વીઝા ઑન અરાઇવલ મેળવવા પડશે અને એ પણ ૧૫ દિવસ માટેના જ હશે
પ્રતીકાત્મક તસવીર
થાઇલૅન્ડે ૯૦થી વધુ દેશો માટે ૬૦ દિવસની વીઝા-ફ્રી એન્ટ્રી પૉલિસી ખતમ કરી દીધી છે. એમાં ભારત પણ સામેલ છે. હવે ભારતીયોએ વીઝા ઑન અરાઇવલ અથવા તો E-visa લેવા પડશે. આ નવા નિયમ અંતર્ગત ભારતીયો માત્ર ૧૫ દિવસ માટે જ થાઇલૅન્ડમાં રહી શકશે. E-visa માટે લગભગ ૫૮૦૦ રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. આને કારણે ઓછા બજેટમાં બૅન્ગકૉકની ટ્રિપ પ્લાન કરનારાઓનાં ખિસ્સાં પર અસર પડશે.
થાઇલૅન્ડે આ નવો નિયમ ગેરકાનૂની કારોબાર, વીઝા ઓવર-સ્ટે અને પર્યટકોની ગેરકાનૂની હરકતોને રોકવા માટે લીધો છે. થાઇલૅન્ડ સરકારે કહ્યું હતું કે હવે અન્ય દેશોના નાગરિકોના પ્રવેશ માટેના નિયમો ફરીથી બે દેશો વચ્ચેના દ્વિપક્ષીય સમજણના આધારે લાગુ થશે અને અલગ-અલગ દેશોના પાસપોર્ટ મુજબ અવધિ નક્કી થશે. ભારતને સંભવતઃ ૩૦ દિવસની વીઝા-ફ્રી એન્ટ્રી મળે એવી સંભાવના છે.
