીઆરપી, સ્ટેશન માસ્તર, સોશ્યલ ગ્રુપ એમ બધે ઠેકાણે વારંવાર ફોન અને બૅગના ફોટો સાથે મેસેજ વાઇરલ કર્યા હતા અને પ્રવાસીને પૉઝિટિવ રહેવા સમજાવ્યું હતું. કચ્છ જનજાગૃતિ અભિયાન ૨૪ કલાક લોકો અને પ્રવાસીઓની સમસ્યામાં મદદરૂપ થવા ઉપલબ્ધ રહે છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 08:31 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK