વેપારીઓના પ્રતિનિધિ અને કૉન્ફેડરેશન આૅફ આૅલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે સંસદસભ્ય તરીકે લીધેલી મુંબઈની પ્રથમ મુલાકાતમાં આપ્યું આશ્વાસન
પ્રવીણ ખંડેલવાલને મેમેન્ટો આપતા ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના પદાધિકારીઓ
લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના ચાંદનીચોક વિસ્તારમાંથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલા વેપારીઓના પ્રતિનિધિ અને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ સમક્ષ મુંબઈની ૧૨૫ વર્ષ જૂની વ્યાપારી સંસ્થા ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA) તરફથી વેપારીઓને થઈ રહેલી તકલીફોની ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતા નિઃશુલ્ક અનાજ વિતરણની અવેજીમાં ડાયરેક્ટ બૅન્કમાં સબસિડી આપવી, સ્ટૉક લિમિટની સમસ્યા, ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા પાડવામાં આવતી રેઇડ, સરકારી વિભાગોની કનડગત, એપીએમસી માર્કેટના ઇન્ટરનૅશનલ માર્કેટના દરજજાનું પુનઃ બાંધકામ, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) જેવી અનેક તકલીફોની આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વેપારીઓએ પ્રવીણ ખંડેલવાલને કહ્યું હતું કે તેઓ વેપારીઓના પ્રથમ પ્રતિનિધિ તરીકે વેપારીઓની સમસ્યાઓને કેન્દ્રમાં રજૂ કરીને વેપારીઓને ન્યાય અપાવવા માટે બુલંદ અવાજ ઉઠાવે.
પ્રવીણ ખંડેલવાલે GROMAના વેપારીઓને આશ્વાસન આપતાં કહ્યું હતું કે હું વેપારીઓની સર્વે સમસ્યાઓ બાબતે વહેલી તકે ઉકેલ લાવીશ અને વેપારીના અવાજને સંસદભવન સુધી ચોક્કસ પહોંચાડીશ.
પ્રવીણ ખંડેલવાલે શનિવારે બપોરે બે વાગ્યે GROMAની નવી મુંબઈ ઑફિસની મુલાકાત લીધી હતી. લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ પ્રવીણ ખંડેલવાલ પહેલી વાર GROMAની સંસ્થામાં પધાર્યા હોવાથી તેમનું વેપારીઓ તરફથી શાલ, પુષ્પગુચ્છ અને મેમેન્ટો આપીને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ બાબતે માહિતી આપતાં GROMAના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજ દિવસ સુધી વેપારીઓ તરફથી સરકારને તન, મન અને ધનથી સહયોગ કરવામાં આવે છે છતાં વેપારીઓની કોઈ રજૂઆત સરકાર સુધી પહોંચતી નહોતી. સરકાર તરફથી લેવામાં આવેલા સમગ્ર નિર્ણયો વેપારીઓ પર રીતસર થોપવામાં આવતા રહ્યા છે, પરંતુ હવે અમારા પ્રતિનિધિ તરીકે પ્રવીણ ખંડેલવાલ વેપારીઓના અવાજને દિલ્હીના સંસદભવનમાં વાચા આપશે જેથી વેપારીઓની સમસ્યા હળવી થવાની હવે આશા જન્મી છે.’


