મુલુંડમાં ૫૦ રૂપિયાની લાલચ આપીને શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપની સ્કૂલમાં ત્રણ બાળકીઓ સાથે લિફ્ટ મેકૅનિકે કરેલા વિનયભંગની ઘટના તાજી છે ત્યારે મુલુંડ-વેસ્ટ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની બાળકીને ૫૦ રૂપિયા આપવાની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મુલુંડ પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. બાળકીના પેટમાં તીવ્ર દુખાવો થતાં તેની મમ્મી તેને સાયન હૉસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ ત્યારે બાળકી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ બાળકીએ તેની સાથે બનેલી આઘાતજનક ઘટનાનો ખુલાસો કર્યો હતો.
બાળકીની મમ્મીની ફરિયાદ પર અમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એમ જણાવતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકી પગપાળા સ્ટેશન વિસ્તારથી પોતાના ઘરે આવી રહી હતી ત્યારે તેને એક યુવાન રસ્તામાં મળ્યો હતો. તે યુવાને બાળકીને ૫૦ રૂપિયા આપવાનું વચન આપી તેની સાથે આવવા માટે સમજાવી હતી. તેના પર વિશ્વાસ કરીને બાળકી તે યુવાનની પાછળ ગઈ હતી. ત્યાર બાદ તે યુવાને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ દુષ્કર્મ કોઈને ન કહેવાની ચેતવણી આપીને તેને ઘરે મોકલી દીધી હતી. આશરે એક અઠવાડિયા પહેલાં બાળકીને પેટમાં તીવ્ર દુખાવો થતાં તેની મમ્મી તેને સાયન હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી ત્યારે ડૉક્ટર દ્વારા તપાસ કરતાં બાળકી ગર્ભવતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બાળકીને પૂછપરછ કરવા પર તેણે આઘાતજનક ઘટનાનો ખુલાસો કર્યો હતો. અમે જાતીય શોષણના આરોપો સાથે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટની કલમો હેઠળ કેસ નોંધી ફરાર આરોપીને ઓળખવા અને શોધવા માટે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ઘટના ક્યાં બની છે એની ચોક્કસ માહિતી ફરિયાદી પાસે નથી એમ જણાવતાં મુંબઈ પોલીસ ઝોન સાતના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) વિજયકાંત સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકીની મમ્મીએ આપેલી ફરિયાદ પર અમે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. જોકે ફરિયાદી દ્વારા આપેલી માહિતીમાં બહુ જ બધું મિસિંગ છે જેની કડી અમે જોડી રહ્યા છીએ, સાથે આરોપીની પણ તપાસ અમે હાથ ધરી છે.’

