શનિવારે સાંજે ટૂ-વ્હીલર પર જઈ રહેલા એક જ પરિવારના ચાર જણને ડમ્પરે અડફેટે લીધા હતા
ઘટનાને પગલે ઉશ્કેરાયેલા લોકોએ રસ્તો જૅમ કરી દીધો હતો
ગોવંડીના ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પર શિવાજીનગર સિગ્નલ પાસે એક ડમ્પર નીચે આવી જતાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. શનિવારે સાંજે ટૂ-વ્હીલર પર જઈ રહેલા એક જ પરિવારના ચાર જણને ડમ્પરે અડફેટે લીધા હતા જેને કારણે તેઓ રોડ પર પડી ગયા હતા. ડમ્પર-ડ્રાઇવરની ભૂલના લીધે તેઓ ડમ્પર નીચે આવી ગયા હતા. ચારે અકસ્માતગ્રસ્તોને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરો દ્વારા મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ૪૨ વર્ષના નૂર મોહમ્મદ ગાલન, ૧૧ વર્ષના આર્યન ગાલન, ૧૧ વર્ષના મોહમ્મદ હુસેન અને ૯ વર્ષના અબ્દુલ ખાનનો જીવ ગયો હતો.
ઘટનાને પગલે ઉશ્કેરાયેલા લોકોએ રસ્તો જૅમ કરી દીધો હતો. લોકોએ ડમ્પર-ડ્રાઇવરને પકડીને માર માર્યો હતો જેને લીધે રસ્તાની ચારેબાજુ ખૂબ ભીડ જમા થઈ ગઈ હતી. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી અને ડમ્પર-ડ્રાઇવરની અટકાયત કરી હતી.


