વનરાઈ પોલીસે જણાવ્યા મુજબ કાર રોકાઈ ગયા બાદ એમાં બેસેલા ટીનેજરોને પણ ઈજા થતાં તેમને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલે વહેલી સવારે ગોરેગામ-ઈસ્ટમાં આવેલા આરે કૉલોનીમાં રૉન્ગ સાઇડમાં જઈ રહેલી કારે એક ટૂ-વ્હીલરને ઉડાડી દીધી હતી. કાર બાદમાં રસ્તાના થાંભલા સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. કારની ટક્કર વાગતાં ટૂ-વ્હીલર પરથી પટકાતાં ૨૪ વર્ષના નવીન વૈષ્ણવ નામના યુવકનું મૃત્યુ થયું હતું. વનરાઈ પોલીસે જણાવ્યા મુજબ કાર રોકાઈ ગયા બાદ એમાં બેસેલા ટીનેજરોને પણ ઈજા થતાં તેમને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. જીવ ગુમાવનાર નવીન વૈષ્ણવના પરિવારજનોએ આરોપ કર્યો છે કે દારૂના નશામાં રૉન્ગ સાઇડમાં કાર ચલાવવામાં આવતાં આ ઍક્સિડન્ટ થયો છે. પોલીસે આ મામલામાં ત્રણ આરોપીની ધરપકડ કરીને તેમણે દારૂ પીધો હતો કે નહીં એ જાણવા તેમના લોહીનાં સૅમ્પલ લીધાં હતાં. આ ઘટના ગોરેગામ-ઈસ્ટમાં આવેલા રૉયલ પામ્સ ખાતેના બંગલામાં પાર્ટી કરીને આરોપી ટીનેજરો બેફામ ઝડપે જતા હતા ત્યારે બની હોવાનું તેમ જ કારમાં ચાર ટીનેજર કિશોર અને ત્રણ કિશોરીઓ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું.


