પેમેન્ટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ધ ટ્રેઝરી વૉલેટનો ઉપયોગ થયો હતો
ફાઇલ તસવીર
ગોરેગામના નેસ્કો સેન્ટરમાં ગયા મહિને એક મ્યુઝિક-ઇવેન્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી થયેલાં બે મોતના કેસમાં ઇન્ટરનૅશનલ રૅકેટની લિન્ક ખૂલી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય સપ્લાયર મહેશ ખેમલાણીએ યુરોપથી એક્સ્ટસીની ૪૦૦૦ ગોળીઓ ખરીદી હતી અને એનું પેમેન્ટ કરવા યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ધ ટ્રેઝરી (USDT) વૉલેટનો ઉપયોગ કર્યો હતો.
મહેશ ખેમલાણી ઉર્ફે માર્કને બુધવારે બોરીવલીની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૧૦ મે સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેણે યુરોપમાં રહેતા એક મિત્ર પાસેથી એક્સ્ટસીની ગોળીઓ મેળવવા બે વાર ડ્રગ્સનો ઑર્ડર આપ્યો હતો. ઉલ્હાસનગરમાં રહેતા સહઆરોપી આયુષ સાહિત્યના મિત્રના સરનામે કુરિયર મોકલ્યાં હોવાનું માનવામાં આવે છે. પહેલાં કન્સાઇનમેન્ટમાં ૩૦૦૦ ગોળીઓ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ બીજામાં ૧૦૦૦ ગોળીઓ મોકલવામાં આવી હતી, જેનાથી કુલ ૪૦૦૦ ગોળીઓ એ જ સરનામે પહોંચાડવામાં આવી હતી. આ વ્યવહારો USDT વૉલેટનો ઉપયોગ કરીને વિદેશી ચલણમાં કરવામાં આવ્યા હતા.
