જેલમાંથી છૂટ્યા પછી તને મારી નાખીશ અને મારા પતિને કહીશ કે તારા પર બળાત્કાર કરે
GRPના સ્ટાફે વૈશાલી સચદેવની મોબાઇલ ચોરવા બદલ ધરપકડ કરી હતી.
જે મહિલાને લીધે પકડાઈ તેને આમ કહીને ધમકાવી આરોપીએ : રેલવેમાં પીક-અવર્સમાં ભીડનો ફાયદો ઉઠાવીને મોબાઇલ ચોરતી મહિલાની કુર્લા GRPએ કરી ધરપકડ : તેની સામે વિવિધ ચોકીમાં ૨૮ કરતાં વધુ મોબાઇલ-ચોરીની ફરિયાદ
મુંબઈની લોકલ ટ્રેનોમાં પીક-અવર્સમાં ભીડનો ફાયદો ઉઠાવીને મોબાઇલ-ચોરીને અંજામ આપતી ૨૭ વર્ષની વૈશાલી સચદેવની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ બુધવારે સાંજે ધરપકડ કરી હતી. વૈશાલી લેડીઝના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં પ્રવાસ કરીને મહિલાઓએ ખિસ્સામાં અને બૅગમાં રાખેલા મોબાઇલ ભીડનો લાભ લઈને સેરવી લેતી હતી. બુધવારે પણ તેણે એ જ કાર્યપદ્ધતિથી એક જ ટ્રેનમાં ચાર મોબાઇલની સફળતાપૂર્વક ચોરી કર્યા બાદ પાંચમો મોબાઇલ ચોરવાની કોશિશ કરી ત્યારે રંગેહાથ પકડાઈ ગઈ હતી. તેની સામે મુંબઈનાં બીજાં રેલવે પોલીસ-સ્ટેશનોમાં ૨૮થી વધારે ચોરીની ફરિયાદો નોંધાઈ હોવાની માહિતી GRPએ આપી હતી.
ADVERTISEMENT
કુર્લા GRPની અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર મીનળ ગુરવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલવામાં રહેતી ૩૮ વર્ષની સુજાતા શેટ્ટીએ બુધવારે સવારે મુંબ્રા સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે પરથી ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં દાદર આવવા માટે પ્રવાસ શરૂ કર્યો હતો. એ દરમ્યાન મુલુંડ રેલવે-સ્ટેશન પર તેની બૅગમાં રાખેલો મોબાઇલ તપાસતાં એ નહોતો મળી રહ્યો. એટલે તેણે તાત્કાલિક પોતાની પાછળ ઊભા રહીને પ્રવાસ કરતી મહિલા સામે જોયું ત્યારે તે મહિલાના મોં પર કંઈક ખોટું કર્યું હોવાનું દેખાઈ આવ્યું હતું. તેના પર શંકા જતાં તે મહિલાને સુજાતાએ પોતાનો મોબાઇલ પાછો આપવા જણાવ્યું હતું. જોકે પાછળ ઊભેલી તે મહિલાએ દાદાગીરી કરી હતી. એ જોઈને સુજાતાએ ૧૫૧૨ ફોન-નંબર પર સંપર્ક કરતાં ભાંડુપ રેલવે-સ્ટેશન પર અમારો સ્ટાફ ફર્સ્ટ ક્લાસ ડબ્બા પાસે ગોઠવાઈ ગયો હતો. જે મહિલા પર સુજાતાએ શંકા વ્યક્ત કરી હતી તેને તાબામાં લેવામાં આવી હતી. અમે જ્યારે મહિલાને તાબામાં લીધી ત્યારે આરોપી વૈશાલી સચદેવે સુજાતાને જોઈને કહ્યું હતું કે બે દિવસમાં જેલમાંથી છૂટ્યા પછી હું તને મારી નાખીશ અને મારા પતિને કહીશ કે તારા પર બળાત્કાર કરે. અંતે અમે તેને વધુ તપાસ માટે કુર્લા GRPની ચોકીમાં લઈ ગયા હતા.’
કુર્લા GRPની ચોકીમાં લાવ્યા બાદ વૈશાલીની તપાસ કરતાં તેની પાસેથી અમને પાંચ મોબાઇલ મળી આવ્યા હતા. એમાંથી એક મોબાઇલ સુજાતાનો હતો. GRPની અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર મીનળ ગુરવે વધુમાં કહ્યું હતું કે ‘વૈશાલીની વધુ તપાસ કરવા અમે તેનો રેકૉર્ડ તપાસ્યો ત્યારે તેના નામે ૨૮થી વધુ મોબાઇલ-ચોરીના કેસ નોંધાયા હોવાની માહિતી મળી હતી. આરોપી ગણતરીની મિનિટોમાં મોબાઇલ-ચોરીને અંજામ આપતી હતી. તે ક્યારેક સેન્ટ્રલ તો ક્યારેક વેસ્ટર્ન વિસ્તારના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં ચોરી કરતી હતી.’


