Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Anniversary Special: કોવિડે સમજાવી દીધું સંયુક્ત કુટુંબનું સામર્થ્ય

Anniversary Special: કોવિડે સમજાવી દીધું સંયુક્ત કુટુંબનું સામર્થ્ય

26 February, 2022 01:13 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

૧૬ વર્ષથી પોતપોતાની ફૅમિલી સાથે રહેતા કાંદિવલીના દિવ્યેશ અને ભાવેશ જોશીને પૅન્ડેમિક દરમિયાન થયેલી હેરાનગતિ બાદ સંયુક્ત કુટુંબપ્રથાના ફાયદાઓ સમજાઈ ગયા.

જોશી પરિવાર

27 ચેન્જમેકર્સ

જોશી પરિવાર


૧૬ વર્ષથી પોતપોતાની ફૅમિલી સાથે રહેતા કાંદિવલીના દિવ્યેશ અને ભાવેશ જોશીને પૅન્ડેમિક દરમિયાન થયેલી હેરાનગતિ બાદ સંયુક્ત કુટુંબપ્રથાના ફાયદાઓ સમજાઈ ગયા. મા-બાપની સેવાચાકરી કરવા તેમ જ નવી જનરેશનમાં કુટુંબભાવના પેદા થાય એવા હેતુથી બન્ને ભાઈઓએ ફરી એક છત નીચે રહેવાનો નિર્ણય લઈને સમાજમાં ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે

કાંદિવલીમાં જુદા-જુદા ફ્લૅટમાં રહેતા ભાવેશ જોશી અને દિવ્યેશ જોશીના પરિવારમાં ગયા અઠવાડિયે સખત દોડધામ હતી. બન્નેનો પરિવાર નવા ઘરમાં શિફટ થવા માટે સામાન પૅક કરી રહ્યો હતો. લગભગ ૧૬ વર્ષ પછી ફરી એક છત નીચે રહેવાનો નિર્ણય લેનારા જોશી ફૅમિલીના આઠ સભ્યોના ચહેરા પર થોડી મૂંઝવણ અને ઘણી વધુ ખુશી છલકાઈ રહી હતી. આજે જ્યારે ભાઈ-ભાઈ વચ્ચે વેરઝેર વધતું જાય છે, સંયુક્ત કુટુંબવ્યવસ્થા તૂટતી જાય છે, મા-બાપને વારાફરતી દીકરાઓના ઘરે લાચારી સાથે રહેવું પડે છે અથવા ઘરડાઘરની વાટ પકડવી પડે એવો સમાજ વિકસી રહ્યો છે ત્યારે આ બે ભાઈઓએ વર્ષો પછી સંયુક્ત કુટુંબપ્રથાને સ્વીકારીને સમાજમાં ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. આ કઈ રીતે શક્ય બન્યું એની પ્રેરણાત્મક કહાણી જીવનમાં ઉતારવા જેવી છે. 
ટ્રિગર પૉઇન્ટ
પ્રાર્થનાથી પરિસ્થિતિ નથી બદલાતી પણ અભિગમ જરૂર બદલાય છે અને બદલાયેલો અભિગમ પરિસ્થિતિ જ નહીં, સમગ્ર જીવનને બદલી નાખે છે. મૂળ હિંમતનગર નજીક રાયગઢના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના મનહરલાલ જોશીની ફૅમિલીમાં પણ કંઈક આવા જ સંજોગો ઊભા થયા. કોરાનાકાળમાં તેમના બન્ને પુત્રોએ જે સમસ્યાઓ ફેસ કરી એને કારણે માઇન્ડસેટ ચેન્જ થયું અને જૉઇન્ટ ફૅમિલીનું મહત્ત્વ સમજાઈ ગયું. આ સંદર્ભે વાત કરતાં મનહરભાઈના નાના પુત્ર દિવ્યેશભાઈ કહે છે, ‘સંયુક્ત કુટુંબમાં રહેવાના ફાયદાઓથી આપણે સારી રીતે પરિચિત છીએ, પરંતુ મુસીબત ન આવે ત્યાં સુધી એની સાચી કિંમત સમજાતી નથી. ૨૦૧૮માં પપ્પાની તબિયત નરમગરમ રહેવા લાગી. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તેમની એક કિડની માત્ર છ ટકા જ કામ કરી રહી છે. ડૉક્ટરે અમને સમજાવ્યું કે એક કિડની સાથે પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. તેમની સલાહથી એક કિડની રિમૂવ કરવામાં આવી. પપ્પા માટે બન્નેની ફૅમિલીએ ઘણી દોડાદોડી કરી હતી. સાથે રહેતા હોઈએ તો સચવાઈ જાય એવો વિચાર અંદરખાને આવ્યો હતો, પણ મહામારીનો સામનો કર્યા બાદ આ વિચાર હકીકતમાં અમલમાં મૂક્યો.’
વાતનો દોર હાથમાં લેતાં મોટાં પુત્રવધૂ ભાવનાબહેન કહે છે, ‘પૅન્ડેમિકની ફર્સ્ટ વેવમાં મારા સસરાને કોવિડ થઈ ગયો. એક તો ચેપી રોગ અને ઘર નાનું એટલે ખાસ્સી હેરાનગતિ થઈ. હૉસ્પિટલમાંથી સાજા થઈને પપ્પા ઘરે આવી ગયા, પણ જગ્યાની સંકડાશને કારણે અગવડ ભોગવવી પડી. એક રૂમમાં મૅનેજ કરવું ડિફિકલ્ટ થતાં ટેમ્પરરી પિરિયડ માટે બાજુમાં ઘર ભાડે રાખવું પડ્યું. કોવિડ બાદ તબિયતમાં જોઈએ એવો સુધારો દેખાતો નહોતો. ઑક્સિજનનું લેવલ વારેઘડીએ ઓછું થઈ જતું હતું. આ દરમિયાન તેઓ ઘરમાં જ પડી જતાં હિપ જૉઇન્ટ્સ રિપ્લેસમેન્ટ સર્જરી પણ કરાવવી પડી. હાલમાં પપ્પા જાતે ચાલી શકે એવી સ્થિતિમાં નથી. તેમને હૅન્ડલ કરવા બે વ્યક્તિની સતત જરૂર પડે છે. આજે અમારો વારો, કાલે બીજાનો એમ ક્યાં સુધી ચાલે? એના કરતાં સાથે મળીને મા-બાપની સેવાચાકરી કરીએ તો? ઘણી અસમંજસ બાદ અમે ફાઇનલ ડિસિઝન લઈ લીધું. મલાડમાં મોટી જગ્યા લઈને ગયા અઠવાડિયે રહેવા આવી ગયા.’
ઘર સાંકડાં, મન મોટાં
