નવરાત્રિ દરમિયાન ગુજરાતી બૉય કાવ્ય ગોહિલની ગૉગલ્સ સાથેના ગરબા-સ્ટેપની રીલ એટલીબધી વાઇરલ થઈ ગઈ કે એક રાતમાં તે સ્ટાર બની ગયો
કાવ્ય માત્ર ડાન્સમાં જ નહીં પણ ઇતર પ્રવૃત્તિમાં અને ભણવામાં પણ એટલો જ હોશિયાર છે
આમ તો ઇન્સ્ટાગ્રામ પર રોજ લાખો રીલ્સ ફરતી રહેતી હોય છે પણ અમુક રીલ્સ એવી હોય છે જે મગજ પર છાપ છોડી જાય છે. એવી જ એક રીલ અત્યારે ઇન્સ્ટા પર ખૂબ જ ફૉર્વર્ડ થઈ રહી છે જે ગરબા રમતા એક છોકરાની છે. આ રીલમાં છોકરો ગરબાને ફિલ્મી સ્ટાઇલનાં સ્ટેપ્સની સાથે રમતો અને પછી ફિલ્મી હીરોના અંદાજમાં ગૉગલ્સ કાઢીને એને ફરીથી પહેરી લેતો દેખાય છે. આ છોકરાનો ગૉગલ્સ કાઢવાનો અને ફરી આગળના સ્ટેપની સાથે ગૉગલ્સને સ્ટાઇલમાં ફરી પહેરી લેવાનો અંદાજ લોકોને ખૂબ ગમી ગયો છે. લોકોએ તેને ગૉગલ બૉય નામ આપી દીધું છે અને રાતોરાત તેને સ્ટાર બનાવી દીધો છે.
આ ગૉગલ બૉયનું નામ છે કાવ્ય ગોહિલ અને તે ચીરાબજારમાં રહે છે. માંડ ૯ વર્ષનો કાવ્ય ડાન્સ શીખે છે અને ગરબા રમવાનો ખૂબ શોખ ધરાવે છે, પણ તેને નહોતી ખબર કે તેની આ ૪૦ સેકન્ડની રીલ તેની લાઇફ બદલી દેશે. કાવ્યની મમ્મી ડિમ્પલ ગોહિલ કહે છે, ‘અમને હજી વિશ્વાસ નથી થતો કે કાવ્ય આટલોબધો ફેમસ થઈ ગયો છે. આજે અમે તેના નામથી ઓળખાતાં થઈ ગયાં છીએ. તેની રીલ આવી એ પછી તો અમને એટલા ફોન, મેસેજિસ આવવા માંડ્યા કે અમે કંટાળી ગયાં.’
ADVERTISEMENT
આ સ્ટેપ કેવી રીતે બન્યું?
ડિમ્પલબહેન કહે છે, ‘મારો દીકરો કાવ્ય ચાર વર્ષનો હતો ત્યારથી ડાન્સ શીખી રહ્યો છે. તે ધ ડાન્સ કિંગડમ નામના ડાન્સ ક્લાસમાં જાય છે જ્યાં તે ડાન્સમાં ડિપ્લોમા કરી રહ્યો છે. તેના સર હર્ષ દોશીએ દરેક સ્ટુડન્ટને આ સ્ટેપ શીખવ્યું હતું પરંતુ કાવ્યએ એ સ્ટેપ પોતાની જાતે ઇનોવેટિવ રીતે કર્યું હતું. ગૉગલ્સ કાઢવાના, સ્ટાઇલમાં બેન્ડ થવાનું અને ફરી ગૉગલ્સ પહેરીને ઊભા થવાનું સ્ટેપ પોતાની જાતે ઉમેર્યું હતું અને એની સાથે તેનાં એક્સપ્રેશને આ રીલ માટે સોનામાં સુગંધનું કામ કર્યું હતું. આ ઇનોવેટિવ સ્ટેપ સરને પણ એટલું જ ગમ્યું એટલે સરે ગ્રાઉન્ડ પર તેનો વિડિયો શૂટ કર્યો હતો. ત્યાર બાદ તેમણે આ વિડિયો પોતાના ઇન્સ્ટા પેજ પર મૂકી દીધો. માત્ર બે જ કલાકમાં આ રીલને ૧૦ હજાર જેટલી લાઇક્સ મળી ગઈ. લોકોએ તેને ગૉગલ બૉય પણ નામ આપી દીધું. પછી તો આ રીલ કેટલીયે વાર રીપોસ્ટ પણ થઈ અને એટલી જ વખત ફૉર્વર્ડ પણ થઈ. બીજા દિવસે સવારે તો અમને ફોન પર ફોન આવવાના શરૂ થઈ ગયા અને અમે દંગ જ થઈ ગયા કે શું કાવ્ય આટલોબધો ફેમસ થઈ ગયો છે? પછી તો તે એક ફેમસ નવરાત્રિમાં તેના સર સાથે રમવા ગયો જ્યાં તેના કૉસ્ચ્યુમ એકદમ અલગ જ હતા છતાં ત્યાં તે તેના સ્ટેપથી તરત ઓળખાઈ ગયો. લોકો તેની આસપાસ આવીને ઊભા રહેતા, વિડિયો લેતા અને કહેતા કે આ જો, એ પેલો જ છોકરો છે જે ગૉગલ્સ સાથે ડાન્સ કરે છે.’
આૅલરાઉન્ડર છે
કાવ્ય માત્ર ડાન્સમાં જ નહીં પણ ઇતર પ્રવૃત્તિમાં અને ભણવામાં પણ એટલો જ હોશિયાર છે એમ જણાવતાં ડિમ્પલ ગોહિલ કહે છે, ‘નવરાત્રિ દરમ્યાન સ્કૂલમાં તેની એક્ઝામ ચાલી રહી હતી છતાં તે દિવસ દરમિયાન ભણી લેતો અને રાત્રે ગરબા રમવા જતો. ડાન્સ તેનું પૅશન છે પણ એના માટે તે ભણતરનો ભોગ આપતો નથી. આ ઉપરાંત તે સ્કૂલની અનેક ઍક્ટિવિટીમાં ભાગ પણ લેતો હોય છે. સ્કૂલમાંથી તે અન્ય સ્કૂલોમાં પણ કૉમ્પિટિશન માટે જતો હોય છે. અમારી લેનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થતા રહેતા હોય છે જેમાં તે વિવિધ ટૅલન્ટ હન્ટમાં પણ ભાગ લે છે અને વિજેતા બને છે.’


