રોડ ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે ટેમ્પોએ મારેલી ટક્કરથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં કાંદિવલીનાં વંદના ગાલા
બાવન વર્ષના વંદના (અલ્પા) અતુલ ગાલા
કાંદિવલી-ઈસ્ટમાં રહેતાં બાવન વર્ષના વંદના (અલ્પા) અતુલ ગાલા બુધવારે રાતે પોણાનવ વાગ્યે મલાડના માર્વે રોડ પર રોડ ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે ફુલ સ્પીડમાં આવી રહેલા એક ટેમ્પોએ તેમને ટક્કર મારીને પછાડતાં વંદનાબહેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમાચારથી કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં ગમગીની ફેલાઈ ગઈ છે.
વંદનાબહેનના ઍક્સિડન્ટની માહિતી આપતાં તેમના જેઠ મુકેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો નાનો ભાઈ અતુલ ચાર વર્ષ પહેલાં હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા બાદ તેનાં પત્ની વંદના અને તેમનો દીકરો પરિવારમાં એકલાં જ રહેતાં હતાં. બુધવારે સાંજે વંદના આંખના રૂટીન ચેકઅપ માટે મલાડના માર્વે રોડ પરના એક આઇ-સ્પેશ્યલિસ્ટ પાસે ગઈ હતી. રાતે અંદાજે પોણાનવ વાગ્યે વંદના ડૉક્ટર પાસેથી ઘરે પાછી આવવા રોડ ક્રૉસ કરી રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. ઍક્સિડન્ટ જોનારાઓએ કહ્યું હતું કે ફુલ સ્પીડમાં જઈ રહેલા એક ટેમ્પોએ મહિલાને ઉડાડી દીધી હતી જેમાં તેના ચહેરા અને માથા પર ગંભીર ઈજા થઈ હતી અને તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. વંદના પાસે રહેલી ડૉક્ટરની ફાઇલ પરથી સ્થાનિક દુકાનદારોએ સંપર્ક કરીને અમને ઍક્સિડન્ટની જાણ કરી હતી. અકસ્માત પછી ટેમ્પો-ડ્રાઇવર નાસી ગયો હતો, પરંતુ ભેગા થયેલા લોકો વંદનાને શતાબ્દી હૉસ્પિટલ લઈ ગયા હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ડૉક્ટરોએ વંદનાના મૃત્યુના સમાચાર આપ્યા હતા. જોકે પોલીસે રાતે ટેમ્પો-ડ્રાઇવરની ધરપકડ કરી લીધી હતી.’
ADVERTISEMENT
વંદનાને એક દીકરો છે જે સૉફ્ટવેર એન્જિનિયરિંગનું કામ કરે છે એમ જણાવતાં મુકેશ ગાલાએ કહ્યું હતું કે ‘વંદનાના મૃત્યુ વખતે તેમનો ૨૬ વર્ષનો દીકરો મિત્રો સાથે કચ્છમાં હતો. તેને સમાચાર મળતાં ગઈ કાલે તે મમ્મીના અંતિમ સંસ્કાર માટે કચ્છથી પાછો આવ્યો હતો. વંદના અમારા પરિવારની ધર્મિષ્ઠ, મળતાવડી, હસમુખી અને લોકોના દુઃખમાં તેમના પડખે ઊભી રહે એવી વ્યક્તિ હતી. તેને ભગવાનનું માણસ કહી શકાય. તેમના જવાથી અમારા પરિવારને બહુ મોટો આંચકો લાગ્યો છે. ચાર વર્ષ પહેલાં અમે અતુલને ગુમાવ્યો અને હવે વંદનાને ગુમાવી જે અમારા માટે અસહ્ય આઘાત છે. ભગવાન કેમ સારા માણસને વહેલો તેમની પાસે બોલાવી લેતો હશે?’
CCTV કૅમેરાનાં ફુટેજ પરથી ડ્રાઇવરની ધરપકડ થઈ
વંદનાના ઍક્સિડન્ટના સમાચાર રાતે પોણાનવ વાગ્યે અમને મળતાં અમે તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વંદનાબહેન જ્યારે રોડ ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે ટેમ્પો-ડ્રાઇવર ફુલ સ્પીડમાં ટર્ન લઈ રહ્યો હતો જેમાં ટેમ્પોએ વંદનાબહેનને ટક્કર મારતાં તેમના માથામાં ઈજા થઈ હતી. તેમને હૉસ્પિટલ લઈ જઈએ એ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યાં હતાં. જોકે ડ્રાઇવર અકસ્માત કર્યા પછી ભાગી ગયો હતો. અમે આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ જોઈને તેની ધરપકડ કરી હતી.’


