દર્શન સોલંકીને અરમાન ખત્રીએ આવું કહ્યું હોવાનું આ કેસના વિટનેસે કહ્યું હોવાથી એનો ગઈ કાલે દાખલ કરેલી ચાર્જશીટમાં પોલીસે કર્યો ઉલ્લેખ
ફાઇલ તસવીર
આઇઆઇટી પવઈમાં ૧૨ ફેબ્રુઆરીએ સુસાઇડ કરનાર દર્શન સોલંકી અપમૃત્યુ કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગઈ કાલે કેસની ૪૮૩ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી હતી. કુલ પંચાવન જણનાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યાં છે જેમાં સાત સ્ટુડન્ટ્સ છે.
આ કેસમાં પવઈ પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી. ત્યાર બાદ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવાઈ હતી જેને દર્શને લખેલી નાની નોટ મળી હતી. એના આધારે આ કેસના આરોપી અને તેના ક્લાસમેટ અરમાન ખત્રીની ધરપકડ કરાઈ હતી. અરમાને આપેલી ધમકીથી ડરી જઈને તેણે આત્મહત્યા કરી હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હોવાનું ચાર્જશીટમાં જણાવાયું છે.
ADVERTISEMENT
ચાર્જશીટમાં જણાવાયું છે કે દર્શન અને અરમાન વચ્ચે થયેલી ચૅટમાં એવું જણાય છે કે દર્શને અરમાનની જાતિવાચક કમેન્ટ કરી હતી અને એ પછી તે તેની માફી માગી રહ્યો હતો. એ પછી અરમાને દર્શનને ૯ ફેબ્રુઆરીએ ધમકાવ્યો હતો. એ વખતે તેમની સાથે હાજર રહેલા વિટનેસે કહ્યું હતું કે ‘અરમાન દર્શનને ધમકાવી રહ્યો હતો ત્યારે દર્શન ગભરાઈને ધ્રૂજી રહ્યો હતો. તેમની સાથે ઊભા રહેલા બીજા ક્લાસમેટ્સ અરમાનને ઠંડો પાડી રહ્યા હતા.’
અન્ય વિટનેસે એમ પણ કહ્યું હતું કે તેણે દર્શનને બીજા સ્ટુડન્ટને એમ કહેતો સાંભળ્યો હતો કે અરમાન બહૂત પહૂંચા હુઆ આદમી હૈ, વો મેરે કો માર દેગા, મેરે કો છોડેગા નહીં.
દર્શને એક જણને એમ પણ કહ્યું હતું કે હું મુંબઈ છોડી રહ્યો છું. તો અરમાને તેને કહ્યું હતું કે ‘તૂ બૉમ્બે છોડ કે જા કે દિખા, મૈં ઉધર ભી પહૂંચ જાઉંગા.’
ચાર્જશીટમાં પોલીસે કહ્યું છે કે ‘આના કારણે દર્શન બહુ જ ડરી ગયો હતો. તેને ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીએ તાવ પણ આવી ગયો હતો. તેના રૂમમેટે તેને બ્લૅન્કેટ પણ આપ્યું હતું. એવું લાગી રહ્યું છે કે એ પછી તેણે ક્વેશ્ચન પેપર પાછળ નોટ લખી અને પછી હૉસ્ટેલના બિલ્ડિંગના સાતમા માળેથી ઝંપલાવી દીધું હોઈ શકે.’
પોલીસને દર્શન અને સામ રાજપૂત વચ્ચેની ચૅટ પણ મળી છે જેમાં દર્શને કહ્યું છે કે ‘મૈં બહૂત બડી સમસ્યા મેં હૂં. મેરે ઘર મેં મેરી દાદી કા સ્વભાવ બિલકુલ અચ્છા નહીં. ઇસ લિયે મૈંને જાનબૂઝ કર ઘર સે દૂર કી કૉલેજ મેં ઍડ્મિશન લિયા હૈ. લેકિન મેરે સે પઢાઈ નહીં હોતી ઔર માર્ક્સ ભી નહીં આતા ઇસસે મૈં વાપસ ડિપ્રેશન મેં ચલા જાતા હૂં. સર, પ્લીઝ કુછ ઐસા ઉપાય બતાઓ જિસસે મેરા પઢાઈ મેં ઇન્ટ્રેસ્ટ આને લગે.’
ચાર્જશીટમાં એવું પણ કહેવાયું છે કે વિટનેસના જણાવ્યા મુજબ ૧૦ ફેબ્રુઆરીએ દર્શન અને અરમાન મળ્યા હતા. ત્યારે દર્શન અરમાનને ભેટ્યો હતો અને કહ્યું હતું કે તે અહીંથી જઈ રહ્યો છે. એ પછી એ બંને વૉશિંગ મશીન પાસે મળ્યા હતા અને તેમની વચ્ચે વાતચીત થઈ હતી. જ્યારે તેમને પૂછ્યું કે શું થયું તો તેમણે કંઈ કહ્યું નહોતું. જોકે અન્ય એક સ્ટુડન્ટે એ પછી કહ્યું હતું કે આગલા દિવસે એટલે કે ૯ ફેબ્રુઆરીએ અરમાને દર્શનને કટર બતાવ્યું હતું.
દર્શનના રૂમમેટે એમ કહ્યું છે કે ૧૦ ફેબ્રુઆરીએ દર્શને તેને અરમાનને ફોન કરવા કહ્યું હતું અને ત્યારે તે બહુ ડરેલો હતો. એ દિવસે દર્શન અરમાનને મળ્યો હતો અને કહ્યું હતું કે તે મુંબઈ છોડીને જઈ રહ્યો છે. ૧૧ ફેબ્રુઆરીએ તેણે જોયું કે અરમાન અને દર્શન બંને વાત કરી રહ્યા હતા અને અરમાન રડી રહ્યો હતો. જ્યારે તેમને પૂછ્યું કે શું થયું ત્યારે બંને ત્યાંથી નીકળી ગયા હતા.
દર્શને ૯ ફેબ્રુઆરીએ એક્ઝામ આપવા જઈ રહેલા અરમાનને પૂછ્યું હતું કે તેં બૅગમાં શું લીધું? તો અરમાને કહ્યું હતું કે પેન, બુક અને કટર. જ્યારે દર્શને પૂછ્યું કે કટર શા માટે? તો અરમાને તેને કહ્યું હતું કે ‘યાદ કર પુરાના સ્ટોરીમાં ક્યા બોલા થા? કિસી કો નિપટાના હૈ.’
એસઆઇટીએ આઇઆઇટીની ઇન્ટરનલ કમિટી દ્વારા કરાયેલી તપાસના અહેવાલનો પણ ચાર્જશીટમાં સમાવેશ કર્યો છે.

