Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીમાં રેલવે-ટ્રૅકની નીચે દેશનો પ્રથમ ઑલ-વેધર સબવે બની રહ્યો છે

ભિવંડીમાં રેલવે-ટ્રૅકની નીચે દેશનો પ્રથમ ઑલ-વેધર સબવે બની રહ્યો છે

Published : 08 May, 2026 11:51 AM | Modified : 08 May, 2026 11:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગેરકાયદે પાટા ઓળંગતી વખતે થતા અકસ્માતો પર લાગશે લગામ- મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (MRVC) દ્વારા હાથ ધરવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ ચોમાસા પહેલાં પૂરો થવાની શક્યતા છે

 ભિવંડીમાં જુદી-જુદી ૭ રેલવેલાઇનની લોકલ, મેલ/ એક્સપ્રેસ અને માલગાડી પસાર થતી હોવાથી પાઇલટ પ્રોજેક્ટ માટે ભિવંડીને પસંદ કર્યું છે.

ભિવંડીમાં જુદી-જુદી ૭ રેલવેલાઇનની લોકલ, મેલ/ એક્સપ્રેસ અને માલગાડી પસાર થતી હોવાથી પાઇલટ પ્રોજેક્ટ માટે ભિવંડીને પસંદ કર્યું છે.


રેલવેના પાટા ઓળંગતી વખતે થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે મહારાષ્ટ્રના ભિવંડીમાં એક મહત્ત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ભિવંડીમાં દેશનો પ્રથમ ઑલ-વેધર એટલે કે તમામ ઋતુમાં ઉપયોગી થાય એવો સબવે તૈયાર કરવામાં આવ્યો છે. આધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ આ સબવે ખાસ કરીને ચોમાસા દરમ્યાન ભરાતા પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેથી ભારે વરસાદમાં પણ લોકો સલામત રીતે અવરજવર કરી શકશે.

મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (MRVC) દ્વારા હાથ ધરવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ ચોમાસા પહેલાં પૂરો થવાની શક્યતા છે. રેલવેના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં લોકો શૉર્ટકટ લેવા માટે ગેરકાયદે રીતે પાટા ઓળંગતા હતા, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે એટલે જોખમી ટ્રેસપાસિંગ રોકવા માટે આ સબવે ગેમ-ચેન્જર સાબિત થશે.



એક દાયકામાં ૧૪,૧૭૫ લોકોએ રેલવે ટ્રૅક ક્રૉસ કરવામાં જીવ ગુમાવ્યો


રેલવે-ડેટા દર્શાવે છે કે ૨૦૧૫થી મે ૨૦૨૫ વચ્ચે ટ્રૅક પર નોંધાયેલાં ૨૬,૫૪૭ મૃત્યુમાંથી લગભગ ૧૪,૧૭૫ લોકોએ રેલવેલાઇન ક્રૉસ કરતી વખતે જીવ ગુમાવ્યો છે. આવા સબવે અકસ્માતોની સંખ્યા ઘટાડશે.

ઑલ-વેધર સબવેની વિશેષતા 


આ સબવે રેલવે-ટ્રૅકથી લગભગ ૪ મીટર નીચે બનાવવામાં આવી રહ્યો છે. 
 ખાસ કરીને ભારે વરસાદ દરમ્યાન પણ પાણી ન ભરાય એ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
 ભિવંડી પ્રોજેક્ટમાં ૩ લેવલની વૉટરપ્રૂફિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
 બૉક્સ સેગમેન્ટ્સના સાંધા પર રબર ગાસ્કેટ લગાવવામાં આવશે.
 વરસાદના પાણીને અંદર પ્રવેશતાં અટકાવવા માટે એન્ટ્રી અને એક્ઝિટ રૅમ્પ 
૬૦ સેન્ટિમીટર ઊંચા કરવામાં આવ્યા છે.
 ૬૮ મીટર લાંબા સબવેની ઊંચાઈ ૨.૫ મીટર હશે એટલે રાહદારીઓ તેમ જ ટૂ-વ્હીલર પસાર થઈ શકશે.
 રિક્ષા અને ફોર-વ્હીલરને એન્ટ્રી મળશે નહીં.

૬ કલાકના બ્લૉકમાં ઍરપોર્ટના રનવે અને મેઇન્ટેનન્સનું કામ પૂરું થયું

મુંબઈ ઍરપોર્ટ પર રનવેના મેઇન્ટેનન્સનું કામ ગઈ કાલે હાથ ધરવામાં આવ્યું હતું. સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધીના ૬ કલાક માટે હાથ ધરવામાં આવેલા કામમાં રનવે 09/27 અને રનવે 14/32નું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઍરલાઇન્સને ફ્લાઇટ-શેડ્યુલ બદલવાનો અગાઉથી જ નિર્દેશ આપવામાં આવ્યો હતો. દરરોજ ૯૫૦થી વધુ ઍર ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)ને હૅન્ડલ કરતા ઍરપોર્ટ પર પેવમેન્ટ, ઍર‌ફીલ્ડ ગ્રાઉન્ડ લાઇટિંગ સિસ્ટમ્સ અને સબ-સ્ટેશનમાં ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સની તપાસ તથા ડ્રેનેજની સફાઈ પણ કરવામાં આવી હતી. ટેક્નિકલ ટીમોએ રનવે ઇન્ટરસેક્શન, ૩૦૦૦થી વધુ રનવે લાઇટ્સ અને લાઇટિંગ, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને નેવિગેશનલ સિસ્ટમ્સને સપોર્ટ કરતા મહત્ત્વના કેબલ નેટવર્ક્સનું પણ નિરીક્ષણ કર્યું હતું. કામગીરી પૂર્ણ થતાં ઍરપોર્ટના બન્ને મુખ્ય રનવે રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા હતા. તસવીર : સૈયદ સમીર અબેદી

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK