Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૮૯ વર્ષના આ મુનિએ તો કમાલ કરી

૮૯ વર્ષના આ મુનિએ તો કમાલ કરી

09 May, 2024 08:27 AM IST | Mumbai
Alpa Nirmal

ગોરેગામમાં ગઈ કાલે જિનેન્દ્ર વલ્લભવિજય મહારાજસાહેબનું વર્ધમાન તપની ૧૦૦મી ઓળીનું પારણું રંગેચંગે થયું હતું : ૬૮ વર્ષની જૈફ વયે દીક્ષા લેનાર આ સાધુ મહાત્માએ ૩૩૪૧ સળંગ આયંબિલ કર્યાં છે : તપસ્વી મુનિની અનુમોદનાર્થે ૭૨૫ જૈનોએ એકદિવસીય આયંબિલ કર્યું

જિનેન્દ્ર વલ્લભવિજય મહારાજસાહેબ.

જિનેન્દ્ર વલ્લભવિજય મહારાજસાહેબ.


જૈન ધર્મમાં આયંબિલનું તપ મહામંગલકારી ગણાય છે. સ્વાદનું મમત્વ અને રસનેન્દ્રિયને કન્ટ્રોલ કરવા માટે થતા આયંબિલમાં દિવસમાં એક વખત તેલ, ઘી, મસાલા, લીલોતરી, દહીં-છાશ વગર ફક્ત મીઠું નાખેલાં કઠોળ અને ધાનમાંથી બનેલો ખોરાક જ વાપરવાનો હોય છે. એમાંય આવા આયંબિલથી વર્ધમાન તપની ઓળી કરવાનું અતિમહત્ત્વનું ગણાય છે. વર્ધમાન તપની ઓળીમાં ૧ આયંબિલ ૧ ઉપવાસ, બે આયંબિલ ૧ ઉપવાસ, ૩ આયંબિલ ૧ ઉપવાસ - ઇન શૉર્ટ જેટલામી ઓળી હોય એટલાં આયંબિલ કર્યા બાદ ૧ ઉપવાસ કર્યા પછી એ ઓળી પૂર્ણ થઈ ગણાય. આવી એકથી પાંચ ઓળી સળંગ કર્યાને પાયો કહેવાય છે અને એ પછી તપસ્વી ક્રમ અનુસાર આગળ વધીને ૧૦૦ ઓળી પૂર્ણ કરે છે. અનેક જૈન ભાઈ-બહેનો આ તપ કરે છે અને સાથે સેંકડો સાધુ-સાધ્વી પણ વર્ધમાન તપમાં જોડાઈને આયંબિલની ૧૦૦ ઓળી કરે છે.

જોકે ગોરેગામ-વેસ્ટના જવાહરનગરમાં ગઈ કાલે થયેલું મુનિ જિનેન્દ્ર વલ્લભવિજય મહારાજની ૧૦૦મી ઓળીનું પારણું જૈન ધર્મના પ્રસિદ્ધ ઇતિહાસની વિરલ ઘટના છે, કારણ કે આ ૮૯ વર્ષના મુનિરાજે ૬૮ વર્ષે દીક્ષા લીધી અને એ પછી તેમણે વર્ધમાન તપનો પાયો નાખ્યો અને આટલી જૈફ વયે ૨૦ વર્ષના સમયગાળામાં ૧૦૦ ઓળી પૂર્ણ કરીને કમાલ કરી છે. નાની વયે કે યુવાન વયે આ તપનાં મંડાણ કરી ૪૦-૫૦ વર્ષની વયે ઓળીની સેન્ચુરી કરનારાં શ્રમણ-શ્રમણી ભગવંતો અને શ્રાવક-શ્રાવિકા અનુમોદનાને પાત્ર છે, પણ આયુષ્યના સાતમા દાયકામાં જ્યારે શરીર ખખડી ગયું હોય ત્યારે આવાં કઠિન તપ શરૂ કરી નવમા દાયકામાં સમાપ્ત કરનારા જિનેન્દ્ર વલ્લભવિજય મહારાજની વાત અદ્વિતીય અને અનોખી છે.



