Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ બીએમસીની ચૂંટણીનું કાઉન્ટડાઉન?

મુંબઈ બીએમસીની ચૂંટણીનું કાઉન્ટડાઉન?

22 January, 2023 08:20 AM IST | Mumbai
Prakash Bambhrolia

૩૦ જાન્યુઆરીએ શિવસેનાના સત્તાસંઘર્ષનો ફેંસલો છે ત્યારે બીજેપી અને એમએનએસએ ઉદ્ધવ ઠાકરે જૂથને ઘેરવાની શરૂઆત કરી

મુંબઈ બીએમસીની ચૂંટણીનું કાઉન્ટડાઉન?

મુંબઈ બીએમસીની ચૂંટણીનું કાઉન્ટડાઉન?


મુંબઈ : શિવસેનામાં સાત મહિનાથી ચાલી રહેલા સત્તાસંઘર્ષનો નિર્ણય ૩૦ જાન્યુઆરીએ આવવાની શક્યતા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બીકેસીમાં આયોજિત જાહેર સભામાં મુંબઈ બીએમસીને ભ્રષ્ટાચારમુક્ત કરવા માટે અપીલ કરીને એક રીતે ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું હતું. આથી હવે મુંબઈ બીએમસીની ચૂંટણી માટે બીજેપી અને બીજા પક્ષોએ પચીસ વર્ષથી સત્તામાં રહેલી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને પડકારવા માટે કમર કસી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

કેન્દ્રીય ચૂંટણી પંચમાં શિવસેના હસ્તગત કરવા માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે ચાલી રહેલી લડતની સુનાવણીમાં શુક્રવારે બંને પક્ષના વકીલોએ પોતાના પક્ષ મૂકી દીધા હતા. સાડાચાર કલાક સુધી સુનાવણી થયા બાદ સોમવારે એટલે કે આવતી કાલે બંને જૂથને લેખિતમાં જવાબ નોંધાવવાના નિર્દેશ કરવાની સાથે આ બાબતે આખરી ફેંસલો ૩૦ જાન્યુઆરીએ આપવાનો સંકેત ચૂંટણી પંચે આપી દીધો હતો. આથી આ મહિનાના અંત સુધીમાં શિવસેનાના સત્તાસંઘર્ષની સાત મહિનાથી ચાલતી લડતનો અંત આવી જવાની શક્યતા છે. આથી આવતા મહિને મુંબઈ બીએમસીની ચૂંટણી જાહેર થઈ શકે છે. જોકે વૉર્ડ ૨૨૭ રહેશે કે ૨૩૬ એ વિશેની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં ૧૪ ફેબ્રુઆરીથી એની રેગ્યુલર સુનાવણી હાથ ધરાવાની છે એટલે એનો પણ ઝડપથી નિકાલ આવવાની શક્યતા છે.ઉદ્ધવ સેનાને ઘેરવાની શરૂઆત


આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ બીજેપીએ મુંબઈ બીએમસીમાં વિજય મેળવવા માટે રણનીતિ તૈયાર કરીને કાર્યક્રમ શરૂ કર્યો હોવાનું મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું. બીજી તરફ એમએનએસે કોરોના સમયમાં બીએમસીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ કર્યો છે અને આવતી કાલે આ બાબતના પુરાવા ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)ને સોંપવામાં આવશે એમ પ્રવક્તા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું. બીજેપી દ્વારા હિન્દીભાષીઓને પોતાની તરફ કરવાના પ્રયાસ અને બીજી બાજુ મરાઠી મતદારોમાં ફૂટ પાડવાની નીતિથી મુંબઈ બીએમસીમાં છેલ્લાં પચીસ વર્ષથી સત્તામાં રહેલી ઉદ્ધવ ઠાકરે સેના જૂથને ચારે તરફથી ઘેરવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે.

રણનીતિ નક્કી, કાર્યક્રમ શરૂ થયો


મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારને મુંબઈ બીએમસીની જવાબદાર સોંપવામાં આવી છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘મુંબઈની રણનીતિ નક્કી થઈ ગઈ છે અને કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે. જેમને વિશેષ જવાબદારી આપવામાં આવી છે તે લોકોને ધીમે-ધીમે સમજાશે. મુંબઈ બીએમસીની ચૂંટણીમાં બીજેપી અને એકનાથ શિંદે જૂથની બાળાસાહેબાંચી શિવસેના વિજયી થશે અને જનતાની સેવા કરશે. આ ટ્રિપલ એન્જિન હશે. ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજની જયંતીની ઉજવણી સરકારી સ્તરે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ સુધી જેઓ નિર્ણય લેવાથી દૂર ભાગતા હતા તેમણે હવે આનો જવાબ આપવો પડશે. ઉદ્ધવ ઠાકરેને મારો સવાલ છે કે તેમણે ઍરપોર્ટનું નામ બદલ્યું નહીં અને એ માટે કોઈ પ્રયાસ પણ કેમ નહોતા કર્યો?’

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હું મોદીનો માણસ છું એવું દાવોસમાં વિદેશી નેતાઓને કહેવા બદલ વિરોધીઓ ટીકા કરી રહ્યા છે એ વિશે આશિષ શેલારે કહ્યું હતું કે ‘હું નરેન્દ્ર મોદીનો માણસ છું એવું ઉદ્ધવ ઠાકરેએ ૨૦૧૯માં કહ્યું હતું. આથી જો તેમના જૂથના નેતાઓ એકનાથ શિંદેના કહેવા બાબતના વિડિયો બતાવી રહ્યા છે તો ૨૦૧૯માં શિવસેનાના નેતાઓનાં આવાં એક ડઝન નિવેદન મારી પાસે છે. વિરોધીઓને વડા પ્રધાનની સભાથી ડર લાગી રહ્યો છે. બીજેપીએ વડા પ્રધાનની સભાનું આયોજન મુંબઈ બીએમસીની ચૂંટણી જીતવા માટે કર્યું હોવાનો આરોપ તેઓ કરી રહ્યા છે તો તેમને કહેવા માગું છું કે તેમની વાત હું નકારતો નથી, કારણ કે ચૂંટણીમાં વિજય મેળવવા માટે જ અમે જાહેર સભા કરીએ છીએ.’

એમએનએસ બીએમસીનો ભ્રષ્ટાચાર જાહેર કરશે

કોરોના મહામારીમાં મુંબઈ બીએમસીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આરોપ બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કર્યા બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ પણ ગઈ કાલે ગોટાળો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. સંદીપ દેશપાંડેએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું ઑફિસમાં નહોતો ત્યારે એક વ્યક્તિ કેટલાક ડૉક્યુમેન્ટ્સ અને પેન ડ્રાઇવ આપી ગઈ હતી. આ પેન ડ્રાઇવ ચકાસતાં એમાં કોરોની મહામારી વખતે મુંબઈ બીએમસીમાં કરવામાં આવેલા ગોટાળાના પુરાવા જોવા મળ્યા છે. મુંબઈકરોની લૂંટ કોણે અને કેવી રીતે કરી છે એની માહિતી અને બૅન્ક-અકાઉન્ટના પુરાવા પેન ડ્રાઇવમાં છે જે સોમવારે હું જાહેર કરીશ. બાદમાં ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)માં સુપરત કરીશ.’

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2023 08:20 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK