ઇલેક્ટ્રિક વાહન સ્ટેશન ચાર્જિંગની ફ્રૅન્ચાઇઝી મેળવવાના ચક્કરમાં કાંદિવલીના વેપારીએ બે લાખ રૂપિયા ગુમાવ્યા : ગઠિયાએ બે માળના બિલ્ડિંગમાં નવમા માળનું ઍડ્રેસ આપ્યું હતું

પ્રતીકાત્મક તસવીર
કાંદિવલીમાં રહેતા ૬૭ વર્ષના વેપારીએ ઇલેક્ટ્રિક વાહન સ્ટેશન ચાર્જિંગની ફ્રૅન્ચાઇઝી મેળવવા માટે ગૂગલ પર સર્ચ કર્યું હતું. એમાં મળેલા નંબર પર ફોન કરતાં ડીલરશિપ પેમેન્ટ અને સિક્યૉરિટી ડિપોઝિટના નામે આશરે બે લાખ રૂપિયા તેમની પાસેથી લેવામાં આવ્યા હતા અને વિવિધ ડૉક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા હતા. એમાં આપેલા ઍડ્રેસ પર તપાસ કરતાં ઑફિસનું ઍડ્રેસ નવમા માળે લખેલું હતું અને બિલ્ડિંગ ફક્ત બે માળનું જ હતું. ત્યાર બાદ પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં વેપારીએ એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
કાંદિવલી-ઈસ્ટમાં ઠાકુર કૉમ્પ્લેક્સ નજીક નાઇન્ટી ફીટ રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને પ્રૉપર્ટી રેન્ટનું કામકાજ કરતા ૬૭ વર્ષના પ્રતાપ શાહે કરેલી ફરિયાદ અનુસાર અંધેરી-ઈસ્ટમાં પારસી પંચાયત રોડ પર આવેલી તેમની ગ્રાઉન્ડ ફ્લોરની મોટી જગ્યામાં તેમણે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવાનું વિચાર્યું હતું. એના માટે તેમણે ૧૨ માર્ચે ગૂગલ પર ઇલેક્ટ્રિક વાહન સ્ટેશનની ફ્રૅન્ચાઇઝીની માહિતી શોધી હતી. એ પછી ૧૪ માર્ચે તેમને એક યુવકનો ફોન આવ્યો હતો. તેણે તાતા પાવર કંપની લિમિટેડમાંથી બોલતો હોવાનું કહીને ઇલેક્ટ્રિક વાહન સ્ટેશનની ફ્રૅન્ચાઇઝી આપતા હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેમની પાસેથી તમામ ડૉક્યુમેન્ટ્સ લેવામાં આવ્યા હતા. અંતે ૧૮ માર્ચે સિક્યૉરિટી ડિપોઝિટ અને ડીલરશિપ ચાર્જિસ તરીકે બે લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. ૨૧ માર્ચે વધુ ૭,૪૫,૦૦૦ રૂપિયાની માગણી સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે કરવામાં આવી હતી. ત્યારે શંકા જતાં પેપરમાં આપેલું ઍડ્રેસ ચેક કર્યું તો એ બીકેસીના ‘જી’ બ્લૉકના એક બિલ્ડિંગનું હતું અને એમાં નવમા માળે ઑફિસ હોવાની માહિતી આપી હતી. જોકે ત્યાં જઈને જોતાં બિલ્ડિંગ માત્ર બે માળનું હોવાનું જાણવા મળ્યું હતું. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
એમઆઇડીસી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસની પ્રાથમિક માહિતીમાં સાઇબર છેતરપિંડી થઈ હોય એવું નથી લાગી રહ્યું. જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એની વધુ માહિતી કાઢવામાં આવી રહી છે.’