તપસ્વીમુનિના ગુરુમહારાજ આચાર્ય મુક્તિવલ્લભ સૂરિ મહારાજસાહેબ ‘મિડ-ડે’ને કહે છે, ‘સાધુ માટે આયંબિલનાં તપ વધુ અઘરાં હોય છે. શહેરમાં તો આયંબિલ શાળાની સુવિધા હોય એટલે હોજરીને અનુકૂળ ભોજન મળી રહે, પરંતુ વિહાર દરમ્યાન નાનાં ગામમાં બાફેલી દાળ, રોટલા-રોટલી, ભાત સિવાય બીજી કોઈ સામગ્રી ન મળે. વળી વિહાર (પગપાળા ચાલવાનું) ચાલુ હોય. ઠંડી-ગરમીનો પરિસહ, તો ક્યારેક તબિયત પણ સારી ન હોય અને એમાંય શરીરને મોટી ઉંમરે આયંબિલની પ્રૅક્ટિસ પડી હોય એ સમયે દીર્ઘકાળ માટે આ તપ ચાલુ રાખવાં બહુ હિંમતની વાત છે, પરંતુ જિનેન્દ્ર વલ્લભવિજયે ખૂબ ક્ષમતા રાખી અને પ્રસન્ન ભાવે આ તપ કર્યાં છે. આ દરમ્યાન મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યમાં વિહાર ઉપરાંત શત્રુંજય અને ગિરનારની અનેક પગપાળા જાત્રાઓ કરવાની સાથે તેમણે ફક્ત ૨૦ વર્ષમાં આ તપ પૂરાં કર્યાં છે. ૪ વર્ષ પહેલાં તેમણે સળંગ ૩૩૪૧ આયંબિલ કર્યાં હતાં, પરંતુ એ દરમ્યાન એમાં તેઓ કોવિડ-પૉઝિટિવ થતાં પારણું કરવું પડ્યું. એ જ રીતે થોડા સમય પહેલાં શ્વાસની બીમારી થતાં ખારની હિન્દુજા હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા અને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઍડ‍્મિટ હતા છતાં આયંબિલ ન છોડવા મક્કમ રહ્યા અને ઓળી કન્ટિન્યુ કરી.’


ગઈ કાલે જિનેન્દ્ર વલ્લભવિજય મહારાજસાહેબનું પારણું થયું હતું. આ અવસરે તેમના ગુરુમહારાજ આચાર્ય મુક્તિવલ્લભસૂરિ મહારાજસાહેબ (વચ્ચે) બિરાજમાન હતા.

જિનેન્દ્ર વલ્લભવિજય મહારાજની મક્કમતાનો બીજો દાખલો આપતાં તેમના સંસારી દીકરા રાકેશ દોશી ‘મિડ-ડે’ને કહે છે, ‘પપ્પા જશવંતભાઈ ઑટોમોબાઇલ સ્પેર-પાર્ટ્સના પર્ચેઝ ઑફિસર તરીકે કાર્યરત હતા. કામકાજ અર્થે તેઓ દિવસની ૧૫-૨૦ કટિંગ ચા પી જતા. હા, દર ચૌદસે આયંબિલ કરતા, પણ વ્યસ્ત જીવનને કારણે તેમણે બીજી લાંબી તપસ્યા નહોતી કરી. સાંસારિક જવાબદારી પૂર્ણ થતાં ૬૮ વર્ષની ઉંમરે તેઓ ઉપધાન કરવા ગયા. ઘરમાં પહેલેથી ધાર્મિક વાતાવરણ. મારા દાદાએ પણ ૫૭ વર્ષે દીક્ષા લીધી હતી એટલે ધર્મની રુચિ ખરી. એટલે ઉપધાનમાં તેમને આનંદ આવતો, પરંતુ એમાં તેમને સખત ડીહાઇડ્રેશન થઈ ગયું. દિવસમાં ૨૧ ઇન્ટ્રાવીનસ (IV) ચડાવવી પડતી. અમે અને ગુરુમહારાજે ઉપધાન પાળી ઘરે પાછા આવવાનું કહ્યું, પણ તેઓ મક્કમ રહ્યા અને અમને કહી દીધું કે મરણ થાય તો ભલે આ જ વેશમાં થાય અને જો જીવી જઈશ તો તરત દીક્ષા લઈશ. ઉપધાન બાદ તેમણે ૪ મહિનામાં જ દીક્ષા લઈ લીધી.’
આ તપસ્વી મુનિરાજની ૧૦૦મી ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે મંગળવારે મુંબઈમાં ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર ૩૪ શ્રાવક-શ્રાવિકાનું બહુમાન કરવામાં આવ્યું હતું તેમ જ વયસ્ક મુનિ આ જ સંઘના હોવાથી આ સંઘના ૭૨૫ ભાવિકોએ મંગળવારે જિનેન્દ્ર વલ્લભવિજયના તપની અનુમોદનાર્થે આયંબિલ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 08:27 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK