° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


ઊંઘ ઊડી પણ મોડી

15 May, 2022 08:56 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં સરકારને લેટ થઈ ગયું, કારણ કે સરકાર પાસે ઘઉંનો જથ્થો પાંચ વર્ષને તળિયે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં સરકારને લેટ થઈ ગયું, કારણ કે સરકાર પાસે ઘઉંનો જથ્થો પાંચ વર્ષને તળિયે છે: ઘરઆંગણે ઘઉંના ભાવમાં વધારાને અંકુશમાં લેવાનાં પગલાંની સામે નવી મુંબઈના વેપારીઓનું કહેવું છે કે સરકારનો નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય આમ જનતા માટે યોગ્ય જ છે : જોકે આ નિર્ણયથી ખેડૂતવર્ગમાં નારાજગી ફેલાવાની મોટી શક્યતા છે

ઘરઆંગણે ઘઉંના ભાવમાં વધારાને અંકુશમાં લેવાનાં પગલાંના ભાગરૂપે ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર નિકાસ શિપમેન્ટ જેના માટે ગઈ કાલના નોટિફિકેશન પર અથવા એ પહેલાં ક્રેડિટ લેટર્સ જારી કરવામાં આવ્યા હોય એને જ મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર અન્ય દેશોની વિનંતીઓ પર નિકાસને મંજૂરી આપશે એમ ડિરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે. જોકે નવી મુંબઈની એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માર્કેટના હોલસેલ દાણાબજારના વેપારીઓ કહે છે કે સરકારનો નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય આમ જનતા માટે યોગ્ય જ છે, પણ સરકાર ખૂબ જ મોડી જાગી હોવાનું દેખાઈ આવે છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતવર્ગમાં નારાજગી ફેલાવાની બહુ મોટી શક્યતા છે. નિકાસને લીધે ખેડૂતોને ઘઉંના ભાવમાં છેલ્લા થોડા મહિનાઓમાં જબરો ભાવવધારો મળ્યો હતો. 

અચાનક નિકાસ પર પ્રતિબંધ કેમ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ભારત એના અનાજથી વિશ્વને ખવડાવી રહ્યું છે’ વિશે વાત કરી એનાં થોડાં જ અઠવાડિયાં પછી સરકારે એની ઘટતી ઇન્વેન્ટરીઝને બચાવવા માટે તાત્કાલિક અસરથી તમામ પ્રકારની ઘઉંની નિકાસ પર શુક્રવારથી પ્રતિબંધ મૂક્યો છે. નિકાસ પર પ્રતિબંધ મૂકતી સત્તાવાર સૂચનામાં જણાવાયું છે કે ઘઉંના વૈશ્વિક ભાવમાં અચાનક વધારો ઘણાં પરિબળોને કારણે થયો છે. એના પરિણામે ભારત, પાડોશી અને અન્ય સંવેદનશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જોખમમાં છે. 

માર્ચની હીટ વેવથી પાકને નુકસાન
ભારત ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે. ફેબ્રુઆરીના અંતમાં રશિયાના યુક્રેન પરના આક્રમણ પછી કાળા સમુદ્રના પ્રદેશમાંથી ઘઉંની નિકાસનો ઘટાડો થતાં વૈશ્વિક ખરીદદારો ભારત પર નિર્ભર બન્યા હતા. જોકે જાણવા મળ્યા પ્રમાણે માર્ચની હીટ વેવને કારણે ઘઉંના પાકને બહુ મોટું નુકસાન થતાં સરકારને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. ઘઉંનો પાક મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસની શ્રેણીમાં શ્રેષ્ઠ રહે છે, પરંતુ માર્ચના મધ્યમાં તાપમાન ૩૫ ડિગ્રી અને મહિનાના અંત સુધીમાં ૪૦ ડિગ્રીને વટાવી જવાથી ઘઉંના પાકને નુકસાન થયું હતું. દેશના મોટા ભાગમાં મધ્ય પ્રદેશને બાદ કરતાં અન્ય રાજ્યોમાં ઘઉંના ખેડૂતોએ ગયા વર્ષની સરખામણીમાં ૧૫થી ૨૦ ટકા અનાજની લણણી ઓછી કરી હતી. એપ્રિલમાં ફુગાવો આઠ વર્ષની ઊંચી સપાટી ૭.૭૯ ટકાની નજીક પહોંચ્યો હતો અને છૂટક ખાદ્ય-ફુગાવો પણ વધીને ૮.૩૮ ટકા સુધી પહોંચી ગયો હતો. એને કારણે સરકાર પર પસ્તાળ પડી હતી અને સરકારને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. 

