રાજસ્થાનના ૨૦૬ રનના ટાર્ગેટ સામે ૧૭૫ રન કરીને ૩૦ રને હાર્યું મુંબઈ, રાજસ્થાન માટે સંકટમોચક બન્યો ઑલરાઉન્ડર જોફ્રા આર્ચર...
રાજસ્થાન માટે ૧૫ બૉલમાં ૩૨ રન કરનાર અને ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૩ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં બપોરની મૅચમાં રાજસ્થાન રૉયલ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ૩૦ રને જીત નોંધાવી હતી. રાજસ્થાને એક પણ વ્યક્તિગત ફિફ્ટી વગર ૮ વિકેટ ગુમાવીને ૨૦૫ રન કર્યા હતા. જવાબમાં મુંબઈ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૭૫ રન જ કરી શક્યું હતું. જોફ્રા આર્ચર મહત્ત્વપૂર્ણ સમયમાં બૅટ અને બૉલથી ધમાલ મચાવીને ‘કરો યા મરો’ મૅચનો હીરો બન્યો હતો.
મુંબઈ સામે ૩૩ મૅચની રાઇવરલીમાં રાજસ્થાને ૧૬-૧૬ જીત સાથે રેકૉર્ડ બરાબર કર્યો છે. બન્ને વચ્ચે ૨૦૦૯ની એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. કરો યા મરો મૅચ જીતીને રાજસ્થાન ૧૬ પૉઇન્ટ મેળવીને પ્લેઑફની અંતિમ ટીમ બની હતી. રાજસ્થાનની જીતને કારણે ૧૫ પૉઇન્ટ ધરાવતું પંજાબ પ્લેઑફની રેસમાંથી આઉટ થઈ ગયું હતું. સાંજની કલકત્તાની દિલ્હી સામેની મૅચ પ્લેઑફની દૃષ્ટિએ અર્થ વગરની થઈ ગઈ હતી.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર રાજસ્થાને પાવરપ્લેમાં ૫૪ રને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ધ્રુવ જુરેલે ત્રીજા ક્રમે રમીને ટીમ માટે ૨૬ બૉલમાં ૩ ફોર અને બે સિક્સ ફટકારીને ૩૮ રન કર્યા હતા. સાતમા ક્રમે રમનાર જોફ્રા આર્ચરે ૩ સિક્સ અને એક ફોરની મદદથી ૧૫ બૉલમાં ૩૨ રન ઝૂડ્યા હતા. મુંબઈ માટે દીપક ચાહર અને શાર્દૂલ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી. કોર્બિન બૉર્શ, એ. એમ. ગઝનફર અને વિલ જૅક્સને એક-એક સફળતા મળી હતી.
રન-ચેઝ દરમ્યાન મુંબઈએ ૫.૧ ઓવરમાં ૩૮ રનના સ્કોરે ૪ વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવે ૪૨ બૉલમાં ૩ ફોર અને ૪ સિક્સની મદદથી ૬૦ રન કરીને ટીમની સ્થિતિ સંભાળી હતી. વિલ જૅક્સે ૧૮ બૉલમાં ૩૩ રન અને હાર્દિક પંડ્યાએ ૧૫ બૉલમાં ૩૪ રનનું યોગદાન આપ્યું હતું.
રાજસ્થાન માટે જોફ્રા આર્ચરે ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૩ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે પોતાના સ્પેલની પહેલી બે ઓવરમાં રોહિત શર્મા અને નમન ધીરને તંબુભેગા કર્યા હતા. જ્યારે મુંબઈને જીતવા માટે પાંચ ઓવરમાં ૫૯ રનની જરૂર હતી ત્યારે તેણે હાર્દિક પંડ્યાની વિકેટ લઈને મુંબઈની રનની ગતિ ધીમી કરી દીધી હતી. નાદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશરાજ પુંજાએ બે-બે વિકેટ લીધી હતી.
19 IPLમાં સૌથી વધુ આટલી વખત ઝીરો પર આઉટ થવાના મામલે રોહિત શર્માએ ગ્લેન મૅક્સવેલની બરાબરી કરી.
4000 આટલા T20 રન મુંબઈ માટે કરનાર બીજો બૅટર બન્યો સૂર્યકુમાર યાદવ. રોહિત શર્માએ આ ટીમ માટે ૬૪૩૨ રન કર્યા છે.
