આ ડેડ-બૉડી કોની છે અને કોણે તેની હત્યા કરી છે એની તપાસ કરવા વિવિધ ટીમ બનાવવામાં આવી છે. એ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ કેસની જૉઇન્ટ તપાસ કરી રહી છે.
નાણિંબી ગામના ઝાડી વિસ્તારમાંથી મળેલી ડેડ-બૉડી નજીક પોલીસ-અધિકારીઓ.
અંબરનાથ-વેસ્ટના નાણિંબી ગામ નજીક આવેલા ઝાડી વિસ્તારમાંથી ગઈ કાલે સવારે એક પુરુષનો માથા વગરનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે કલ્યાણ ગ્રામીણ પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ડેડ-બૉડી પચીસથી ૨૭ વર્ષના યુવાનની હોય એવું જાણવા મળ્યું હતું. પ્રાથમિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર આ વ્યક્તિની હત્યા વહેલી સવારે થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ડેડ-બૉડી કોની છે અને કોણે તેની હત્યા કરી છે એની તપાસ કરવા વિવિધ ટીમ બનાવવામાં આવી છે. એ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ કેસની જૉઇન્ટ તપાસ કરી રહી છે.
કલ્યાણ ગ્રામીણ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે આઠ વાગ્યાની આસપાસ નાણિંબી ગામ નજીક રહેતા નાગરિકો ઝાડી વિસ્તારમાં મૉર્નિંગ-વૉક માટે ગયા હતા એ સમયે તેમને આ ડેડ-બૉડી નજરે પડી હતી. ત્યાર બાદ ઘટનાની જાણ અમને કરવામાં આવતાં અમારી ટીમે ઘટનાસ્થળે જઈને માથા વગરનો મૃતદેહ તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો, જેમાં મરનાર પુરુષની ઉંમર પચીસથી ૨૭ વર્ષ વચ્ચેની હોય એવું જાણવા મળ્યું હતું. મરનાર વ્યક્તિ પાસેથી તેની ઓળખના કોઈ પુરાવા મળ્યા નથી. આ એક પ્લાન્ડ હત્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે. આરોપીઓ વહેલી સવારે હત્યા કરીને ડેડ-બૉડીનું માથું અલગ કરીને નાસી ગયા હોવાનું સમજાયું હતું. આ કેસની તપાસ માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે.’