સરકાર મોડી જાગી
ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર તરફથી નિકાસ બંધ કરવાથી તાત્કાલિક ધોરણે તો ઘઉંના ભાવ ઘટવાની મોટી શક્યતા છે. જોકે સરકારે નિકાસનો નિર્ણય ખૂબ જ મોડો લીધો હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે દેશમાં ઓછા ઉત્પાદન અને ઊંચા ભાવની અસર સરકારી ગોડાઉનના પુરવઠા પર પણ પડી છે. સરકાર પાસે ઘઉંનો જે પુરવઠો છે એ ખૂબ જ ઓછો છે. છેલ્લાં પાંચ વર્ષ કરતાં સૌથી ઓછો પુરવઠો આ વર્ષે છે. ઘઉંના ભાવને નિયંત્રણમાં કરવા માટે સરકાર તરફથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા થોડા મહિનાઓમાં વૈશ્વિક ખરીદદારો ઘઉંના પુરવઠા માટે ભારત તરફ ધ્યાન આપી રહ્યા હતા. ગ્લોબલ માર્કેટમાં જે દેશો રશિયા અને યુક્રેન પાસેથી ઘઉં આયાત કરતા હતા એવા દેશોમાં પણ ઘઉંની નિકાસ કરીને ભારત ઘઉંની નિકાસ કરવામાં મોખરે રહ્યો છે. હજી ૧૫ એપ્રિલે વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે આ નાણાકીય વર્ષમાં ભારતનું ઘઉંનું શિપમેન્ટ ૧૦ મિલ્યન ટનથી ૧૫ મિલ્યન ટન સુધી હશે. ભારતીય ખેડૂતોએ અમારા અનાજના ભંડારનો ઓવરફ્લો સુનિશ્ચિત કર્યો છે અને અમે વિશ્વની સેવા કરવા તૈયાર છીએ.’

ભીમજી ભાનુશાલીએ વધુમાં કહ્યું હતું કે ‘હાલમાં ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. સરકાર તરફથી નિકાસ બંધ કરવાથી તાત્કાલિક ધોરણે તો ઘઉંના ભાવ ઘટવાની મોટી શક્યતા છે, પરંતુ સરકારે નિકાસનો નિર્ણય ખૂબ જ મોડો લીધો હોય એવું દેખાઈ રહ્યું છે. આ વર્ષે ૧૧ મે સુધીમાં ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ)એ ૧૭૮ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે જે ગયા વર્ષે ૩૪૧.૮ લાખ ટન હતી. ઘઉંની નિકાસ કરવા છતાં ભાવ કાબૂમાં રાખવા વિશે સરકાર તરફથી ઘણી મોટી-મોટી વાતો કરવામાં આવી હતી. છતાં ઘઉંના ભાવ આસમાને પહોંચ્યા હતા. જોકે ભારત તરફથી મોટા ભાગનો માલ નિકાસ થઈ ચૂક્યો હોવાથી સરકાર પાસે પુરવઠો પાંચ વર્ષના તળિયે રહ્યો છે.’

રૅશનિંગની વિતરણ યોજનામાં ફેરફાર જરૂરી
ભારતની આમ જનતાને ખૂબ જ મોંઘા ભાવે ઘઉં ખરીદવા પડ્યા છે એમ જણાવીને ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘સરકારનો નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય આમ જનતા માટે યોગ્ય જ છે, પણ સરકાર ખૂબ જ મોડી જાગી હોવાનું દેખાઈ આવે છે. સરકારે રૅશનિંગમાં નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવા કરતાં રૅશનિંગના કાર્ડધારકોને તેમના બૅન્ક-ખાતામાં સહાય તરીકે રોકડ રકમ આપવાની જરૂર છે જેથી તેઓ પોતાની જરૂરિયાત મુજબ જુવાર, બાજરી, મકાઈ કે અન્ય અનાજ  ખરીદી શકે અને સરકાર પાસે ઘઉંના સ્ટૉકમાં પણ વધારો થઈ શકશે. નિઃશુલ્ક અનાજ વિતરણને કારણે એક તો અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઈ રહ્યું છે અને બીજું એ કે નિઃશુલ્ક આપવામાં આવેલું અનાજ જ ફરીથી બજારમાં વેચાતું હોવાથી ભ્રષ્ટાચારમાં પણ વધારો થયો છે.’

ખેડૂતો કેમ નારાજ થશે?
સરકારના અચાનક  નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી ખેડૂતોની હાલત કપરી બની જશે એમ જણાવીને ભીમજી ભાનુશાલીએ ભારતના એક અર્થશાસ્ત્રી અશોક ગુલાટીના શબ્દોને ટાંકતાં કહ્યું હતું કે ‘સરકારનું આ ખેડૂતવિરોધી પગલું છે. સરકાર મોંઘવારીથી આટલી પરેશાન હતી તો એણે પ્રતિબંધનો આશરો લેવાને બદલે નિકાસને ધીમે-ધીમે ફિલ્ટર કરવી હતી. નિકાસને કારણે સારા ભાવ મળશે એ આશાએ દેશના ખેડૂતોએ તેમના પાકને રોકી રાખ્યો છે. હવે સરકારી એજન્સીઓ આ ખેડૂતો પાસેથી સરકારી ભાવે ઘઉં ખરીદી કરવા દબાણ કરશે. એને બદલે સરકારે જ આ ખેડૂતોને એમએસપીથી વધારે બોનસ ભાવ આપીને માલ ખરીદવાની જરૂર હતી. તો ખેડૂતો હતાશ ન થાત.’ 

સરકારનો યુ ટર્ન
માર્કેટના ઘઉંના વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારના નિકાસ પરના પ્રતિબંધથી ઘઉંના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો હતો જે નિયંત્રણ સાથે જ ઘટવા લાગ્યો છે. સરકારના આ નિર્ણયથી ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલના ૨૦૧૫ રૂપિયા મિનિમમ સપોર્ટ પ્રાઇસ (એમએસપી)ની નજીક આવી જશે. બજારમાં ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૨૩૪૦ રૂપિયાની આસપાસ ચાલતા હતા, ત્યારે નિકાસ માટેના ભાવ ૨૫૭૫ રૂપિયાથી ૨૬૧૦ રૂપિયા બોલાતા હતા. જોકે સરકારે નિકાસ માટેની એની યોજનાઓની જાહેરાત કર્યાના બે દિવસ પછી આ પગલું યુ ટર્ન છે. સરકારી નિવેદન પ્રમાણે વૈશ્વિક સ્તરે અનાજની વધતી વૈશ્વિક માગ વચ્ચે ૨૦૨૨-’૨૩માં ભારતે ૧૦ મિલ્યન ટન ઘઉંના નિકાસનું રેકૉર્ડ લક્ષ્ય નક્કી કર્યું હતું.’ 

સંગ્રહખોરો પર રોક લાગશે
નિકાસમાં વેગ મળવાને કારણે અમુક રાજ્યોના વેપારીઓ અને સંગ્રહખોરો ભાવમાં વધારાની અપેક્ષાએ વિશાળ સ્ટૉક જમા કરીને બેઠા હતા એમ જણાવીને એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે ‘નિકાસ પરના નિયંત્રણથી સરકારને હવે આવા વેપારીઓ પાસેથી ઘઉંની ખરીદીમાં સરળતા થશે. સરકારી આંકડા પ્રમાણે સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ખરીદી ૧૫ વર્ષની નીચી સપાટીએ આવી ગઈ છે. વર્તમાન માર્કેટિંગ સીઝનમાં અત્યાર સુધીમાં માત્ર ૧૮ મિલ્યન ટનની ખરીદી થઈ છે, જે ૨૦૨૧-’૨૨માં રેકૉર્ડ ૪૩.૩ મિલ્યન ટન હતી. પાઇપલાઇનમાં આશરે પાંચ મિલ્યન ટન ઘઉંનો સમાવેશ થાય છે. એમાં વેપારીઓ દ્વારા સ્ટૉક કરવામાં આવેલા ૧.૪થી બે મિલ્યન ટન ઘઉંનો સમાવેશ થાય છે. આગામી અઠવાડિયામાં આ સ્ટૉક સરકારી ખરીદી માટે આવી શકે છે. જો આમ થાય તો તે સરકારી ઇન્વેન્ટરીઝને ૨૩થી ૨૪ મિલ્યન ટન સુધી પહોંચી શકે છે.’

15 May, 2022 08:56 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હાઇવે પર આજેય મળશે હેરાનગતિનો બૂસ્ટર ડોઝ

જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે જોડતા ગાંધીનગર બ્રિજ પર કામ ચાલુ હોવાથી શનિ અને રવિવારે મોટરિસ્ટો ટ્રાફિક જૅમમાં ફસાયા બાદ આજે પણ તેમણે જૅમમાં કંટાળવું પડે એવી ભારોભાર શક્યતા

16 May, 2022 09:02 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

પહેલા જ દિવસે ટ્રાફિક જૅમ આઉટ ઑફ કન્ટ્રોલ

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પવઈ-કાંજુરમાર્ગ ફ્લાયઓવર રિપેરિંગ માટે ૧૨ દિવસ બંધ કરવામાં આવતાં એક્સપ્રેસ હાઇવે અને એલબીએસ માર્ગ પરથી ઘાટકોપરથી થાણે પહોંચતાં શનિવારે ૩૦ મિનિટને બદલે લોકોને વાહનમાં બે કલાક લાગ્યા

15 May, 2022 10:03 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફી ન ભરી શકે એ સ્કૂલે લોકો પાસેથી પૈસા લેવા કે નહીં?

પવઈમાં આવેલી એક સ્કૂલે શરૂ કરેલી આ પહેલનું અનુકરણ કરવા જેવું છે કે નહીં એવું પૂછવામાં આવતાં શહેરની અનેક સ્કૂલોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું

14 May, 2022 12:24 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK