કલ્યાણમાં એક ચોંકાવનારી ઘટના બની છે. કલ્યાણ-વેસ્ટમાં ગોલ્ડ પાર્ક પરિસરમાં રહેતો ૨૭ વર્ષનો શુભમ ચૌધરી ગ્રૅજ્યુએટ થઈ ગયા બાદ નોકરી શોધતો હતો. તેના પપ્પા ઘાટકોપરમાં એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે
કસમયે જીવ ગુમાવનારો શુભમ ચૌધરી.
કલ્યાણમાં એક ચોંકાવનારી ઘટના બની છે. કલ્યાણ-વેસ્ટમાં ગોલ્ડ પાર્ક પરિસરમાં રહેતો ૨૭ વર્ષનો શુભમ ચૌધરી ગ્રૅજ્યુએટ થઈ ગયા બાદ નોકરી શોધતો હતો. તેના પપ્પા ઘાટકોપરમાં એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. બે મહિના પહેલાં રાતના સમયે ટહેલવા નીકળ્યો હતો ત્યારે એક રખડતા શ્વાને તેને બચકું ભર્યું હતું. શ્વાન કરડે ત્યારે તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે, પણ શુભમે આને નાની વાત સમજીને અવગણી હતી. ત્યાર બાદ ગયા અઠવાડિયે શુભમને એક વાંદરાએ પણ બચકું ભર્યું હતું. આ વાતને પણ શુભમે બહુ ધ્યાનમાં નહોતી લીધી અને સારવાર લેવાનું ટાળ્યું હતું. જોકે શુભમને આ અવગણના કરવાનું ભારે પડ્યું છે. ૧૦ ડિસેમ્બરે શુભમની તબિયત બગડતાં તેને પહેલાં કલ્યાણની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો. પછી તબિયત વધુ કથળતાં તેને કળવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે અહીં પણ શુભમની હાલત ખરાબ થતાં તેને આખરે મુંબઈમાં સાત રસ્તા પાસે આવેલી કસ્તુરબા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ગુરુવારે સવારે શુભમનું સારવાર દરમ્યાન કરુણ મૃત્યુ થયું હતું. શ્વાન કે કોઈ પ્રાણી કરડે એ જોખમી હોવાથી એની તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે, પણ શુભમે એને ગંભીરતાથી ન લેતાં તેણે યુવાન વયે આ દુનિયામાંથી વિદાય લેવી પડી છે. શુભમનું મૃત્યુ થયું હોવાના સમાચાર જાણ્યા બાદ કલ્યાણ અને આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.