શૅરની લૉન્ગ ટર્મ ખરીદી કેટલું રિટર્ન આપે એનું અદ્ભુત ઉદાહરણ
JSW સ્ટીલ
શૅરબજારમાં લાંબા ગાળા માટે સારી કંપનીમાં રોકાણ કરવામાં આવે અને ધીરજપૂર્વક શૅર સંભાળીને રાખવામાં આવે તો એ ખરેખર અસાધારણ વળતર આપી શકે એનો કિસ્સો આજકાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. રોકાણકાર સૌરવ દત્તાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે તેને ઘરમાં સાફસૂફી કરતી વખતે પિતાએ ૧૯૯૦માં ખરીદેલા શૅર-સર્ટિફિકેટ મળી આવ્યાં હતાં. ૩૦ વર્ષ પહેલાં તેના પિતાએ એક લાખ રૂપિયાની કિંમતના JSW સ્ટીલ કંપનીના શૅર ખરીદ્યા હતા અને આજે આ શૅરની કિંમત ૮૦ કરોડ રૂપિયા છે. ૩૦ વર્ષ સુધી શૅરને સંભાળી રાખ્યા બાદ આજે એની આટલી કિંમત થઈ છે.
JSW સ્ટીલ ભારતની અગ્રણી સ્ટીલ કંપનીઓમાંની એક છે. એના શૅરની કિંમત ૧૦૦૪.૯૦ રૂપિયા છે અને એનું માર્કેટકૅપ ૨.૩૭ ટ્રિલ્યન રૂપિયા છે. આ વાઇરલ પોસ્ટ ફક્ત સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય નથી, એ લાખો રોકાણકારોને લાંબા ગાળાના રોકાણની શક્તિ પણ સમજાવી રહી છે. જો યોગ્ય સમયે યોગ્ય કંપનીમાં રોકાણ કરવામાં આવે અને ધીરજ રાખવામાં આવે તો એ સામાન્ય રોકાણને પણ કરોડોમાં ફેરવી શકે છે.

