આવી વિનંતી કરતો સુપ્રીમ કોર્ટના ચાર ભૂતપૂર્વ ન્યાયાધીશ અને બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત ભારતના કેટલાક પ્રતિષ્ઠિત નિવૃત્ત ન્યાયાધીશોનો પત્ર
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટના ચાર ભૂતપૂર્વ ન્યાયાધીશ અને બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત ભારતના કેટલાક પ્રતિષ્ઠિત નિવૃત્ત ન્યાયાધીશોએ G20ને પત્ર લખીને વિદેશની બાળ એજન્સીઓ દ્વારા તેમનાં માતા-પિતા પાસેથી દૂર કરવામાં આવેલાં ભારતીય બાળકોને ભારતમાં પાછાં લાવવા માટે વિનંતી કરી છે. અત્યારે મૂળ ભારતનાં બાળકો જર્મની, પશ્ચિમ યુરોપ, યુનાઇટેડ કિંગડમ, ઉત્તર અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડનાં તેમનાં માતા-પિતા વિના ચાઇલ્ડ સેન્ટરમાં ઊછરી રહ્યાં છે.
જે ન્યાયાધીશોએ G20ને પત્ર લખીને જેમનાં માતા-પિતા હોવા છતાં વિદેશના ચાઇલ્ડ સેન્ટરમાં ઊછરી રહેલાં બાળકોને ભારત પાછાં મોકલવા માટે વિનંતી કરી છે. એ ન્યાયાધીશોમાં ભારતની સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ રૂમા પાલ, જસ્ટિસ વિક્રમજિત સેન, જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ દીપક ગુપ્તા તેમ જ દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ એ. પી. શાહ, ઓડિશા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. મુરલીધર અને હાલના દિલ્હી હાઈ કોર્ટનાં જસ્ટિસ મંજુ ગોયલ, જસ્ટિસ આર. એસ. સોઢી અને જસ્ટિસ આર. વી. ઈસ્વારનો સમાવેશ છે.
ADVERTISEMENT
આ ન્યાયાધીશોએ મંગળવારે પાંચમી સપ્ટેમ્બરે G20ને લખેલા પત્રમાં બાળક સાથે કોઈ વંશીય અથવા સાંસ્કૃતિક સંબંધ ન ધરાવતા વિદેશમાં પાલક સંભાળ રાખનારાં ભારતીય બાળકોની અલગતા અને ઓળખ ગુમાવવા તરફ ઇશારો કરીને અત્યારે ચાલી રહેલી G20માં ચર્ચા શરૂ કરવા અપીલ કરી છે. આ પત્રમાં આંતરરાષ્ટ્રીય સંમેલનોની ચર્ચામાં આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બાળકોને તેમના મૂળ દેશમાં પાછાં ફરવાનો અધિકાર છે તેમ જ તેમની રાષ્ટ્રીયતા, ઓળખ, ધર્મ અને ભાષાની જાળવણીનો અધિકાર છે એ મુદ્દાને સામેલ કરવા જણાવાયું છે.
અનેક ન્યાયાધીશોની સહી સાથેના આ પત્રમાં ન્યાયાધીશોએ કહ્યું છે કે ચાઇલ્ડ સેન્ટરમાં ઊછરી રહેલાં આવાં બાળકો માટે તેમના સમગ્ર બાળપણ દરમ્યાન તેમને વિદેશી રાજ્યની કસ્ટડીમાં છોડી દેવા કરતાં તેમ જ દેશમાં એલિયન્સ તરીકે પાલકની દેખભાળથી દૂર રાખવા કરતાં તેમના સ્વદેશમાં સલામત પ્લેસમેન્ટ પર પાછાં ફરવું એ વધુ માનવીય અને કરુણાપૂર્ણ ઉકેલ છે. ગ્લોબલ નૉર્થમાં બાળ સંરક્ષણ કાર્યવાહીમાં સાંસ્કૃતિક તફાવતોને વધુ સારી રીતે સમજવાની અને સારી ગુણવત્તાના અનુવાદકોની જોગવાઈની જરૂર જણાય છે. આ પત્રમાં નૉર્વે અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં એવા કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં વિદેશમાં તેમનાં માતાપિતા પાસેથી જપ્ત કરાયેલાં ભારતીય બાળકો માટે ભારત સરકારે દરમ્યાનગીરી કરવી પડી છે તેમ જ જર્મની અને ઑસ્ટ્રેલિયા સાથે ચાલી રહેલા કેસ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, જ્યાં બાળકોના વિરહની વેદનામાં વિચલિત માતાએ પોતાનો જીવ આપ્યો હતો.
ન્યાયાધીશોએ ભારતીય બાળ કલ્યાણ અધિકારીઓની દેખરેખમાં બાળકને સ્વદેશ પાછાં લાવવા માટે જર્મનની મૂળ ભારતીય ગુજરાતી જૈન દીકરી અરિહાના કેસમાં ભારત સરકારની વિનંતી પર દયાળુ વિચારણા કરવા વિનંતી કરી છે. આ ન્યાયાધીશોનું દૃઢપણે માનવું છે કે આનાથી જર્મન પ્રણાલીના મૂલ્યાંકનનો આદર થશે અને બાળકને એની રાષ્ટ્રીયતા તથા વારસો જાળવવા સક્ષમ બનાવશે.