પહેલાં સંયુક્ત પરિવાર હતો, પછી વિખૂટા પડ્યા અને હવે ફરી સાથે રહેવાનું નક્કી કર્યું. આ ઘટમાળને યાદ કરતાં ભાવેશભાઈ કહે છે, ‘અમારું બાળપણ ભુલેશ્વરની દાદીશેઠ અગિયારી લેનમાં આવેલા નાનકડા ઘરમાં વીત્યું છે. એ વખતે મારાં દાદીમા પણ હતાં. એકવીસમી સદીની શરૂઆત સુધી અમે બધા એક છત નીચે સાથે રહેતા હતા. મારાં લગ્ન થયાં એટલે અલગ રૂમની આવશ્યકતા ઊભી થઈ. ૪૨૫ સ્ક્વેર ફીટની સાંકડી જગ્યામાં પત્ની સાથે સાંસારિક જીવન શરૂ કર્યું. અઢી વર્ષ બાદ દિવ્યેશનાં લગ્ન થયાં. પછી અમે બેમાંથી ત્રણ થયા. પરિવાર વિસ્તરતાં સંકડામણ વધતી ગઈ. સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળ નિર્ણય લીધા વિના છૂટકો નહોતો. ૨૦૦૪માં દિવ્યેશ તેની ફૅમિલીને લઈને કાંદિવલી રહેવા ચાલ્યો ગયો. જુદા થવાનું કારણ નાનું ઘર હતું, મન તો બધાનાં મોટાં જ હતાં. દેરાણી-જેઠાણી વચ્ચે પણ સારો મનમેળ હતો. દિવ્યેશના બિલ્ડિંગમાં ફ્લૅટ ખાલી હોવાથી એક વર્ષ બાદ ભુલેશ્વરની જગ્યા વેચીને હું પણ કાંદિવલી આવી ગયો. જોકે અહીં પણ જગ્યા નાની હતી. વન રૂમ કિચનના ફ્લૅટમાં ગૅલરીના એરિયામાં બેડરૂમ બનાવ્યો હતો. મમ્મી-પપ્પા વર્ષમાં ત્રણેક મહિના હિંમતનગર રહે અને મુંબઈમાં હોય ત્યારે મન થાય તે દીકરાના ઘરે રહે. પાસે રહેતા હોવાથી સાજા-માંદા પડીએ ત્યારે એકબીજાના પડખે રહેતા અને નાના-મોટા પ્રસંગો સાથે મળીને ઊજવતા. આમ જુદા અને આમ જુઓ તો સાથે. દોઢ દાયકો આ રીતે સંસારની ગાડી ચાલતી રહી. જોકે કોરાનાએ અમને ફરી સાથે રહેવાની મોકળાશ કરી આપી. તમામ ફૅમિલી મેમ્બરોની ડિમાન્ડ અને ડિઝાયર લિમિટેડ છે એ મોટો પ્લસ પૉઇન્ટ બન્યો. સાથે રહેવાથી ઘરખર્ચમાં ઝાઝો ફરક નથી પડવાનો, પણ સમય ચોક્કસ સચવાઈ જશે.’ 
હું લગ્ન કરીને આવી ત્યારથી જેઠાણી સાથે સારી મિત્રતા બંધાઈ ગઈ હતી અને થોડો વખત અમે સાથે રહ્યાં, પણ ફૅમિલી મોટું થતાં જગ્યાના અભાવે જુદા રહેવા જવું પડ્યું એની વાત કરતાં નાનાં પુત્રવધૂ ફાલ્ગુનીબહેન કહે છે, ‘કહે છે કે ભગવાનની ઇચ્છા હોય તો ફરી મેળાપ થાય એવા સંજોગો બની જાય. મારાં જેઠાણીને અમારા જ બિલ્ડિંગમાં સેમ સ્ક્વેર ફીટની જગ્યા મળી ગઈ. ભગવાને પણ ભેદભાવ રાખ્યા વગર બન્નેને એકસરખી જગ્યા અપાવી. અમે જોડે રહીએ એવો કુદરતનો સંકેત હતો. મહામારીને કારણે અનેક પરિવારો વિખૂટા પડી ગયા, જ્યારે અમે ભેગા થયા.’
જૂના દિવસો પાછા આવ્યા
મનહરદાદા અને ધર્મિષ્ઠાદાદીની ખુશીનો પાર નથી. બન્ને ભાઈઓ પણ નવા ઘરમાં સેટ થઈ ગયા છે. ભાવેશભાઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને દિવ્યેશભાઈ કન્સ્ટ્રક્શન લાઇન સાથે સંકળાયેલા છે. વહુઓ ગૃહિણી છે. બન્ને ભાઈઓને ત્યાં એક-એક સંતાન છે. ભાઈ-બહેનની જોડી પણ અજોડ છે. બન્નેએ સીએનો અભ્યાસ કર્યો છે. અનાયાસ કહો કે ઈશ્વરકૃપા, ફૅ​મિલી જુદાં રહેતાં હતાં ત્યારે પણ સૌના જીવનમાં ઘણું સામ્ય રહ્યું છે. ભગવાનનો જેટલો પાડ માનું એટલો ઓછો છે કે વૃદ્ધાવસ્થામાં એણે સંતાનોના હાથે સરસ મજાની ગોઠવણ કરી આપી એવું હરખભેર જણાવતાં ધર્મિષ્ઠાબા કહે છે, ‘આજના જમાનામાં દીકરાઓ છૂટા પડવાની વાતો કરે છે, જ્યારે મારા દીકરાઓએ અમારી સુખ-સગવડ માટે સાથે રહેવાનો નિર્ણય લીધો. રસોડું એક થાય એનાથી વધુ સારી વાત કોઈ હોઈ જ ન શકે. મારા મોઢામાંથી આજ સુધી વહુ શબ્દ નથી નીકળ્યો. હું બન્નેને છોકરીઓ કહીને બોલાવું છું. તેઓ દીકરા કરતાં વિશેષ મને રાખે છે. વહુઓ વચ્ચે મનમેળ હોય ત્યારે જ આવા દિવસો જોવા મળે. અમે નસીબદાર મા-બાપ છીએ, કારણ કે અમારી સેવામાં ચાર-ચાર હાથ છે. પૌત્ર શિવાંગ અને પૌત્રી હર્ષિતા તો બા-દાદા બોલતાં થાકતાં નથી. બન્ને બાળકો વચ્ચે બહુ સંપ છે. પોતાનાં માતા-પિતાને જોઈને તેઓ સારી વાતો શીખશે. સંયુક્ત કુટુંબને કારણે નવી પેઢીમાં પણ કુટુંબભાવના ​ઊભી થશે. હું તો માનું છું કે દરેક વ્યક્તિએ આ વાત સમજવા જેવી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબ શ્રેષ્ઠ હોવાનું અમસ્તું નથી કહ્યું. સાથે રહેવાથી તકલીફો દૂર ભલે ન થાય, પણ લડવાની હિંમત વધી જાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2022 01:13 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK