પોલીસે ૧૭.૭૪ લાખ રૂપિયાની કિંમતના ગુટકા ભરેલી ૧૮૪ બૅગ્સ જપ્ત કરી હતી સાથે જ ૧૫,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઇલ, એક-એક લાખની કિંમતનાં બે સ્કૂટર તેમ જ અમુક રોકડ જપ્ત કરી હતી
ગુટકા
ગોવંડીમાં આવેલા ગોડાઉન પર રેઇડ પાડીને શિવાજીનગર પોલીસે ૨૦ લાખ રૂપિયાથી વધુની કિંમતના ગુટકા અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરી હતી તેમ જ અબ્દુલ હલીમ ખાન અને મોહમ્મદ તનવીર ખાન નામના બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
પોલીસ-ઇન્સ્પેક્ટર ભરત ઘોનેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘પ્રતિબંધિત ગુટકાનું છૂપી રીતે વેચાણ થતું હોવાની ટિપ મળતાં ગુરુવારે સાંજે ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુટકા પ્રતિબંધિત છે અને લોકોના સ્વાસ્થ્ય પર એની આડઅસર થાય છે એ વાતની જાણ હોવા છતાં બન્ને આરોપીઓ ગોવંડીના શાંતિનગરમાં આવેલી કાદરિયા મસ્જિદની બાજુમાં આવેલા ગોડાઉનમાં એનું વેચાણ કરતા હતા.’
ADVERTISEMENT
પોલીસે ૧૭.૭૪ લાખ રૂપિયાની કિંમતના ગુટકા ભરેલી ૧૮૪ બૅગ્સ જપ્ત કરી હતી સાથે જ ૧૫,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઇલ, એક-એક લાખની કિંમતનાં બે સ્કૂટર તેમ જ અમુક રોકડ જપ્ત કરી હતી. આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બાળકને કચરામાંથી પિસ્ટલ મળી, રમકડું સમજીને ચલાવી તો એ સાચી નીકળી
દહિસરમાં ૧૨ વર્ષના બાળક સાથે અજીબ કિસ્સો બન્યો હતો. કચરાના ઢગલામાં પડેલી પિસ્ટલને રમવા માટે લીધી અને હવામાં ચલાવી તો સાચું ફાયરિંગ થયું. દહિસર પોલીસે જણાવ્યું હતું કે ‘સાંઈકૃપા ચાલ નજીક આવેલા મેદાનમાં રમતી વખતે ૧૨ વર્ષના છોકરાને કચરાના ઢગલામાંથી પિસ્ટલ મળી હતી. રમકડાની પિસ્ટલ સમજીને તેણે એક રાઉન્ડ ફાયર કર્યું તો પિસ્ટલ સાચી હોવાની ખબર પડી. આ પિસ્ટલમાં ચાર રાઉન્ડ ગોળી ભરેલી હતી. જોકે આ બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી.’
પોલીસે આ ઘટનાની નોંધ લઈને પિસ્ટલ કોની છે એની તપાસ શરૂ કરી છે.

